ભારતના વડાપ્રધાન જે રાજ્યનું નેતૃત્વ કરે છે તે ગુજરાતના લાયન તેમના ફાયનાન્સ મિનિસ્ટર અરૂણ જેટલીને દેખાયા નહીં પરંતુ મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોના ટાઇગર તેમને દેખાયા છે. નાણામંત્રીએ રજૂ કરેલા બજેટમાં ગુજરાતના લાયન માટે કોઇ જોગવાઇ કરવામાં આવી નથી પરંતુ પ્રોજેક્ટ ટાઇગર માટે 350 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ રૂપિયાની મદદથી કેન્દ્ર સરકાર દેશના 50 ટાઇગર સેન્ચ્યુરી અને વિસ્તારોમાં ટાઇગર માટેના હેબિટેટ તેમજ હાથીના રક્ષણ માટે કામ કરશે.જેટલીએ પ્રોજેક્ટ એલિફન્ટ એટલે કે ભારતના હાથીઓના સંરક્ષણ અને વિકાસ માટે 30 કરોડનું બજેટ ફાળવ્યું છે. દેશમાં આવેલા 29 વિસ્તારો કે જ્યાં હાથીની વસતી છે ત્યાં એનિમલ અને પ્લાન્ટ પાછળ આ રૂપિયા ખર્ચ કરાશે.ભારત સરકારે વાઇલ્ડ લાઇફ હેબિટેટના વિકાસ માટે પણ 175 કરોડનો ખર્ચ કરવાનું નક્કી કર્યું છે. આ રૂપિયા દેશભરના 400 પ્રોટેક્ટેડ ફોરેસ્ટ વિસ્તારમાં ખર્ચાશે.ભારતમાં હાથી અને વાઘની સંખ્યા જળવાઇ રહે તેમજ તેમાં વધારો થાય તે માટે આ ખર્ચ કરવામાં આવી રહ્યો છે પરંતુ ગુજરાતમાં જોવા મળતા એકમાત્ર એશિયાટીક લાયન એટલે કે સિંહ માટે જેટલીએ એક રૂપિયો પણ બજેટમાં ફાળવ્યો નથી. સિંહ માત્ર ગુજરાતમાં જોવા મળે છે અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ છે, જ્યારે વાઘ જ્યાં છે તે મધ્યપ્રદેશ, પશ્ચિમબંગાળ અને કર્ણાટક જેવા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવે છે તેથી ત્યાં આવા વન્ય પ્રાણીઓ માટે રૂપિયા ખર્ચવામાં આવી રહ્યાં છે.