IPL 2022 ની 27મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. દિનેશ કાર્તિક અને ગ્લેન મેક્સવેલની ઈનિંગ્સના કારણે પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બેંગ્લોરની ટીમે દિલ્હી સામે 190 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં દિલ્હીની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 173 રન જ બનાવી શકી હતી. બેંગ્લોર આ મેચ 16 રને જીતીને IPL પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. પાંચ મેચમાં દિલ્હીની ટીમની આ ત્રીજી હાર છે. આઈપીએલ પોઈંટ ટેબલમાં ટીમ આઠમા સ્થાને પહોંચી ગઈ છે.
અગાઉ, છેલ્લી ઓવરમાં રમાયેલી દિનેશ કાર્તિકની તોફાની ઇનિંગ અને ગ્લેન મેક્સવેલની અડધી સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ શરૂઆતના આંચકામાંથી બહાર નીકળીને દિલ્હી કેપિટલ્સ સામે પાંચ વિકેટે 189 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. મેક્સવેલે 34 બોલમાં સાત ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 55 રન ફટકારીને આરસીબીને શરૂઆતના ફટકામાંથી બચાવી લીધો હતો. બાદમાં, કાર્તિકે (34 બોલમાં અણનમ 66, પાંચ ચોગ્ગા, પાંચ છગ્ગા) શાહબાઝ અહેમદ (21 બોલમાં અણનમ 32, ત્રણ ચોગ્ગા, એક છગ્ગો) સાથે છઠ્ઠી વિકેટ માટે 97 રનની અતૂટ ભાગીદારી કરી હતી. આરસીબીએ છેલ્લી ચાર ઓવરમાં 69 રન ઉમેર્યા હતા.
વોર્નરની 52મી ફિફ્ટી
ડેવિડ વોર્નરે પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા તેની IPL કારકિર્દીની 52મી ફિફ્ટી 29 બોલમાં પૂરી કરી હતી.
કાર્તિક અને શાહબાઝે ઈનિંગ સંભાળી
92 રનમાં 5 વિકેટ ગુમાવ્યા પછી RCBની ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. પરંતુ ત્યારપછી દિનેશ કાર્તિક અને શાહબાઝ અહેમદે ઈનિંગ સંભાળી લીધી હતી. તેવામાં બંને ખેલાડીએ 52 બોલમાં 97* રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. આ દરમિયાન દિનેશ કાર્તિકે 66 અને શાહબાઝે 21 બોલમાં 32 રન કર્યા હતા.
કોહલીએ ફેંસને કર્યા નિરાશ
13 રનમાં પહેલી 2 વિકેટ ગુમાવી દેતા RCBએ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પાસેથી મુશ્કેલ સ્થિતિમાં સારી ઈનિંગની આશા હતી. પરંતુ તેણે બધાને નિરાશ કર્યા. વિરાટ 14 બોલમાં માત્ર 12 રનનો સ્કોર કરી રનઆઉટ થઈ ગયો હતો. ઈનિંગની 7મી ઓવરના બીજા બોલ પર કોહલીએ પોઈન્ટ પર શોટ રમ્યો અને રન લેવા દોડી ગયો હતો. પરંતુ મેક્સવેલે ના પાડી હોવા છતા વિરાટ આગળ આવતો ગયો. તેવામાં લલિત યાદવે તક ગુમાવ્યા વિના ડાયરેક્ટ થ્રો કરીને વિરાટને પેવેલિયન ભેગો કર્યો હતો.