રાજ્યના પુરવઠા વિભાગના પરિપત્ર બાદ રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગે ઘરગથ્થુ ઉપયોગ માટે કેરોસીનના ભાવ જાહેર કરતા તમામ રેકોર્ડ તૂટ્યા છે, કારણ કે હવે કેરોસીન પેટ્રોલ કરતાં પણ મોંઘું 102 રૂપિયા લિટરે અપાશે! રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગને રાજ્ય સરકારે પત્ર લખ્યો છે કે, કેરોસિનના કંડલા ડેપોના ડિસ્પેચિંગ સેન્ટરમાં ભાવફેર થવાથી ઘરગથ્થુ ઉપયોગ માટેના કેરોસિનનો નવો ભાવ નક્કી કરાયો છે.
આ પત્રને આધારે પુરવઠા અધિકારીએ રાજકોટ શહેર અને 11 તાલુકા માટે અલગ અલગ ભાવ જાહેર કર્યા છે જેમાં રાજકોટ શહેરમાં કેરોસીન 99.96 અને ઉપલેટામાં 102.49 રૂપિયા લિટર નક્કી થયો છે. સરકારે પત્રમાં કંડલાનું કહ્યું છે પણ તેની સાથે વડોદરા ટર્મિનલના ભાવ પણ વધારે આવ્યા છે.આ રીતે પ્રથમવાર કેરોસિન પેટ્રોલ કરતાં મોંઘું થયું છે અને તમામ રેકોર્ડ તૂટ્યા છે હવે બીપીએલ કાર્ડધારકો કે જેઓ હજુ કેરોસિન વાપરે છે તેમણે કેરોસીન લેવું હોય તો 102 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડશે. માર્ચ માસમાં જ આ કેરોસિનનો ભાવ 66 રૂપિયા પ્રતિ લિટર ભાવ હતો તે જોતા 3 મહિનામાં જ ભાવમાં 36 રૂપિયાનો વધારો આવ્યો છે.