કચ્છના શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના કચ્છ યુનિવર્સિટીના પરીસરમાં બની હતી. ગત વર્ષની 26 જૂનના રોજ એબીવીપીના કાર્યકર્તાઓ યુનિવર્સિટીના પ્રોફેસર ગિરીન બક્ષીને ચાલુ ક્લાસમાંથી બહાર ઢસડીને લઈ જઈ કેમિકલ વડે તેમનું મોઢું કાળું કરી સરઘસ કાઢી વાઈસ ચાન્સેલરની ઑફિસમાં લઈ ગયા હતા. યુનિવર્સીટીમાં સેનેટની ચૂંટણીના મુદ્દે નામ કમી કરાતા પ્રાધ્યાપક પર શાહી ફેંકાઈ હતી.આ ઘટના બાદ 6 જુલાઈના રોજ ભાજપ સરકારનું વાજીંત્ર બની ગયેલા યુનિવર્સીટી તંત્ર દ્વારા સેનેટની ચૂંટણી પણ રદ કરવામાં આવી હતી. શાહીકાંડની ઘટના ઘટ્યાને એક વર્ષનો સમય વીતી જવા છતાં આ કાંડના કારણે અટવાયેલી સેનેટ ચૂંટણી ફરી વાર યોજવાનું મુહુર્ત હજુ સુધી નીકળ્યું જ નથી. તો શાહીકાંડને અંજામ આપવામાં જેની મુખ્ય સુત્રધારની ભુમિકા રહી છે એ ભાર્ગવ શાતુંદાને ઝડપવામાં પોલીસના હાથ ટૂંકા પડ્યા છે.
મુખ્ય સુત્રધાર એવો ભાર્ગવ શાતુંદા ભલે પોલીસની પકકડમાં નથી આવ્યો પણ તેણે એલએલબીની પરીક્ષા આપી હતી. અને આ પરીક્ષામાં તે પાસ પણ થઇ ગયો હતો. જેથી પોલીસની ધાક સામે પણ મોટા સવાલો ખડા થયા છે. હાઇકોર્ટે એક અરજી અનુસંધાને 4 સપ્તાહમાં સેનેટ ચુંટણી યોજવાનો આદેશ આપ્યો હતો. આ આદેશને પણ અવગણવામાં આવ્યો છે. તો કોંગ્રેસના જે કાર્યકરે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી તેમણે કન્ટેમ્પટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવાના બદલે પાણીમાં બેસી જઇ શસ્ત્રો હેઠા મુકી દીધા છે. શાહીકાંડમાં જેમને આરોપી ઠેરવાયા હતા એ છાત્રો કોલેજમાંથી સસ્પેન્ડ કરવા, પરીક્ષા ન આપવા દેવા સહિતના કડક પગલાં ઇસીની મળેલી આપાતકાલીન બેઠકમાં લેવાયા હતા. જોકે આ આદેશની અમલવારી કાગળ પર થવા સાથે તેનો રીતસરનો ઉલાળીયો જ લેવાયો હતો.