પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાણા ગામની વિદ્યાર્થિની કોઇટા ગામે શાળાએ જઈ રહી હતી. ત્યારે વિદ્યાર્થિની પર ગામના જ શખસે છરી વડે હુમલો કર્યો હતો. ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી વિદ્યાર્થિનીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
આ અંગે વાગદોડ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.આ અંગે વિદ્યાર્થિનીના પરિવારજને જણાવ્યું હતું કે વિદ્યાર્થિની સ્કૂલ જઈ રહી હતી ત્યારે ગામનો શખસ આવીને જબરદસ્તી કરવા લાગ્યો હતો. જેથી તે ગભરાઈ ગઈ હતી અને ત્યાથી ભાગવા લાગી હતી. એને પગલે આરોપીએ પકડી લીધી હતી અને પેટના ભાગે લાત મારી હતી. જેથી વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરી મૂકતાં આરોપીએ છરીના ઘા માર્યા હતા. આ દરમિયાન અમારા માસીને ખબર પડતાં તે આવી પહોચ્યાં હતાં, જેને જોઈ આરોપી ફરાર થઈ ગયો હતો.પાટણના સરસ્વતી તાલુકાના કોઇટા ગામે શાળાએ જઈ રહેલી વિદ્યાર્થિની પર ગામના જ એક ઇસમે હુમલો કર્યો હતો. વિદ્યાર્થિનીને કોઈ વાંક-ગુના વગર નીચે પાડી દઈ પીઠ પાછળ છરીનો ઘા મારી જાતિવિષયક અપમાનિત કરી હતી. એ બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયો હતો. આ ઘટનામાં વિદ્યાર્થિનીને ઈજા પહોંચતાં તેને પ્રથમ જંગરાલની સરકારી હોસ્પિટલમાં અને ત્યાર બાદ વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
કોઇટા ગામે શુક્રવારે સવારે સામાન્ય વિદ્યાલય ઉ.માં.શાળામાં ધો 10 માં અભ્યાસ કરવા માટે જઇ રહેલી 15 વર્ષીય કિશોરી વિદ્યાર્થિનીને રસ્તામાં તેમના જ ગામનો ઠાકોર જીવણ ઉર્ફે જેટિયો લાડજી નામના ઈસમે નીચે પાડી દઈ પીઠ પાછળ છરીના ઘા માર્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થિનીના પરિવારજન આવી જતાં આરોપી ફરાર થઈ ગયો હતો.આ ઘટનાને પગલે વિદ્યાર્થિનીના પિતાએ વાગદોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.