મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના CNG વાહન ચાલકોને સરળતાથી CNG ગેસ ઉપલબ્ધ થાય અને લાંબી લાઇનોમાં ઊભા રહેવું ન પડે તેથી ગુજરાતમાં 300 નવા સીએનજી પંપ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. સમગ્ર ગુજરાતમાં બે વર્ષમાં 300 થી વધારે નવા CNG સ્ટેશન ‘CNG સહભાગી યોજના’ અંતર્ગત રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય છે જેના તમામ જિલ્લાઓમાં સિટી ગેસના વિતરણ માટેની અધિકૃત મંજૂરીઓ મળેલી છે.હાલ 13.50 લાખ ઘરોમાં PNG ગેસનો ઉપયોગ થાય છે તે વધારીને આગામી ૩ વર્ષમાં વધુ 4.50 લાખ ઘરોમાં વિસ્તારી 2022 સુધીમાં ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા 18 લાખ ઘરોને PNG ગેસથી સાંકળી લેવાનો લક્ષ્યાંક છે. રાજ્યમાં ઘરેલું વપરાશકર્તાઓ સંપૂર્ણતઃ PNG નેટવર્કનો ઉપયોગ કરતા થાય તે માટે વાર્ષિક બે લાખ સુધીની આવક ધરાવતા પરિવારો માટે PNG કનેક્શનની ડિપોઝિટ 1000 અને બે લાખથી વધુ વાર્ષિક આવક ધરાવતા પરિવારો માટે રૂ. 5000 ડિપોઝિટ લેવાશે.સમગ્ર દેશમાં 1762 CNG સ્ટેશનો સ્થપાયા છે, તેમાંથી 31 ટકા એટલે કે 542 CNG સ્ટેશન સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. CNG ફ્રેન્ચાઇઝી પ્રક્રિયાને ઝડપી અને પારદર્શી બનાવવા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવશે.