પાટણના સરસ્વતી તાલુકાના વાણા ગામની વિદ્યાર્થિની કોઇટા ગામે શાળાએ જઈ રહી હતી. ત્યારે આ વિદ્યાર્થિની પર ગામના જ શખસે જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો તેમજ વિદ્યાર્થિની પર છરી વડે હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈ ગ્રામજનોમાં ખુબ આક્રોશ જોવા મળ્યો હતો. ત્યારે આરોપીને ગામલોકોએ ઝાડ સાથે ઉંધો લટકાવી ઢોર માર માર્યો હોવાનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.આ ઘટનાને પગલે ગામલોકોમાં ખુબ આક્રોશ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ આરોપી ઠાકોર જીવણને પકડી ઝાડ સાથે બાંધીને જાહેરમાં તાલીબાની સજા આપી હતી. આરોપીને ઝાડ પર ઊંધો લટકાવીને ઢોર માર માર્યો હતો. તેમજ આરોપીને કાદવ કીચડમાં નીચે પછાડ્યો હતો. જેના વીડિયો પણ હાલ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે.
વાહણા ગામના ગ્રામજને નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, આ વીડિયો અમારા ગામનો છે. હું ત્યાંથી પસાર થતો હતો ત્યારે ગામના કેટલાક લોકો આરોપીને ઝાડ સાથે બાંધીને માર મારતા હતા.આ ઘટનાને લઈ DYSP સી એલ સોલંકીએ જણાવ્યું હતું કે, વાણા ગામની એક સગિરા પર ગામના જ શખસે છરી વડે હુમલો કર્યો હતો. જેને પગલે વાગદોડ પોલીસ મથકના સગિરાના પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધાયો હતો. જેને પગલે અમે તપાસ હાથ ધરી છે. આ બનાવને પગલે ગામના લોકોમાં આક્રોશ હતો. ત્યારે આજે એક વીડિયો વાયરલ થયો છે જેમાં આરોપીને મારમારતો હોવાનું જોવા મળી રહ્યુ છે ત્યારે આમાં જે પણ કસુરવાર હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.