અમેરિકાએ ભારતને રશિયાનો સાથ આપવા સામે ચેતવણી આપી
રશિયા પર ભારતના વલણથી અમેરિકા ખૂબ જ નિરાશ છે. વારંવારના દબાણ છતાં ભારતે રશિયા પ્રત્યે તટસ્થ વલણ ન બદલ્યું ત્યારે હવે અમેરિકા પણ ધમકી પર ઉતરી આવ્યું છે. અમેરિકાનું કહેવું છે કે જો ભારત રશિયા સાથે ગઠબંધન કરશે તો તેને ભારે કિંમત ચૂકવવી પડશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના ટોચના આર્થિક સલાહકારે કહ્યું છે કે અમેરિકાએ ભારતને યુક્રેનમાં આક્રમણ બાદ રશિયાનો નિકટતાથી સાથ આપવા સામે ચેતવણી આપી છે.
વ્હાઇટ હાઉસ નેશનલ ઇકોનૉમિક કાઉન્સિલ ડાયરેક્ટર બ્રાયન ડેસીએ બુધવારે પત્રકારોને કહ્યું કે, “ ભારત સરકારન અમારો સંદેશ એજ છે કે રશિયા સાથે વધુ સ્પષ્ટ રીતે વ્યૂહાત્મક સહયોગની કિંમત અને પરિણામ મહત્ત્વપૂર્ણ અને લાંબા ગાળાનાં હશે."
"અમે આક્રમણના સંદર્ભમાં ભારત અને ચીનના ઘણા નિર્ણયોથી હતાશ થયા છીએ."
ભારતે અન્ય દેશોની રશિયા સામે પ્રતિબંધ લાદવાનો ઇનકાર કર્યો છે.
અમેરિકાની નજરમાં ભારત ચીન સામે એશિયામાં એક શક્તિ છે, બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર ભારત રશિયન હથિયારોની સૌથી વધુ આયાત કરતો દેશ છે.
ગત અઠવાડિયે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા ઉપસલાહકાર દલીપ સિંહે ભારતની આધિકારિક મુલાકાત લીધી હતી.
વ્હાઇટ હાઉસનાં પ્રવક્તા જે સાકીએ કહ્યું હતું કે, "દલીપે જે કર્યું તેનાથી ભારતમાં તેમના સમકક્ષ અધિકારીઓને સ્પષ્ટ થઈ ગયું હશે કે રશિયાથી ઊર્જા અને અન્ય સામાન સંબંધિત આયાત વધારવું ભારતના હિતમાં નથી."