અમદાવાદ: પ્રો કબડ્ડી લિગની પ્રથમ ત્રણ મેચમાં વિજય મેળવ્યા બાદ સતત ત્રણ મેચ હાર્યા બાદ ઘરઆંગણે રમવા છતાં ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસનો કંગાળ દેખાવ જારી રહ્યો હતો. આજે કાંકરિયાના ટ્રાન્સ સ્ટેડિયા પર રમાયેલી તેલુગુ ટાઈટન્સ સામેની મેચમાં ગુજરાતનો 24-30 પરાજય થયો હતો. 12 ટીમોની સ્પર્ધાના સાતમાં સત્રમાં તેલુગુની ટીમ આ મેચ પહેલાં પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લી હતી અને તેને સ્પર્ધામાં પાછા ફરવા માટે વિજયની જરૂર હતી. બીજી બાજુ સામાન્ય રીતે ઘરઆંગણે હંમેશા હાવી રહેતી ગુજરાતીની ટીમ આજે ફરી પ્રતિસ્પર્ધી ટીમ સામે રમતના તમામ પાસામાં નબળી પુરવાર થઈ હતી.
રવિવારે ટ્રાન્સસ્ટેડિયા ખાતે દર્શકો તેમની સ્થાનિક ટીમને પ્રોત્સાહિત કરવા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જોકે, ટોસ જીતીને કોર્ટ પસંદ કરનારી ગુજરાતની ટીમે આજે નબળી શરૂઆત કરી હતી. બન્ને ટીમો પાસે શ્રેષ્ઠ કહી શકાય એવા ડિફેન્ડર હતા. ગુજરાતનો સુકાની સુનિલ કુમાર અને તેલુગુ ટાઈટન્સના વિશાલ ભારદ્વાજે છ-છ મેચોમાં ટેકલ દ્વારા 17-17 પોઈન્ટ મેળવ્યા હતા. જોકે આજે ફરી એક વખત યજમાન ટીમ પર પ્રવાસી ટીમનો દબદબો જોવા મળ્યો હતો. હાફ ટાઈમે તેલુગુની ટીમ 17-13થી આગળ હતી. કમનસીબે પોતાના છમાંથીએક પણ મેચ જીતી ન શકનારી તેલુગુ ટીમ સામે પણ ગુજરાતની ટીમે પોઈન્ટ માટે ઝઝુમવું પડ્યું હતું અને તે સરસાઈ મેળવી શકી નહતી. તેલુગુની ટીમે આ મેચ પહેલા એકમાત્ર મેચ ટાઈ કરી હતીઅને તેના માત્ર પાંચ પોઈન્ટ જ હતા.
ઘરઆંગણાની પહેલી મેચ શનિવારે તમિલ થલાઈવાસ સામે ગુમાવવા સાથે સતત ત્રીજી મેચમાં પરાજય થતા ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ આજે વિજયના મક્કમ ઈરાદા સાથે આજે કોર્ટ પર ઊતરી હતી. તમિલ થલાઈવાસે ગુજરાત સામે વિજય મેળવવા સાથે 20 પોઈન્ટ મેળવીને પોઈન્ટ ટેબલમાં ત્રીજું સ્થાન મ્ળવ્યું હતું જ્યારે ગુજરાત 16 પોઈન્ટ સાથે સાતમા સ્થાને સરકી ગઈ હતી.