ભાજપે પોતાને એક કરોડ રૂપિયાની ઓફર કરી હોવાનો આક્ષેપ કરનારા ‘પાસ’ના નરેન્દ્ર પટેલ હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા હોવાનું ટ્વીટ ગુજરાત ચૂંટણી માટેના પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતે કર્યું હતું, પરંતુ વિવાદ થતાં તુરંત જ તે ટ્વીટ હટાવી દેવાયું હતું. એવું મનાય છે કે, નરેન્દ્ર પટેલ પહેલેથી જ કોંગ્રેસમાં છે અને પાર્ટીના પ્રાથમિક સભ્ય પણ છે.મહેસાણા પાટીદાર અનામત આંદોલન સમિતિ ‘પાસ’ના કન્વીનર નરેન્દ્ર પટેલે ગયા મહિને જ એક પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપે 10 લાખ રૂપિયા આપ્યા હોવાના આક્ષેપો કર્યા હતા.
નરેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ભાજપે તેમને પક્ષમાં જોડાવવા માટે એક કરોડની ઓફર કરી હતી, જેમાંથી 10 લાખ રૂપિયા આપ્યા હતા અને બાકીના 90 લાખ રૂપિયા પછીથી આપવાની વાત કરી હતી.આ ક્રમમાં ભાજપમાં જોડાનારા ‘પાસ’ના અન્ય નેતા વરુણ પટેલ અને નરેન્દ્ર પટેલની એક ઓડિયો ક્લિપ પણ વાઇરલ થઈ હતી, જેને લીધે રાજકીય માહોલ ગરમાયો હતો. જોકે સોમવારે અશોક ગેહલોતે ટ્વીટ કરી નરેન્દ્ર પટેલ કોંગ્રેસમાં જોડાઈ ગયા હોવાની જાહેરાત કરતા વિવાદ સર્જાયો હતો. જોકે આ અંગે નરેન્દ્ર પટેલે કોઈ સ્પષ્ટતા કરી નથી.