અમદાવાદમાં ટ્રાફિક અને પાર્કિંગનો પ્રશ્ન અત્યંત ગંભીર બનતો જાય છે. તેના માટે વધતી જતી વાહનોની સંખ્યાની સાથે સાથે મ્યુનિ.ના ટીડીઓ- એસ્ટેટ અને એન્જિનિયરિંગ ખાતા પણ એટલા જ જવાબદાર છે. કોમર્શિયલ કોમ્પ્લેક્ષના પાર્કિંગના ભોંયરામાં ગેરકાયદે થઈ ગયેલી દુકાનોને અટકાવી નહિ શકનારા મ્યુનિવાળા હવે કિંમતી જાહેર પ્લોટમાં બહુમાળી પાર્કિંગ પ્લેસીસ ઉભા કરવાની યોજનાઓ ઘડી રહ્યા છે.
આ અંગેની વિગત એવી છે કે, બાંધકામના જીડીસીઆરના કાયદામાં રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડીંગોમાં પાર્કિંગની ચોક્કસ પ્રકારની સુવિધા ઉભી કરવાની બાબત ફરજિયાત હોવા છતાં હપ્તા લઈને ટીડીઓ- એસ્ટેટવાળા આ દિશામાં આંખ આડા કાન કરે છે. હમણાં દબાણ હટાવ ઝુંબેશમાં રોડ પરના બે ફૂટના પગથીયા કે ઓટલા તોડયા પણ એકે ય ભોંયરાની દુકાન તોડવા ૧૦ પગથિયા નીચે નથી ઉતર્યા.
અગાઉના એક ડે. કમિશ્નરે ભોંયરાનો દુરૂપયોગ રોકવા બિલ્ડરો પાસે ડિપોઝીટની રકમ ભરાવવાનું ચાલુ કર્યું હતું. આ ગાળામાં એકેય બિલ્ડર ડિપોઝીટ પાછી લેવા નહોતો આવ્યો કેમ કે નીચે દુકાનો કરી અનેકગણી કમાણી કરી નાખી હતી. એક પણ ટીડીઓ ઇન્સ્પેક્ટર ક્યારેય આવી બાબતોમાં નોટિસ આપવા નથી ગયો.
બીજી તરફ ટ્રાફિક જામનું મુખ્ય કારણ છે રોડ, બ્રિજ, અન્ડરપાસ ફૂટપાથ, રોડ ડિવાઇડરની ક્ષતિપૂર્ણ ડિઝાઇન, નરોડા- નારોલના તમામ બ્રિજની ડિઝાઇન અવૈજ્ઞાાનિક હોવાથી ટ્રાફિકનો પ્રશ્ન હળવો કરવામાં નિષ્ફળ ગયો છે. વાહનો બ્રિજ પર વધુ અને રોડ પર ઓછા હોવા જોઈએ પણ નરોડા- નારોલના રોડની સ્થિતિ એથી તદ્દન ઉંધી છે. આવી જ હાલત ૧૩૨ ફૂટના રીંગરોડની છે. શિવરંજની, હેલ્મેટ સર્કલ, એઇસી બ્રિજ બન્યા પછી ટ્રાફિકની હાલતમાં સુધારો થયો નથી. અંધજનમંડળ બ્રિજની એથી પણ વધુ ખરાબ સ્થિતિ છે. ઇસ્કોન ચારરસ્તા પણ બ્રિજ બન્યા પછી ટ્રાફિક ઓછો થયો નથી.
બ્રિજ બાંધતા પહેલા ત્યાંથી દ્વિચક્રી, કાર, હેવી કોમર્શિયલ વાહનો, રીક્ષા જેવા કયા પ્રકારના કેટલા વાહનો રોજ આવ-જા કરે છે, કઈ દિશામાં વધુ જાય છે, ટ્રાફિકની તરાહ કેવા પ્રકારની છે, તેનો સંપૂર્ણ અભ્યાસ કરવો જોઈએ અને ત્યારબાદ તેની દિશા ટ્રાફિક શાખા સાથે વિમર્શ કરીને નક્કી થવી જોઈએ પરંતુ અમદાવાદ મ્યુનિ.માં આવું કશું જ થતું નથી. અન્ડરપાસ બનાવવામાં આવેતો વરસાદનું પાણી ક્યાં જશે તે બાબત ચોમાસુ બેસે ત્યારે છેક યાદ આવે છે ! ક્યાંક તો બિનજરૂરી પહેલા ફૂટપાથ કરી નખાય છે અને પછી ટ્રાફિક જામની ફરિયાદ ઉઠે ત્યારે સેટેલાઇટ રોડની જેમ ફૂટપાથ કાપવા બેસવું પડે છે.
ઉપરાંત જંક્શન વચ્ચેના સર્કલની કોઈ નીતિ જ નથી. કેવડાં ચોકમાં સર્કલની સાઇઝ કેવડી હોવી જોઈએ તે બાબત સર્કલ બનાવનાર કંપનીની વગના આધારે નક્કી થાય છે. નહેરૂનગર સર્કલ પર સર્કલની ફરતેની ૩ ફૂટ પહોળી પેરામીટ કાઢી નખાઈ તો પણ ઘણો ફેર પડી ગયો તેનો અર્થ એ થયો કે નાનું સર્કલ હોય તો ટ્રાફિકનું વહન સરળતાથી થાય. નવા વાડજના સર્કલ અંગે આ દ્રષ્ટિએ વિચારવા જેવું છે. સર્કલ એવા મોટા હોય છે કે વાહન ચાલકને બીજી દિશામાંથી આવતા વાહનો જ દ્રષ્ટિગોચર ન થાય. મ્યુનિ.ની ટ્રાફિક એન્જિનિયરિંગ શાખાએ ઘણું બધું કરવાની જરૂર છે.