ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન કે જે બ્રાન્ડ અમૂલ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરે છે તેના ધ્વારા તા.૩૧મી માર્ચ ૨૦૨૦ ના રોજ પૂરા થતા નાણાંકિય વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન રૂા.૩૮,૫૫૦ કરોડનુ પ્રોવિઝનલ ટર્નઓવર હાંસલ કરવામાં આવ્યુ છે. અમૂલ ફેડરેશન ધ્વારા હાંસલ કરવામાં આવેલું ટર્નઓવર ગત નાણાંકીય વર્ષની તુલનામાં ૧૭ ટકા જેટલુ વધારે છે.
અમૂલ ફેડરેશન ધ્વારા દૂધના વધુ એકત્રીકરણ, નવી મિલ્ક પ્રોસેસિંગ ક્ષમતાનો ઉમેરો, નવાં બજારોનો સતત ઉમેરો કરીને તથા નવી દૂધ અને દૂધની બનાવટોને બજારમાં મુકીને છેલ્લા ૧૦ વર્ષથી ૧૭ ટકાથી વધુ સરેરાશ વાર્ષિક સંચલિત વૃધ્ધિદર (CAGR) હાંસલ કરતું રહયુ છે.
અમૂલ ફેડરેશન અને તેના સંલગ્ન ૧૮ સભ્ય સંઘોએ રૂા.૫૦,૦૦૦ કરોડથી વધુનુ પ્રોવિઝનલ, અનડુપ્લીકેટેડ ગ્રુપ ટર્નઓવર વર્ષ ૨૦૧૯ -૨૦ દરમ્યાન હાંસલ કર્યુ છે જે ગત વર્ષની તુલનામાં ૧૭ ટકા વધારે છે. અમૂલ ફેડરેશન અને તેના સંલગ્ન ૧૮ સભ્ય સંઘો દ્વારા ૧૮,૭૦૦ થી વધુ ગામડાઓમાંથી દૂધ સંપાદન કરવામાં આવે છે.
અહીં એ નોંધવુ મહત્વનુ ગણાશે કે અમૂલ ફેડરેશન ધ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દૂધ અને દૂધની બનાવટોના વેચાણમાં પ્રતિકૂળ પરિસ્થિતી હોવા છતાં પણ આ સિધ્ધી હાંસલ કરેલ છે.