ગીરના જંગલમાં રહેતા સિંહો વચ્ચે સમલૈંગિક (હોમોસેક્સ્યુઅલ) સંબંધો જોવા મળ્યા છે. ગીરના સિંહો પર થઈ રહેલા સંશોધનમાં આ વાત સામે આવી છે.
આ પહેલાં પણ ગીરના જંગલમાં બે તરુણ સિંહો વચ્ચે સમલૈંગિક સંબંધોના દાખલાઓ જોવા મળ્યા હતા.
અમરેલીના રેડિયોલૉજિસ્ટ ડૉ. જલ્પન રૂપાપરા અને એનેસ્થેટિસ્ટ ડૉક્ટર પૂર્વેશ કાચા ગીરના સિંહો પર છેલ્લાં 19 વર્ષથી સંશોધન કરી રહ્યા છે.
તેમનું સંશોધન સિંહોના સમલૈંગિક સંબંધો મામલે ન હતું પરંતુ 'ઇકૉલૉજી ઑફ લાયન્સ ઇન ગ્રેટર ગીર એરિયા' તેમના સંશોધનનો વિષય હતો.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ અત્યાર સુધી સિંહોના સમલૈંગિકતાને લગતા 7 કેસો સ્ટડી કરવામાં આવ્યા છે.
અહેવાલ મુજબ આ પહેલાં 1973, 1999, 2016 અને તાજેતરમાં 2017માં આવા કિસ્સાઓ નોંધાયા છે.
ગુજરાતમાં ગીર અભયારણ્યની બહાર રહેતા રહેતા સિંહો પર અમરેલીના બે નેચરાલિસ્ટો સંશોધન કરી રહ્યા હતા.
પોતાના રિસર્ચ અને સિંહના આવા વર્તન અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ડૉ. જલ્પન રૂપાપરા કહે છે કે તેઓ સિંહના જાતિય વર્તન વિશે કોઈ સંશોધન કરી રહ્યા ન હતા.
તેઓ કહે છે, "અમારું સંશોધન ગ્રેટર ગીર લાયન પર હતું. જેમાં અમે ગીરના અભયારણ્યની બહાર રહેતા સિંહો પર સંશોધન કરી રહ્યા હતા."
"સિંહોની કુલ સંખ્યાના 40 ટકા જેટલા સિંહો ગીર અભયારણ્યની બહાર રહે છે. આશરે 300 જેટલા સિંહો અભયારણ્યની બહાર છે. પ્રાઇડ લાયનને કારણે તેમને બહાર રહેવું પડે છે."
ડૉ. રૂપાપરા કહે છે, "આવા સિંહોને અમરેલી અને ભાવનગરમાં આવેલી સરકારી ખરાબાની જમીન માફક આવી ગઈ છે."
"આ વિસ્તારમાં નીલગાયની સંખ્યા વધુ છે અને રખડતાં ઢોરની સંખ્યા પણ વધારે છે. જેથી તેમને ખોરાક અને પાણી મળી રહે છે."
તેઓ કહે છે, "પ્રાઇડ લાયનના વિસ્તારમાંથી બહાર રહેતા સિંહબાળ જ્યારે અઢી-ત્રણ વર્ષનાં થાય ત્યારે તેમાં સ્યૂડો હોમોસેક્સ્યુઆલિટી (બનાવટી સમલૈંગિકતા) જોવા મળે છે."
"સબ-ઍડલ્ટ (પુખ્ત નહીં) સિંહોમાં આવાં લક્ષણો જોવા મળ્યાં છે. તેનું કારણ એ છે કે તેઓ પુખ્ત થવા લાગ્યા હોય છે. આવા સમયે એક સિંહ બીજા પર માઉન્ટ થાય છે."
"આવી મુવમૅન્ટને સ્યૂડો હોમોસેક્સ્યુઆલિટી કહેવામાં આવે છે. અમારા સંશોધન દરમિયાન અમે અઢીથી ત્રણ વર્ષના ત્રણ સબ-ઍડલ્ટ સિંહોને માઉન્ટ થતા જોયા છે."
"જોકે, આવું વર્તન આ સિંહોમાં કાયમી જોવા મળ્યું નથી, તે ભાગ્યે જ જોવા મળે છે."
ગીરના સિંહ પર સંશોધનમાં ડૉ. રૂપાપરાની સાથે રહેલા ડૉ. પૂર્વેશ કાચાએ બીબીસી ગુજરાતીને કહે છે કે પ્રાઇડ લાયન એટલે સિંહોનું એવું ગ્રૂપ જેમાં સિંહણો હોય છે. જ્યારે તેમાંથી બહાર નીકળેલા સિંહો સાથે સિંહણો હોતી નથી.
ડૉ. કાચા કહે છે, "અઢીથી ત્રણ વર્ષના સિંહો પુખ્ત થવા લાગે ત્યારે તેમનામાં હોર્મોનલ ચૅન્જ આવે છે. આવા સમયે જ્યારે સબ-ઍડલ્ચ સિંહ પ્રાઇડ લાયનના ગ્રૂપમાં ના હોય ત્યારે આવું વર્તન જોવા મળતું હોય છે."
"ક્યારેક એવું પણ બને છે કે હોર્મોનલ ચેન્જ વખતે અન્ય નર સિંહોને મેટિંગ કરતા જોયા હોય તો તેને જોઈને પણ આવું વર્તન કરતા હોય છે."
"સમલૈંગિક સંબંધો માત્ર સિંહોમાં નહીં પરંતુ અન્ય પ્રાણીઓમાં પણ જોવા મળે છે. જોકે, આવું વર્તન વારંવાર જોવા મળતું નથી."
"સિંહોની સૂંઘવાની શક્તિથી વધારે તીવ્ર હોય છે અને તે 25 કિલોમિટર સુધી સૂંઘી શકે છે અને આટલી રેન્જમાં રહેલી સિંહણને શોધીને તેની સાથે સંબંધ પણ બાંધી શકે છે."
"સબ-ઍડલ્ટ સિંહોમાં જ સમલૈંગિકાતનાં લક્ષણો જોવા મળે છે. સિંહ પુખ્ત થયા પછી આવાં લક્ષણો જોવા મળ્યાં નથી."
આ પહેલાં પણ જોવા મળ્યા છે આવા કિસ્સા
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે 1973, 1999, 2016 અને 2017માં આવા કિસ્સાઓ જોવા મળ્યા હતા. એટલે આ પ્રથમ વખત નથી કે સિંહોમાં સમલૈંગિકતા જોવા મળી હોય.
એશિયાટિક લાયન ઍક્સપર્ટ અને નેશનલ બોર્ડ ઑફ વાઇલ્ડ લાઇફના સભ્ય એચ. એસ. સિંઘે બીબીસી સાથે કરેલી વાતચીત માં કહ્યું કે 1973 અને 1987માં સિંહમાં સમલૈંગિકતાના કેસનો ઉલ્લેખ થયો છે."
તેમના કહેવા પ્રમાણે ફૉરેસ્ટ ઑફિસર સ્વ. સનત ચૌહાણે એવું નોંધ્યું છે કે સિંહણોમાં પણ લેસ્બિયન હોવાના કિસ્સા જોવા મળ્યા છે.
સિંઘ કહે છે, "મારા કાર્યકાળમાં મેં જોયું છે કે પ્રાઇડ લાયનના વિસ્તાર બહારના સિંહો એટલે કે નોમાડિક લાયનમાં જ હોમોસેક્સ્યૂઆલિટી અને ઍબનોર્મલ બિહેવિયર જોવા મળે છે."
"સામાન્ય રીતે પ્રાઇડ લાયનમાં આવું જોવા મળતું નથી કારણ કે તે સિંહણો સાથે વસવાટ કરે છે."
ગુજરાતના પ્રિન્સીપલ ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ ઍન્ડ રિસર્ચ સંજય ત્યાગી કહે છે કે આવા કિસ્સાની સૅમ્પલ સાઇઝ નાની છે, હું સંશોધન કરનારાઓનો વિરોધ નથી કરતો પરંતુ આ અપવાદરૂપ કિસ્સા છે.
તેમણે કહ્યું, "આવા અપવાદરૂપ કિસ્સા અઢીથી ત્રણ વર્ષના સિંહોમાં જોવા મળે છે જે કદાચ હોર્મોન ચેન્જના કારણે હોવા જોઈએ. આ પહેલાં પણ સંશોધનકર્તાઓએ આવા કિસ્સા નોંધ્યા છે."
ગીરના આ કિસ્સાની જેમ કેન્યાના મસાઈ મારા નેશનલ રિઝર્વમાં પણ બે સિંહોની રોમેન્ટિક ક્ષણો એક કૅમેરામૅને તેમના કૅમેરામાં કેદ કરી લીધી હતી.
જેમાં બે સિંહો એક બીજા પર માઉન્ટ થતા અને એક બીજાને સૂંઘતા જોવા મળ્યા હતા.
વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર પોલ ગોલ્ડસ્ટેઇને આ ઘટનાને વર્ણવતા ડેઇલી મેઇલને કહ્યું હતું કે તેમણે બે સિંહોને એકની પાસે બીજાને ઊભેલા જોયા હતા અને જે બાદ એક સિંહ નીચે બેસી ગયો અને બીજા સિંહને તેના પર માઉન્ટ થતો જોયો હતો.
સાઉથ આફ્રિકના બોટ્સ્વાનામાં વર્ષ 2016માં નિકોલ કાંમબ્રે નામના એક ફોટોગ્રાફરે ઊંચા ઘાસમાં બે સિંહોના ફોટોગ્રાફ પાડ્યા હતા.
જે ત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.
જેમાં આ સિંહો એક બીજા સાથે પંપાળતા હોય તથા એક બીજા પર માઉન્ટ થતા જોવા મળ્યા હતા. જે બાદ સિંહોમાં સમલૈંગિકતા અંગે ચર્ચાઓ ચાલી હતી.
કેટલાક બાયૉલૉજીસ્ટના કહેવા પ્રમાણે પશુ અને પક્ષીઓની વિવિધ 1,500 જાતિઓમાં સમલૈંગિકતાનાં લક્ષણો જોવા મળ્યાં છે.
જેમાંથી 450 જાતો એવી છે જેમાં આવા કિસ્સા એક કરતાં વધારે વખત જોવા મળ્યા છે.