અમદાવાદમાં ઘરમાં તિજોરીની ચાવી બનાવનારે તિજોરીમાંથી રોકડા અને દાગીનાની ચોરી કરી
અમદાવાદમાં ચોરી અને લૂંટના બનાવો બેફામ પણે વધી રહ્યાં છે. ધોળા દિવસે ઘરમાં ઘૂસીને નજરચૂક કરીને ચોરી કરતી ગેંગ પણ સક્રિય થઈ ગઈ છે. ત્યારે શહેરના વાડજ વિસ્તારમાં તિજોરીની ચાવી બનાવતા શખ્સે ઘરમાં આવીને મકાન માલિકની નજરચૂક કરીને રોકડા રૂપિયા તથા દાગીનાની ચોરી કરી હતી. જેને ઘરની મહિલા જોઈ જતાં ચોરી કરનારને પકડીને પોલીસના હવાલે કરી દેવાયો હતો. પોલીસે આરોપીને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં ગઈકાલે વાડજ વિસ્તારમાં તુલસીનગર સોસાયટીમાં બપોરના સમયે તાળાની ચાવી બનાવનારા બે જણા નીકળ્યા હતાં. જેથી આ વિસ્તારમાં રહેતાં એક વ્યક્તિને તેના ઘરની તિજોરીની ચાવી બનાવવી હોવાથી તેમને ઘરમાં બોલાવ્યા હતાં. એક શખ્સે તિજોરીની ચાવી બનાવવાની શરૂઆત કરી હતી અને બીજો શખ્સ ઘરના દરવાજા પાસે ઉભો રહ્યો હતો.
આ દરમિયાન ચાવી બનાવનાર શખ્સે તિજોરીમાંથી 500ના દરની 33 નોટો નજરચૂક કરીને કાઢી લીધી હતી અને કેડનો કંદોરો પણ ચોરી લીધો હતો. આ શખ્સને નોટો સંતાડતાં ઘરની મહિલા જોઈ ગઈ હતી અને તેણે બૂમાબૂમ કરતાં બહાર ઉભેલો શખ્સ ફરાર થઈ ગયો હતો. પરંતુ ઘરમાં રહેલો શખ્સ પકડાઈ ગયો હતો. લોકોએ તેનું નામ પુછતાં તે વડોદરાનું હોવાનું જણાવ્યું હતું. લોકોએ તેને પકડીને પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે ફરિયાદ લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.