ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં જ વિકાસ ગાંડો થયો છેના નામે સોશિયલ નેટવર્કિંગમાં શરૂ થયેલા સત્તા વિરોધી જુવાળને ખાળવા માટે ગુજરાત ભાજપના નેતાઓ ઊંણા ઉતરતા ભાજપે રાષ્ટ્રીય નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓની ફોજ ગુજરાતમાં ઉતારવાની ફરજ પડી છે. વિકાસ ગાંડો થયો છેના નામે શરૂ થયેલી આ ઝુંબેશને બંધ કરવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષથી માંડીને કેન્દ્રીય નેતાઓ દર બે દિવસે ગુજરાત આવીને સરકારની યોજનાઓ અને નીતિઓનું પ્રચાર કરી રહ્યાં છે તેમ છતાં હજુ સુધી ભાજપ વિરોધી વાતાવરણને પલટી શકયા નથી. છેલ્લા એકાદ મહિનાથી ગુજરાતની રૂપાણી સરકાર સામે વિરોધનું વાતાવરણ શરૂ થયું હતું. જેમાં વિકાસ ગાંડો થયો છેના નામે સરકાર સામે શરૂ થયેલી સોશિયલ નેટવર્કિંગની ઝુંબેશને કારણે ભાજપના પ્રદેશ નેતાઓથી માંડીને હાઇકમાન્ડ સુધી તેની ગંભીર નોંધ લેવામાં આવી હતી. ભાજપનો નર્મદા રથ અને ગુજરાત ગૌરવ યાત્રાને ઠેર ઠેર જાકારો મળી રહ્યો છે. તે ઉપરાંત પોરબંદરમાં યોજાયેલ બીચ ફેસ્ટિવલને પણ લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો નથી ત્યારે હવે વિકાસ શબ્દ સોશિયલ મીડિયામાં ગાંડો થતાં ભાજપના કેન્દ્રીય મંત્રીઓને પણ હંફાવી રહ્યો છે.