Sikkim Flash Flood - ઉત્તર સિક્કિમમાં લોનાક તળાવ પર વાદળ ફાટવાથી તિસ્તા નદીમાં અચાનક પૂર આવતાં ઓછામાં ઓછા 14 લોકોનાં મોત થયાં છે અને 22 આર્મી જવાનો સહિત લગભગ 102 લોકો ગુમ છે. સિક્કિમ સરકાર દ્વારા આ દુર્ઘટનાની નવીનતમ માહિતી શેર કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, મોટાભાગના મૃતકોની ઓળખ નાગરિકો તરીકે કરવામાં આવી છે, જેમાં ઉત્તર બંગાળમાં વહી ગયેલા ત્રણ લોકોનો સમાવેશ થાય છે. બુધવારે સવારે ગુમ થયેલા સેનાના 23 જવાનોમાંથી એકને બાદમાં બચાવી લેવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે સિક્કિમમાં પૂરની સ્થિતિ, જે મંગળવાર અને બુધવારની મધ્ય રાત્રિએ લગભગ 1.30 વાગ્યે શરૂ થઈ હતી, ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે વધુ ખરાબ થઈ હતી.
ત્રણ હજાર પ્રવાસીઓ ફસાયા
સિક્કિમના મુખ્ય સચિવ વી બી પાઠકે જણાવ્યું હતું કે દેશના વિવિધ ભાગોમાંથી લગભગ ત્રણ હજાર પ્રવાસીઓ રાજ્યના વિવિધ ભાગોમાં ફસાયેલા છે. તેમણે કહ્યું કે ચુંગથાંગમાં તિસ્તા ફેઝ III ડેમ પર કામ કરતા ઘણા કર્મચારીઓ પણ ફસાયેલા છે. મુખ્ય સચિવે જણાવ્યું હતું કે પૂરના કારણે રસ્તાઓ અને પુલ સહિત અન્ય માળખાગત સુવિધાઓને વ્યાપક નુકસાન થયું છે. લગભગ 14 પુલ ધરાશાયી થયા છે, જેમાંથી નવ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) હેઠળના છે અને પાંચ રાજ્ય સરકારના છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં લગભગ 166 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાં એક સૈન્ય જવાન પણ સામેલ છે.
પીએમ મોદીએ સ્થિતિની કરી સમીક્ષા
રક્ષા પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે, બચાવાયેલા સૈનિકની તબિયત સ્થિર છે. અધિકારીઓએ જણાવ્યું કે બચાવકર્મીઓએ સિંગતમના ગોલીતાર ખાતે તિસ્તા નદીના પૂરના વિસ્તારમાંથી અનેક મૃતદેહોને બહાર કાઢ્યા હતા. આ દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિક્કિમના મુખ્યમંત્રી પીએસ તમાંગ સાથે વાત કરી અને રાજ્યમાં અચાનક આવેલા પૂરને કારણે ઉભી થયેલી સ્થિતિની સમીક્ષા કરી. પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારને શક્ય તમામ મદદ કરવાની ખાતરી પણ આપી હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ લાપતા સેનાના જવાનોની સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી. કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની આગેવાની હેઠળની નેશનલ ક્રાઈસિસ મેનેજમેન્ટ કમિટી (NCMC) એ સિક્કિમની સ્થિતિની સમીક્ષા કરી અને ટનલમાં ફસાયેલા પ્રવાસીઓ અને લોકોને બહાર કાઢવા પર ભાર મૂક્યો.
કેન્દ્રીય એજન્સીઓ સ્થિતિ પર નજર
એક સત્તાવાર રીલીઝ મુજબ, સિક્કિમના મુખ્ય સચિવ, જેઓ વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠકમાં ભાગ લીધો હતો, તેમણે NCMCને રાજ્યની નવીનતમ પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. કેન્દ્રીય એજન્સીઓ અને સિક્કિમ સરકાર દ્વારા લેવામાં આવેલા રાહત અને બચાવના પગલાંની સમીક્ષા કરતા કેબિનેટ સચિવે કહ્યું કે ચુંગથાંગ ડેમની ટનલમાં ફસાયેલા લોકો અને પ્રવાસીઓને બહાર કાઢવાનું કામ પ્રાથમિકતાના ધોરણે થવું જોઈએ. ગૌબાએ કહ્યું કે NDRF ની વધુ ટીમો તૈનાત કરવી જોઈએ અને શક્ય તેટલી વહેલી તકે રસ્તાઓ, ટેલિકોમ અને વીજ પુરવઠો શરૂ કરવો જોઈએ.
સિક્કિમ સરકારે આપદા જાહેર કરી
NDRF પહેલાથી જ ત્રણ ટીમો તૈનાત કરી ચૂકી છે અને ગુવાહાટી અને પટનામાં વધારાની ટીમો તૈયાર છે. સિક્કિમ સરકારે એક નોટિફિકેશનમાં તેને આપદા જાહેર કરી છે. રક્ષા પ્રવક્તાએ કહ્યું કે ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે તળાવમાં પાણીનું સ્તર અચાનક 15 થી 20 ફૂટ વધી ગયું છે. તેમણે કહ્યું, “22 સેનાના જવાનો ગુમ થયાના અહેવાલ છે અને 41 વાહનો કાદવમાં ફસાયા છે. એક રક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે, "સિક્કિમ અને ઉત્તર બંગાળમાં તૈનાત અન્ય તમામ ભારતીય સેનાના જવાનો સુરક્ષિત છે, પરંતુ મોબાઈલ સંચારમાં અવરોધને કારણે તેઓ તેમના પરિવારના સભ્યોનો સંપર્ક કરી શકતા નથી." રાજ્યની રાજધાની ગંગટોકથી 30 કિમી દૂર સિંગતમ ખાતે એક સ્ટીલ બ્રિજ, ઈન્દ્રેણી બ્રિજ તરીકે પણ ઓળખાતો, બુધવારે વહેલી સવારે તિસ્તા નદીના પાણીમાં સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો.