કોંગ્રેસમાંથી છુટા પડેલા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે જાહેર થયેલા જનવિકલ્પ મોરચો રાજ્યની 182 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે. તેમજ આમ આદમી પાર્ટી સાથે ચૂંટણી જોડાણ કરી સહમતીથી ઉમેદવારો ઊભા રાખશે. તેમણે જાહેર કર્યું છે કે, એમની પાર્ટીએ ઓલ ઈન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટી સાથે પણ ગઠબંધન કર્યું છે અને આ પાર્ટીના ટ્રેક્ટરના પ્રતિક પર આ મોરચો ચૂંટણી લડશે.
એમણે ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની હિંદી ફિલ્મ ‘પદ્માવતી’ સામે વિરોધ જાહેર કરતાં જણાવ્યું છે કે, આ ફિલ્મ થિયેટરોમાં આવે તે પહેલાં હિંદુ સમાજના તથા ક્ષત્રિય સમાજના આગેવાનોને બતાવવામાં આવે. જો એમાં ઈતિહાસ સાથે કોઈ ચેડાં થયા હશે તો ફિલ્મ નહીં ચાલે અને આ મુદ્દે કોઈપણ ધમાલ થશે તો તેની જવાબદારી ફિલ્મમેકરની રહેશે. તેમણે ૨૭ ટકા ઓબીસી અનામતમાંથી ૧૦ ટકા ઠાકોર અને રાવળ જ્ઞાતિ માટે ફાળવવાની, ઓબીસીના નિગમને વર્ષે ૧ હજાર કરોડ ફાળવવાની અને વૃદ્ધોને પાંચ હજાર પેન્શન આપવાનો વાયદો કર્યો છે. શંકરસિંહની આમ આદમી પાર્ટી સાથે ચૂંટણી ગઠબંધન કરવાની જાહેરાત ‘આપ’ તરફથી ધરાર નકારવામાં આવી છે. આપ તરફથી જણાવાયું છે કે, ગુજરાતમાં ભાજપ વિરોધી મતો અલગ અલગ પાર્ટીઓમાં વિભાજિત ના થાય અને ભાજપને રાજકીય ફાયદો ના મળે તે રીતે બિનભાજપી પક્ષોએ વિચારવું જોઈએ, તેથી આમ આદમી પાર્ટી જનવિકલ્પ પાર્ટીને સૂચન કરે છે કે તે તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઊભા રાખવાના તેના નિર્ણય અંગે પુનઃવિચાર કરે.