અંક્લેશ્વરમાં શંકરસિંહ વાઘેલાનો કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા સજ્જડ વિરોધ કરવામાં આવ્યો હતો. અંક્લેશ્વર પહોંચલી શંકરસિંહની યાત્રાના કાફલાને આંતરીને કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા. જે દરમિયાન વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓને રોકવા માટે બાઉન્સરો દ્વારા દંડો દર્શાવવામાં આવતા કોંગી કાર્યકરોમાં રોષ ફેલાયો હતો. મામલાને થાળે પાડવા ગયેલી પોલીસ અને વિરોધ કરી રહેલા કોંગી કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા.
જ્યારે બીજી તરફ યાત્રાના કાફલાની ગાડીએ પોલીસ જવાનના પગ પર ગાડી ચઢાવી દીધી હતી. શંકરસિંહ બાપુ નીચે ઉતરીને માત્ર હારતોળા કરી રવાના થઇ ગયા હતા અને મીડિયા સાથે વાતચીત કરવાનું ટાળ્યું હતું. બાપુને એકતરફ તેમના ટેકેદારો હાર પહેરાવી રહ્યા હતા ત્યાં કોંગ્રેસી કાર્યકરો વચ્ચે પોલીસનો પકડા-પકડીનો દાવ શરૂ થયો હતો. સજ્જડ વિરોધ થતો હોવાનું નજરે ચઢતાં શંકરસિંહના કાફલાના બાઉન્સરો દંડો લઇને નીચે ઉતરી ગયા હતા અને કાર્યકરોને દંડો બતાવ્યો હતો. જેથી કોંગી કાર્યકરો વિફર્યા હતા. બીજી તરફ બાપુને યાત્રા અંગે પૂછવામાં આવતા તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું અને તેમનો કાફલો બીજા રસ્તે આગળ ધપાવી દીધો હતો અને ભરૂચ તરફ રવાના થયા હતા.