ઉત્તર ભારતના પ્રથમ પરમાણુ વીજ ઉત્પાદન પ્લાન્ટ હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના ગોરખપુર ગામમાં સ્થાપવામાં આવશે. આ સ્થાન દિલ્હી 150 કિલોમિટર દૂર છે.
કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનૉલૉજી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે શનિવારે આ બાબતની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, પ્લાન્ટ તૈયાર કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.
મોટાભાગના પરમાણુ ઊર્જા આધારિત વીજ ઉત્પાદન કેન્દ્રો દેશના દક્ષિણ અને પશ્ચિમ રાજ્યોમાં જ હતાં. હવે અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારના પ્લાન્ટ સ્થાપવામાં આવશે.
જિતેન્દ્ર સિંહે આ બાબતે વધુ વિગતો આપતા કહ્યું કે ભારતની પરમાણુ ક્ષમતા વધારવા માટે છેલ્લાં આઠ વર્ષોમાં ઘણાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે, ભારત સરકારે 10 પરમાણુ રિએક્ટરોની સ્થાપના માટે મંજૂરી આપી દીધી છે. સાથે જ પરમાણુ ઊર્જા આધારિત વીજ પ્લાન્ટ બનાવવા માટે સાર્વજનિક ઉપક્રમો સાથે સંયુક્ત સાહસ સ્થાપવાની પણ મંજૂરી આપવામાં આવી છે.
તેમણે ગોરખપુર હરિયાણા અણુ વિદ્યુત યોજના વિશે માહિતી આપતા કહ્યું કે તેમાં 700 મેગાવૉટ ક્ષમતાનાં બે એકમ છે, જેમાં દેશમાં જ ડિઝાઈન કરવામાં આવેલા પ્રેશરાઇઝ્ડ હેવી વૉટર રિએક્ટર છે.