લોકસભા-૨૦૧૯ ચૂંટણીમાં મતદાન સ્થળથી અન્ય જગ્યાએ ફરજ નિભાવતા કેન્દ્ર -રાજ્યોના ૬૦ ટકા સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ દ્વારા કર્યું મતદાન
, શુક્રવાર, 9 ઑગસ્ટ 2019 (14:58 IST)
ગાંધીનગર: સમગ્ર દેશમાં વધુમાં વધુ સંખ્યામાં નાગરિકો મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવે એ માટે દેશનું ચૂંટણીપંચ પ્રતિબદ્ધ છે. જે અંતર્ગત ચાલુ વર્ષે એપ્રિલ-૨૦૧૯માં યોજાયેલી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯માં ઘણી મહત્વની ઘટનાઓ બની અને નવા આયામો સ્થાપિત થયા છે. વિશ્વના સૌથી મોટા લોકશાહીવાળા આપણા દેશમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા પાર પાડવામાં અને મતદાનની ટકાવારી વધારવામાં પણ સફળતા સાંપડી છે. આ ચૂંટણી દરમિયાન ઈટીપીબીએસ (ઈલેક્ટ્રોનિક ટ્રાન્સમીટેડ પોસ્ટલ બેલેટ સીસ્ટમ) દ્વારા મતદાન કરતા સર્વિસ વોટર્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ ચૂંટણીમાં કુલ નોંધાયેલા સર્વિસ વોટર્સમાંથી ૬૦ ટકા કર્મચારીઓએ ઇલેકટ્રોનિક્સ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી નવું સિમાચિહ્ન સ્થાપિત કર્યુ છે.
આ અંગે રાજ્ય ચૂંટણી પંચના નાયબ સચિવની યાદીમાં જણાવ્યાનુસાર વર્ષ ૨૦૧૪માં ૧૩,૨૭,૬૨૭ મતદારોએ ઈટીપીબીએસ દ્વારા મતદાન માટે ઓનલાઈન નોંધણી કરાવી હતી જેની સામે વર્ષ ૨૦૧૯ લોકસભા ચૂંટણી દરમિયાન કુલ ૧૮,૦૨,૬૪૬ મતદારોએhttps://www.servicevoter.eci.nic.in પર નોંધણી કરાવી ઈલેક્ટ્રોનિક પોસ્ટલ બેલેટ મારફતે મતદાન કર્યું હતું. સંપૂર્ણ રીતે ઓનલાઈન ઈલેક્ટ્રોનિક પોસ્ટલ બેલેટથી મતદાનનો પ્રયોગ પ્રથમ વાર કરવામાં આવ્યો હતો જેને લીધે મતદાતાઓનો સમય બચાવી શકાયો હતો.
આ વ્યવસ્થા ભારત સરકારમાં કામ કરતા અને વિદેશમાં ફરજ બજાવતા કર્મચારીઓ તથા અધિકારીઓ અને લશ્કરી દળોમાં કામ કરતા કર્મચારીઓ માટે ઊભી કરવામાં આવી છે જેમાં કેન્દ્રીય સશસ્ત્ર દળો અને ભારત સરકારના વિદેશ મંત્રાલયમાં કામ કરતા અને વિદેશોમાં સ્થિત ભારતીય દૂતાવાસમાં કામ કરતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. પોર્ટલ પર નોંધાયેલ કુલ મતદારો પૈકી સંરક્ષણ મંત્રાલયના ૧૦,૧૬,૨૪૫ કેન્દ્રીય ગૃહ મંત્રાલય(સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સીસ)ના ૭,૮૨,૫૯૫ અને વિદેશ મંત્રાલયના ૩,૫૩૯ અને સ્ટેટ પોલીસના ૨૬૭ સર્વિસ વોટર્સ નોંધાયા હતા. ભારતીય ચૂંટણીપંચના ફ્લેગશીપ કાર્યક્રમ ઈટીપીબીએસ હેઠળ કુલ ૧૮,૦૨,૬૪૬ પોસ્ટલ બેલેટ પેપર મોકલવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૯માં કુલ ૧૦,૮૪,૨૬૬ પોસ્ટલ બેલેટ મળ્યા હતા. જે કુલ નોંધાયેલા સર્વિસ વોટર્સના ૬૦.૧૪% મતદાન સૂચવે છે. વર્ષ ૨૦૧૪માં થયેલા ૪% મતદાનની સરખામણીએ નોંધપાત્ર વધારો સૂચવે છે.
ઈટીપીબીએસ એ સર્વિસ વોટર્સ માટે ખૂબ જ વિશ્વાસપાત્ર અને સલામત મતદાન વ્યવસ્થા છે જેમાં દ્વીસ્તરીય સિક્યુરીટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થામાં ઓટીપી અને પિન નંબરનો ઉપયોગ કરવામાં આવે છે અને વેબસાઈટના માધ્યમથી ક્યૂ.આર. કોડ જનરેટ કરવામાં આવે છે. જેથી ખોટા મતદાનની શક્યતા રહેતી નથી. સાથે જ આ વ્યવસ્થાના માધ્યમથી મતદાર કોઈપણ સ્થળેથી પોતાના મતદાન ક્ષેત્ર માટે સરળતાથી મતદાન કરી શકે છે. ઈટીપીબીએસ વ્યવસ્થાનો આશય સંરક્ષણ મંત્રાલયમાં કામ કરતા અને પોતાના મતદાન ક્ષેત્રોથી દૂર ફરજ બજાવતા સર્વિસ વોટર્સને મતદાન માટે સરળ વ્યવસ્થા ઊભી કરી આપવાનો છે જેથી તેઓ પોતાના મતદાન અધિકારનો સરળતાથી ઉપયોગ કરી શકે. દેશનો કોઈપણ મતદાર મતદાનના અધિકારથી વંચિત ન રહે તે માટે ચૂંટણીપંચ પ્રતિબદ્ધ છે અને આ દિશામાં તમામ શક્ય પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
આગળનો લેખ