વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે રાણીપની નિશાંત સ્કૂલમાં મતદાન કર્યું હતું. આ વખતે મતદાન બાદ સેલ્ફી લેવાનો ભલે આખા દેશને ક્રેઝ હોય પણ વડાપ્રધાને કોઈ સેલ્ફી લીધી નહોતી.ગત 2014ની ચૂંટણી દરમિયાન મોદીએ મતદાન કર્યા બાદ નિશાંત સ્કૂલની બહાર ગોઠવાયેલા સ્ટેજ પર સેલ્ફી લીધી હતી જેની ઘણી ચર્ચા થઈ હતી. ગત ચૂંટણીઓ દરમિયાન વડાપ્રધાને કોટી પર કમળનું નિશાન લગાવીને મતદાન કર્યું હતું. તેના કારણે ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન થવાનો ઘણો વિવાદ સર્જાયો હતો. જો કે, આ વખતે વડાપ્રધાન મોદીએ મતદાન કર્યું ત્યારે તેમની આગવી શૈલીની કોટી તો તેમણે ધારણ કરી હતી પરંતુ તેની પર કમળનું નિશાન લગાવવાનું ટાળ્યું હતું. સ્થાનિક લોકોમાં આ બાબતની પણ ખાસ્સી ચર્ચા જોવા મળી હતી. આ વખતે વડાપ્રધાન મતદાન કરવા ગયા ત્યારે તેમાં પણ એક અલગ બાબત જોવા મળી. પોતાના રેન્જ રોવર કારના સત્તાવાર કાફલાને મતદાન મથકથી આશરે અડધો કિ.મી. દૂર છોડીને મોદી ખુલ્લી થાર જીપમાં ગયા હતા.