મનુષ્ય સિવાય આ પૃથ્વી ભાગ્યેજ કોઈ એવું પ્રાણી હશે જે પોતાની પ્રજાતી સિવાયના અન્ય કોઈ જાનવર સાથે જાતીય સંબંધ બાંધતું હોય. અન્ય જાનવરો સાથે સેકસ કરવું એ અકુદરતી અને અપ્રાકૃતિક ગણાય છે, પરંતુ કોઈ પશુ સાથે સેક્સ કરવાના કિસ્સા મનુષ્ય જગતમાં સમાચારોમાં ચમકતા રહે છે.
માણસના આ પ્રકારની જાતીયવૃત્તિ અને અન્ય જાનવર સાથે શારીરિક સંબંધ બાંધવા માટે શું પરિબળો છે અને તેને કેવી રીતે ઓળખી શકાય અને કેવી રીતે રોકી શકાય તે વિશે મેડિકલ સાયન્સના સંશોધકો, કાયદાશાસ્ત્રીઓ અને સમાજશાત્રીઓએ નોંધપાત્ર અભ્યાસ કર્યો છે.
જાનવર સાથે સેક્સ?
જાનવરો સાથે સેક્સને અંગ્રેજીમાં bestiality કહેવામાં આવે છે. ઑક્સફોર્ડ ડિક્ષનરી મુજબ, વ્યક્તિ તથા પશુ વચ્ચેના જાતીય સંબંધ એટલે બેસ્ટિએલિટી. તેનો અન્ય એક મતલબ 'અતિ ક્રૂર વ્યવહાર' એવો પણ થાય છે.
નેશનલ સેન્ટર ફૉર બાયોટેકનૉલૉજીની વેબસાઇટના રિપોર્ટ મુજબ, કોઈપણ વ્યક્તિ જો જાનવર સાથે સેક્સ કરે તો તે ગંભીર બાબત છે.
પરંતુ જાનવરો પ્રત્યે હિંસાના કેટલા કિસ્સા નોંધાય છે, તેમાં બેસ્ટિએલિટીની ટકાવારી ખૂબ ઓછી હોય છે. ભારતમાં પશુઓ સાથે સેક્સ એ સજાપાત્ર ગુનો છે.
રિસર્ચ જનરલ એનસીબીઆઈમાં પ્રકાશિત શોધપત્ર મુજબ બેસ્ટિએલિટી એ એક પ્રકારની જાતીય હિંસા છે, જેમાં જાતીય સંતુષ્ટિ મેળવવા માટે જાનવરોનો ઉપયોગ કરવામાં આવે છે.
આ પ્રકારના કૃત્યોમાં માત્ર જાતીય સંતુષ્ટિ મેળવવાનો હેતુ હોય છે અને કોઈ પ્રકારનું ભાવનાત્મક જોડાણ નથી હોતું. એનસીબીઆઈના રિપોર્ટ મુજબ, કેટલાક સમુદાયોમાં બેસ્ટિએલિટીને જાતીય બીમારીઓના ઇલાજ તરીકે જોવામાં આવે છે.
દિલ્હી સ્થિત સેક્સૉલૉજિસ્ટ વિનોદ રૈનાના કહેવા પ્રમાણે, 'સેડિસ્ટ' (એટલે કે પરપીડનવૃત્તિ) માનસિક્તા ધરાવતા હોય છે. આ સંપૂર્ણપણે માનસિક બાબત છે.
ડૉ. રૈનાના કહેવા પ્રમાણે, બેસ્ટિએલિટી મુખ્યત્વે બે કારણોસર હોય શકે છે. એક તો યૌન કુંઠા તથા સેક્સયુઅલ ફેન્ટસી માટે.
એક રિપોર્ટ મુજબ, ઘણી વખત બાળકો પણ આ પ્રકારનાં કૃત્યો કરે છે, જો કોઈ બાળક આવું કરે તો તેને હળવાશથી ન લેવું જોઈએ, કારણ કે આગળ જતાં તે ખતરનાક બની શકે છે.
ડૉ. રૈનાના કહેવા પ્રમાણે, "ઘણી વખત બેસ્ટિએલિટી માટે આસપાસનું વાતાવરણ પણ જવાબદાર હોય છે. અમુક પરિવારોમાં સેક્સના મુદ્દે મુક્ત રીતે ચર્ચા નથી થતી, આથી સેક્સને એક્સપ્લૉર કરવા માટે પણ લોકો જાનવરોનો ઉપયોગ કરે છે."
શું આ પહેલો કિસ્સો છે?
ચાર વર્ષ પહેલાં થયેલી ઘટના જેમાં હરિયાણાના મેવાતમાં ગર્ભવતી બકરી સાથે સેક્સ અને એ બકરીના મૃત્યુના સમાચારોએ આંતરરાષ્ટ્રીય સમાચાર માધ્યમોનું ધ્યાન ખેંચ્યું હતું.
આ ઘટના 25મી જુલાઈ 2018ના દિવસે ઘટી હતી, પરંતુ તેના ચાર દિવસ બાદ આ કેસમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.
પોલીસે આઈપીસી (ઇન્ડિયન પિનલ કોડ)ની કલમ 377 તથા એનિમલ ક્રૂઅલ્ટી ઍક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો.
પોલીસ દ્વારા બકરીનાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું, જો કે તેમાં દુષ્કર્મની પુષ્ટિ થઈ ન હતી, પરંતુ 'આંતરિક ઇજા'ને કારણે મૃત્યુ થયું હોવાનું નોંધવામાં આવ્યું હતું.
હરિયાણાના આ કિસ્સાએ બધાયને ચોકાવ્યા જરૂર હતા, પરંતુ આ પ્રકારનો કિસ્સો પહેલો નથી. અમેરિકાના ફ્લોરિડામાં પશુઓ પર થતાં જાતીય હુમલાઓમાં બકરીઓને સૌથી વધુ ટાર્ગેટ કરવામાં આવે છે.
એનસીબીના માં આવા જ એક કિસ્સાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં 18 વર્ષીય યુવકે તેના ગમાણમાં ઉછરેલા બે વાછરડાં સાથે દુષ્કર્મ કર્યું હતું. પાછળથી એક વાછરડાંનું મૃત્યુ થયું હતું. તેની ફોરેન્સિક તપાસમાં તેના શરીરમાંથી માનવ વીર્ય મળી આવ્યું હતું.
જ્યારે એ યુવકની ધરપકડ કરવામાં આવી, તો તેને કોઈ જ પસ્તાવો ન હતો.
ભારતમાં આઈપીસીની કલમ 377 હેઠળ કેસ દાખલ કરવામાં આવે છે. ભારત ઉપરાંત નેધરલૅન્ડ્સ, ફ્રાન્સ, ડેન્માર્ક તથા સ્વિટ્ઝરલૅન્ડ જેવા યુરોપિયન રાષ્ટ્રોમાં પણ પશુઓ સાથેનાં જાતીય સંબંધ પ્રતિબંધિત છે.
જર્મનીમાં પણ આ પ્રકારના સંબંધો પર નિષેધ છે. વર્ષ 2003માં બેસ્ટિએલિટીને લગતી સજા ઘટાડવામાં આવી હતી. આ ઘટનાને જનમટીપથી ઘટાડીને બે વર્ષની કરી દેવામાં આવી હતી.
જોકે ફિનલૅન્ડ તથા હંગેરીમાં હજુ પણ બેસ્ટિલિટીની ગણતરી ગુના તરીકે નથી થતી. વર્ષ 2011માં ડેનમાર્કની સરકાર દ્વારા એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
એ રિપોર્ટમાં 17 ટકા પશુચિકિત્સકોએ એવો અભિપ્રાય આપ્યો હતો કે તેમણે કમ સે કમ એક એવા પ્રાણીની સારવાર કરી છે, જેની સાથે મનુષ્યે દુષ્કર્મ આચર્યું હોય.
શું તે મનોવિકાર છે?
એનસીબીના અહેવાલ પ્રમાણે, જે લોકોના જીવનમાં ઉથલપાથલ મચી હોય, તેઓ આ પ્રકારની સમસ્યાથી પીડિત હોય છે.
જેમનું બાળપણ ઘરેલું હિંસા અને તણાવ વચ્ચે પસાર થયું હોય, અથવા તો નાનપણમાં જાતીય દુષ્કર્મનો ભોગ બન્યા હોય, તેઓ બેસ્ટિએલિટી તરફ વળે તેની શક્યતા વધી જાય છે.
સાઇકૉલૉજિસ્ટ ડૉ. પ્રવીણના કહેવા પ્રમાણે, અસામાન્ય જાતીય પ્રવૃત્તિઓને 'પેરીફિલિયા' કહેવાય છે. જે અનેક પ્રકારે થઈ શકે છે, બેસ્ટિએલિટી તેમાંથી એક છે.
બેસ્ટિએલિટી એ અસામાન્ય વર્તણૂક તથા બીમારીની વચ્ચેની અવસ્થા છે. તે માત્ર અસામાન્ય વ્યવહાર નથી. 'નૈક્રોફીલિયા' આવો જ એક પ્રકાર છે, જેમાં વ્યક્તિ કોઈ મૃતદેહ સાથે શારીરિક સંબંધ બાંધે છે.
શું છે ઇલાજ?
ડૉ. પ્રવીણના કહેવા પ્રમાણે, અગાઉ તેના સારવાર માટે અવર્સિવ થેરેપી આપવામાં આવતી હતી, પરંતુ હવે તે ખાસ ચલણમાં નથી.
અવર્સિવ થેરેપીમાં વ્યક્તિને એવો અનુભવ કરાવવામાં આવતો કે તે કોઈ જાનવરની સાથે છે, પરંતુ આ દરમિયાન તેને કરન્ટ આપવામાં આવતો હતો, જેથી ભવિષ્યમાં તે આવું કાંઈ કરે તો તેને એ દર્દ યાદ આવે અને તે અળગો થઈ જાય.
ડૉ. પ્રવીણ કહે છે, "આવા લોકો માટે અન્ય પણ ઉપચાર છે, પરંતુ સત્ય એ છે કે કોઈ એક ઉપાય ખાસ કારગત નથી નીવડતો."
ડૉ. પ્રવીણ ઉમેરે છેકે આ પ્રકારના કિસ્સા બહુ થોડા જોવા મળે છે, પરંતુ તેને માત્ર બીમારી માની ન શકાય. તેઓ માને છે કે આ પ્રકારના કેસોમાં કડકાઈ વર્તવામાં આવે અને યોગ્ય ઇલાજ કરવામાં આવે તો લાભ થઈ શકે છે.
પશઓ સાથે સેક્સ કરનારા લોકો
હ્યુમન-એનિમલ રોલ-પ્લેયર્સ: જેમણે ક્યારેય જાનવરો સાથે સેક્સ ન કર્યું હોય, પરંતુ તેઓ જાતીય ઉત્તેજના મેળવવા માટે પશુઓ તરફ વળે છે.
રોમાન્ટિક પશુ પ્રેમી: આ પ્રકારના લોકો જાનવરોને પાળે છે અને સાઇકોસેક્સયુઅલી તેમની તરફ આકર્ષિત થવા લાગે છે, પરંતુ તેમની સાથે સેક્સ નથી કરતા.
અસામાન્ય કલ્પનાશીલ: આ પ્રકારના લોકો પશુઓ સાથે જાતીય સંબંધો બાંધવાની કલ્પના કરે છે, પરંતુ ક્યારેય એવું કરતા નથી.
પશુઓ દ્વારા વાસના: આ પ્રકારના લોકો પશુઓને સ્પર્શે છે, ભેટે છે અને જાતીય ઉત્તેજના સાથે પંપાળે પણ છે. તેઓ પશુઓના ગુપ્તાંગોને પણ સ્પર્શે છે, પરંતુ તેમની સાથે સેક્સ નથી કરતા.
અતિઉત્સાહી: તેઓ પશુઓના દરેક અંગને જુએ છે અને તેને કામુકતાથી જુએ છે. એટલે સુધી કે તેઓ પશુઓના જાતીય સમાગમ સમયે વધારે જ ઉત્તેજીત થઈ જાય છે.
ક્રૂર કામુકતા:તેઓ પશુઓ સાથે બર્બરતા પૂર્વક દુર્વ્યવહાર કરે છે અને તેમને પીડા આપે છે.
તકવાદી: જાતીય સંબંધોની બાબતમાં આવા લોકો સામાન્ય હોય છે, પરંતુ જો તક મળે તો તેઓ પશુઓ સાથે પણ જાતીય સંબંધ બાંધતા ખચકાતા નથી.
નિયમિત પશુ પ્રેમી: આ પ્રકારના લોકોને પશુઓ સાથે સેક્સ માણવું પસંદ હોય છે, તેઓ માનવી કરતાં પશુ સાથે સેક્સ કરવું પસંદ કરે છે.
હિંસક: આવા લોકો સેક્સ દરમિયાન પશુને મારી નાખે છે, એટલે સુધી કે તેઓ પશુના મૃત્યુ બાદ પણ તેના મૃતદેહ સાથે સેક્સ કરે છે.
એક્સક્લુઝિવ પશુ પ્રેમી:આવા લોકો માત્ર પશુઓ સાથે જ સેક્સ કરે છે.