બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સન આ અઠવાડિયાના અંતમાં ભારતના પ્રવાસે આવશે. જેમાં વડા પ્રધાન મોદી સાથે સંરક્ષણ સમજૂતીઓ અંગે વાટાઘાટ કરવાની સાથેસાથે તેઓ એક દિવસ માટે ગુજરાત પણ આવશે.
અહેવાલ પ્રમાણે, કોરોના વાઇરસના કારણે બોરિસ જોન્સનનો ભારતપ્રવાસ પાછલા અમુક સમયથી ટાળવામાં આવી રહ્યો હતો. જોકે, રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદથી ભારતનો વિશ્વાસ મેળવવા માટે આ મુલાકાત યોજાઈ રહી છે.
બ્રિટનના વડા પ્રધાન ગુરુવારે ગુજરાતની મુલાકાત લેશે. જ્યાં તેઓ બન્ને દેશો વચ્ચે કેટલાક મોટા રોકાણની અને વિજ્ઞાન, સ્વાસ્થ્ય તેમજ ટેકનૉલૉજી વિષય પર કેટલાક એમઓયુની જાહેરાત કરી શકે છે.
ગયા મહિને જ યુકેનાં વિદેશસચિવ લિઝ ટ્રુસ ભારત આવ્યાં હતાં. આ મુલાકાતમાં તેમણે રશિયા વિરુદ્ધ આકરા પ્રતિબંધો મૂકવા અંગે વાત કરી હતી.