દુબઈમાં રવિવારે એશિયા કપની બીજી મૅચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહી છે. બન્ને દેશોના પ્રશંસકોમાં આ મૅચને લઈને ભારે ઇંતેજારી જોવા મળી રહી છે. આજે 7.30 વાગ્યે આ મૅચ શરૂ થશે.
જોકે, આ મૅચ પહેલાં પાકિસ્તાનના કૅપ્ટન બાબર આઝમનો એક વીડિયો ભારે ચર્ચા જગાવી રહ્યો છે.
આ વીડિયોમાં તેઓ ખેલાડીઓને વર્ષ 2021ના ટી20 વિશ્વકપ વખતના શાનદાન પ્રદર્શનની યાદ અપાવતાં વિજય માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.
પાકિસ્તાન ક્રિકેટ બૉર્ડે પોતાના અધિકૃત ટ્વિટર હૅન્ડલ પરથી આ વીડિયોને શૅર કર્યો છે.
આ વીડિયોમાં બાબર આઝમ ખેલાડીઓને કહી રહ્યા છે કે તેમણે એ જ 'બૉડી લૅન્ગવેજ'થી રમવાનું છે, જેવું ગત વિશ્વકપમાં રમ્યા હતા.
ટી20 ક્રિકેટનો છેલ્લો વિશ્વકપ યુએઈ અને ઓમાનમાં ગત ઑક્ટોબર અને નવેમ્બર માસમાં રમાયો હતો. એમાં ઑસ્ટ્રેલિયાએ ન્યૂઝીલૅન્ડને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો
હતો.
એ વિશ્વકપમાં પાકિસ્તાનની ટીમ સેમિફાઇનલમાં પહોંચી હતી.
એ દરમિયાન 24 ઑક્ટોબરે યોજાયેલી મૅચમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. બાબર આઝમનો ઇશારો એ જ મૅચ તરફ હતો.
એ વિજય એ રીતે પણ મહત્ત્વનો હતો કે એ પહેલાં સુધી પાકિસ્તાન કોઈ પણ વનડે કે ટી20 વિશ્વકપમાં ભારતને નહોતું હરાવી શક્યું.