Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સુરતમાં ભાજપને કારણે આમ આદમી પાર્ટીની મહિલા કોર્પોરેટરના છુટાછેડા, ધારાસભ્યએ ભાજપમાં જોડાવા 3 કરોડની ઓફર કરી

સુરતમાં ભાજપને કારણે આમ આદમી પાર્ટીની મહિલા કોર્પોરેટરના છુટાછેડા, ધારાસભ્યએ ભાજપમાં જોડાવા 3 કરોડની ઓફર કરી
, શુક્રવાર, 18 જૂન 2021 (08:45 IST)
સુરત વોર્ડ નંબર-3ના આમ આદમી પાર્ટીનાં મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરા દ્વારા આજે ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ સણસણતો આક્ષેપ કરવામાં આવ્યાં છે. મહિલા કોર્પોરેટર દ્વારા જણાવાયું હતું કે કામરેજના ધારાસભ્ય દ્વારા તેમને ભાજપમાં જોડાવા માટે રૂપિયા 3 કરોડની ઓફર કરી હતી. જોકે તેમણે આ ઓફર નકારી દેતાં ભાજપના કહેવાતા એજન્ટ દ્વારા તેમના પતિને લાલચ આપીને ભાજપમાં જોડાવવા દબાણ કરાઈ રહ્યું હતું. બાદમાં પતિ-પત્ની વચ્ચે વાદ-વિવાદ વચ્ચે ઋતા દુધાગરા અને તેમના પતિનો ઘરસંસાર પણ પડીભાંગ્યો છે.

પતિએ ભાજપ પાસેથી 25 લાખ લીધાના પણ આક્ષેપ કરતાં ઋતાએ કહ્યું, હજુ પણ ભાજપ દ્વારા મારા પર દબાણ કરવામાં આવી રહ્યું છે. મહત્ત્વપૂર્ણ છે કે કામરેજના ધારાસભ્ય હાલ વીડી ઝાલાવાડિયા છે. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં-3માં આમઆદમી પાર્ટીનાં મહિલા ઉમેદવાર ઋતા દુધાગરા શહેરના તમામ કોર્પોરેટરોમાં સૌથી વધુ લીડ સાથે વિજયી ઘોષિત થયાં હતાં. હવે આ મહિલા કોર્પોરેટર દ્વારા ભારતીય જનતા પાર્ટી અને કામરેજના ધારાસભ્ય વિરુદ્ધ પક્ષપલટા માટે કરવામાં આવી રહેલા દબાણ સંદર્ભે આક્ષેપો કરવામાં આવતાં રાજકીય હોબાળો મચી જવા પામ્યો છે.

આજે મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરાએ જણાવ્યું હતું કે મારા ભવ્ય વિજયને પગલે છેલ્લા કેટલાક સમયથી કામરેજના ધારાસભ્ય દ્વારા અલગ - અલગ માણસો મોકલીને મને ભાજપમાં જોડાઈ જવા માટે ઓફર કરવામાં આવી રહી છે. રૂપિયાની લાલચમાં ન આવતાં પરિવાર દ્વારા દબાણ કરાવાતાં મારે છૂટાછેડા પણ લેવા પડ્યા છે. આ અંગે ઋતા દુધાગરાના પતિ ચિરાગ દુધાગરાએ જણાવ્યું કે, હું કોઈને છોડીશ નહિં, મારું ઘર તોડ્યું છે. આ આપની પાપ લીલા કહેવાય. મેં આપ(પાર્ટી)નો ભરોસો અકબંધ રાખ્યો છે. ઋતાએ કોઈના દબાણમાં આવીને પ્રેસ કોન્ફરન્સ કરી હોય એમ લાગે છે. ઋતા કહે છે એને 3 કરોડની ઓફર મળી છે કોઈ પુરાવા તો હશે ને, એને અરજી લખતા નથી આવડતું, તો એને આટલી મોટી ઓફર કોણ કરે? હું ભાજપના કોઈ નેતાને મળ્યો નથી અને ઓળખતો પણ નથી. મારે કોઈ સાથે સંબંધ નથી, એ પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી તો મેં 25 લાખ લીધા એ સાબિત કરે. ચૂંટણી પહેલા ફોર્મ પાછું ખેંચાવી લેવા માટે અઢી કરોડની ઓફર હતી. ઘણા મિત્રો અને રાજકીય લોકો મને સમજાવતા હતા ત્યારે મેં રૂપિયા ન લીધા હોય તો આજે 25 લાખ લેવાનો? મારા છૂટાછેડા થયા નથી, ઋતાએ વેસુમાં રહેતી બહેનપણી સાથે રહેતી હોવાનો પુરાવો બહેનપણીની માતાને આપવા મારી સાથે બોગસ ડિવોર્સ પેપર પર સહી લીધી હતી. ત્યારબાદ થોડા દિવસમાં જ એ પેપર મારી સામે ફાડી નાખ્યું હતું. હું તમામ સામે કાર્યવાહી કરીશ. જેણે મારું ઘર તોડવામાં ભૂમિકા ભજવી છે.કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાએ જણાવ્યું હતું કે આ હળાહળ જૂઠાણું છે. પાયાવિહોણી વાત છે. ઋતા દુધાગરાને હું ઓળખતો પણ નથી. મારા વિષય બહારની વાત છે. મેં કોઈ જ ઓફર નથી કરી. મને આજે આ આક્ષેપ બાદ જાણવા મળ્યું કે તેના છૂટાછેડા થયા છે. તેના પતિને 25 લાખ આપ્યાની વાતમાં કોઈ દમ નથી છતાં પણ તેઓ આક્ષેપ કરે છે તો સામે આવે અને ડિબેટ કરે. આમ આદમી પાર્ટી સમગ્ર બોખલાઈ ગઈ છે, એટલે મનઘડંત આરોપો કરી રહી છે.ત્રણ કરોડ રૂપિયાની લાલચ પણ આપવામાં આવી હોવાનું જણાવતાં ઋતાએ ઉમેર્યું હતું કે તેમના પૂર્વ પતિ દ્વારા પણ આ ઓફર સ્વીકારી લેવા માટે ભારે દબાણ કરવામાં આવતું હતું, પરંતુ તેઓ ટસથી મસ ન થતાં તેના પતિ ચિરાગ દ્વારા સમાજ અને પાર્ટીમાં બદનામ કરવાનો પણ કારસો રચવામાં આવ્યો હતો. નાછૂટકે ગત 21મી મેના રોજ ઋતા દુધાગરા અને ચિરાગે છૂટાછેડા લેવાનું નક્કી કરી લીધું હતું. હાલ બન્નેના છૂટાછેડા થઈ ચૂક્યા છે અને ચિરાગ દુધાગરા પણ 25 લાખ રૂપિયા લઈને ભાજપમાં જોડાઈ ગયો હોવાનો ઋતાએ આક્ષેપ કર્યો હતો.'આપ'નાં કોર્પોરેટર ઋતાએ જણાવ્યું હતું કે મારા પર ભાજપ દ્વારા શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી મને તોડવામાં આવી રહી છે. જોકે ભાજપના નેતાઓને મારે એટલું જ કહેવું છે કે હું ક્યારેય ભાજપ સાથે જોડાઈશ નહીં. જે લોકોએ મારા પર વિશ્વાસ મૂકીને મને જીત અપાવી છે તેમની સાથે હું ક્યારેય દગો નહીં કરું. જોકે,થોડા દિવસો અગાઉ પણ ઋતા દુધાગરા વિરોધની વાતો સામે આવી હતી ત્યારે 'આપ'ના પ્રવક્તા દ્વારા આક્ષેપોનું ખંડન કરવામાં આવ્યું હતું. જોકે આજે ઋતા દુધાગરાએ સામે આવીને સમગ્ર વાત સ્વીકારી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત બોર્ડના ધોરણ-12ના પરિણામની ફોર્મ્યુલા નક્કી, ધોરણ-10ના 50 માર્ક્સ ગણાશે, જુલાઈના બીજા સપ્તાહમાં રિઝલ્ટ આવશે