બારડોલીના હીરાચંદ નગર ખાતે ચાતુર્માસ માટે પધારેલા જૈનાચાર્ય રત્નસુંદરસુરીશ્વર મહારાજના દર્શન કરવા આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૃપાણી તેમના ધર્મપત્ની સાથે આવ્યા હતા. જૈનચાર્ય સાથે એકાદ કલાકની મંત્રણા બાદ મુખ્યમંત્રીએ મીડિયા સમક્ષ જણાવ્યું કે, દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ માંસની નિકાસમાં ૧૧ ટકા ઘટાડો થયો છે. અને દેશના તમામ સાધુ સંતો રાજી છે.
ચાતુર્માસ માટે પધારેલા પદ્મવિભુષણ આચાર્ય રત્નસુંદરસુરીશ્વર મહારાજ શનિવારે બારડોલીથી પરિવર્તન કરનાર છે. આજે સવારે મુખ્યમંત્રી વિજય રૃપાણીની આચાર્ય રત્નસુંદરસુરીશ્વર સાથે મુલાકાતનો કાર્યક્રમ નક્કી થતાં નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. મુખ્યમંત્રી તેમના પત્ની સાથે જૈન ઉપાશ્રય પર પહોંચી ગયા હતા. જ્યાં ભાજપના સ્થાનિક નેતાઓ અને જૈન આગેવાનોએ અભિવાદન કર્યું હતું. આચાર્ય રત્નસુંદરસુરીશ્વર મહારાજના કક્ષમાં આર્શીવચન મેળવી એક કલાક સુધી મંત્રણા કરી હતી. બાદમાં મીડિયા સાથે વાત કરતા વિજય રૃપાણીએ જણાવ્યું કે, દેશમાં કોંગ્રેસની સરકારી હતી તે સમયે પિન્ક રિવોલ્યુશન એટલે કે માંસની નિકાસ વ્યાપક હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સત્તા સંભાળ્યા બાદ નિકાસમાં ૧૧ ટકાનો ઘટાડો થયો છે. ભાજપ પ્રત્યેક જીવની દયા, સલામતી અને સુરક્ષાનો વિચાર કરી રહી છે. અને તેનાથી સમગ્ર દેશના સાધુ-સંતો રાજીપો અનુભવે છે. ગુજરાત અડીખમ બની રહે, પ્રગતિના નવા શિખરો સર કરે તેવા આશીર્વાદ માંગ્યા હોવાનું જણાવ્યું હતું. રાહુલગાંધી દક્ષિણ ગુજરાતના પ્રવાસ અંગે જણાવ્યું કે, ખોટુ બોલી પ્રજાને ગુમરાહ કરે છે. ગુજરાતમાં સરકારી શાળા બંધ થઇ તેમ કહે છે પરંતુ વર્ષ ૨૦૦૦ પછી શાળા કોલેજમાં વધારો થયો છે. ગુજરાતમાં ૩૦ લાખ યુવાનો બેરોજગારની વાત કરે છે. પરંતુ સરકારી નોંધણીના આંકડા એકદમ ઓછા છે. બેરોજગારી અને ગરીબી કોંગ્રેસના મુળમાં છે. બાદમાં વ્યારા રોડ પર આવેલા અગાસી મતાના મંદિરે બ્રહ્મલીન થયેલા પૂ.દવેબાપુના પરિવારને મળી શાંત્વના પાઠવી સીધા સુરત ઓરપોર્ટ જવા રવાના થયા હતા.