તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપથી મૃતકોની સંખ્યા વધીને 28 હજારથી વધુ થઈ ગઈ છે. જોકે છ દિવસો બાદ હવે કાટમાળ નીચે ફસાયેલા લોકોને જીવિત કાઢવાની આશા ધૂંધળી જણાઈ રહી છે.
દરમિયાન શનિવારે જર્મન બચાવદળ અને ઑસ્ટ્રિયાની સેનાનાં અજ્ઞાત સમૂહ વચ્ચે ઘર્ષણની વાત કરીને તૂર્કીએ પોતાનું શોધ અભિયાન રોકી દીધું હતું.
મીડિયા રિપોર્ટ અનુસાર, લૂંટફાટના આરોપમાં અંદાજે 50 લોકોની ધરપકડ કરાઈ છે. તેમની પાસેથી અનેક બંદૂકો પણ જપ્ત કરાઈ છે.
તુર્કીના રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ કાયદાને તોડનારાને દંડિત કરવા માટે પોતાની આપાતકાલીન શક્તિઓનો ઉપયોગ કરશે. તો અન્ય એક બચાવકર્મીનું કહેવું છે કે ખાદ્ય આપૂર્તિ ઘટવાથી સુરક્ષાની સ્થિતિ વધુ બગડે તેવી આશંકા છે.
સંયુક્ત રાષ્ટ્રના સહાયતા પ્રમુખ માર્ટિન ગ્રિફિથ્સનું કહેવું છે કે આ આપદા સામે લડવા ચિકિત્સા સહાયતા આપવાની તત્કાળ જરૂર છે.
તો તુર્કી સુધી માનવીય માનવીય રાહત પહોંચાડવા માટે તુર્કી અને આર્મેનિયા વચ્ચેની અલીકન ચોકીને છેલ્લાં 30 વર્ષ બાદ પહેલી વાર ખોલવામાં આવી છે.
ખાવાપીવાનો સામાન અને દવાઓ લઈને પહેલી વાર ટ્રકોએ આ ચોકીને પાર કરી હતી. આ બંને પડોશી વચ્ચે સીમાઓ દશકોથી બંધ છે અને સંબંધોમાં પણ કડવાશ છે.
ગ્રિફિથ્સે બીબીસીને એ પણ કહ્યું કે જ્યાં બહુ ઓછી સહાય પહોંચી છે, એવા વિદ્રોહીઓના કબજાવાળા ઉત્તર પશ્ચિમ સીરિયામાં સંયુક્ત રાષ્ટ્ર વધુ ક્રૉસિંગ ખોલવા માટે સક્રિયતા અને મજબૂતથી કામ કરશે.