ગુજરાતની પેટાચૂંટણીનાં પરિણામો આવી ગયાં છે અને રાધનપુર, થરાદ, ખેરાલુ, બાયડ, લુણાવાડા અમરાઈવાડીમાંથી ત્રણ બેઠક ભાજપે અને ત્રણ કૉંગ્રેસે જીતી લીધી છે.
આ પેટાચૂંટણી ભાજપે રાષ્ટ્રવાદ, અનુચ્છેદ 370ની નાબુદી કે રાષ્ટ્રવાદ જેવા રાષ્ટ્રીય મુદ્દે લડી હતી.
મહત્ત્વની વાત એ છે કે ગુજરાત અને દેશભરમાં ઑટોમોબાઇલ, કાપડ તથા હીરાઉદ્યોગને મંદીના મારની ચર્ચા વચ્ચે બેરોજગારી કે ખેડૂતોના પ્રશ્નો જેવા મુદ્દા ગાયબ જોવા મળ્યા હતા.
લોકોને સ્પર્શતા મુદ્દા ગાયબ કેમ?
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં વરિષ્ઠ પત્રકાર અજય નાયકે આ અંગે વાત કરતા કહ્યું, "પેટાચૂંટણીની લઈને એવું માનવામાં આવે છે કે સામાન્ય રીતે શાસક પક્ષ જીતતો હોય છે."
"પેટાચૂંટણી યોજાવાનાં કારણો એવાં હોય છે કે જે-તે બેઠકના ધારાસભ્ય લોકસભામાં ચૂંટાયા હોય અને ચૂંટણી યોજવી પડી હોય છે."
"જોકે, ગુજરાતની વિધાનસભાની ચૂંટણીનાં કારણો અલગ હતાં. ગુજરાતમાં પેટાચૂંટણી એટલા માટે યોજાઈ હતી કે પક્ષપલટો કરીને બે ત્રણ ઉમેદવારો ભાજપમાં જોડાયા હતા."
"પક્ષપલટો કર્યો હોવાથી એમણે ખાલી કરેલી બેઠકો પર પેટાચૂંટણી યોજવી પડી હતી. એટલે એ રીતે જોતાં આ ચૂંટણી જે-તે ઉમેદવારના અસ્તિત્વની લડાઈ હતી."
"નવા પક્ષમાં પોતાનું સ્થાન મજબૂત કરવું એ આ ઉમેદવારોની પ્રાથમિકતા હતી. પરિણામે લોકોને સ્પર્શતા મુદ્દાઓ ગાયબ રહે એ સ્વાભાવિક હતું."
"વળી, આપણે ત્યાં ચૂંટણીમાં જ્ઞાતિવાદી રાજકારણ પ્રભાવી રહેતું હોય છે અને એટલે જ્ઞાતિવાદી રાજકારણ લોકોને સ્પર્શતા મુદ્દા પર હાવી થઈ જતું હોય છે."
"ગુજરાતમાં બેરોજગારી કે ખેતીના પ્રશ્નો જેવા મુદ્દા 100 ટકા વાસ્તવિક હોવા છતાં કોઈ પક્ષ તેને સ્પર્શ કરતો નથી."
નાયક ઉમેરે છે, "શાસકપક્ષ પોતે તો આ મુદ્દા ન ઉઠાવે એ સ્વાભાવિક છે પણ આવા મુદ્દા ઉઠાવવા જેની ફરજ છે એ વિરોધ પક્ષ પણ અહીં ચૂકે છે."
"લોકોને સ્પર્શતા મુદ્દા વિરોધપક્ષે ઉઠાવવા જોઈએ પણ એ પણ નથી ઉઠાવતા."
વરિષ્ઠ પત્રકાર વિશ્વનાથ સચદેવે બીબીસી ગુજરાતી સાથેના ફેસબુક લાઈવમાં જણાવ્યું કે '370 કે એવા અન્ય કોઈ મુદ્દા આ દેશના રાષ્ટ્રીય મુદ્દા નથી. આ દેશના રાષ્ટ્રીય મુદ્દા રોટી-રોજી, બેરોજગારી, ખેડૂતો અને શ્રમિકોની સમસ્યા છે.'
જોકે, આ પેટાચૂંટણીમાં પણ કૉંગ્રેસે લોકોને સ્પર્શતા મુદ્દા પર વાત કરી હોવાનું વરિષ્ઠ પત્રકાર દર્શન દેસાઈનું માનવું છે.
કૉંગ્રેસે આવા મુદ્દા ઉઠાવ્યા હોવા છતાં મીડિયામાં એને સ્થાન નહોતું મળ્યું એવું દેસાઈ જણાવે છે.
તેઓ કહે છે, "ભાજપનો વ્યાપક સંદર્ભ તો આ જ છે. અગાઉની ચૂંટણીમાં પણ તે રાષ્ટ્રવાદની વાત કરી ચૂક્યો છે. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે લોકોને સ્પર્શતા મુદ્દાઓ અંગે વાત કરી હતી. 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ કૉંગ્રેસના રાહુલ ગાંધીએ બેરોજગારી, મોંઘવારી જેવા પ્રજાને સ્પર્શતા મુદ્દાની વાત કરી હતી.
પણ મુશ્કેલી એ છે કે કૉંગ્રેસ પાસે નરેન્દ્ર મોદી જેવા નેતા નથી અને ભાજપની રણનીતિ અને આક્રમક પ્રચાર સામે વાસ્તવિક્તા મુદ્દા ફંગોળાઈ જાય છે.
જોકે, વાસ્તવિક મુદ્દાની સામે લોકો પણ લોકપ્રિય મુદ્દાઓ તરફ આકર્ષાઈ જતા હોવાનું દેસાઈનું માનવું છે.
"આ પેટાચૂંટણી કૉંગ્રેસના ઉમેદવારોએ આપમેળે લડી હતી અને તેમને લોકોને સ્પર્શતા મુદ્દા ઉઠાવ્યા પણ હતા. જોકે, રાષ્ટ્રીય નેતાઓના અભાવને કારણે મીડિયાએ તેમને ખાસ સ્થાન નહોતું આપ્યું."
'સેન્ટર ફૉર ડેવલપમૅન્ટ અલ્ટરનેટિવ્સ'નાં પ્રોફેસર ઇન્દિરા હિરવે કહે છે કે તાજેતરના સ્લૉ ડાઉનમાં ગુજરાતમાં બેરોજગારી ખૂબ વધી છે.
હિરવે કહે છે, "આ સ્લૉ ડાઉન દરમિયાન MSME એકમો, ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી, ઑટોમોબાઇલ-ઇન્ડસ્ટ્રી, ડાયમંડ કટિંગ ઍન્ડ પૉલિશિંગ-ઇન્ડસ્ટ્રીમાં બેરોજગારી વધી છે"
ગુજરાતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની સ્થિતિ કફોડી છે અને સુરત જેવાં શહેરોમાંથી કામદારો હિજરત કરી રહ્યા છે.
ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીનાં યુનિટ બંધ થઈ રહ્યાં છે, જેના કારણે કામદારો પોતાની રોજગારી ગુમાવી રહ્યા છે.
ભારતનાં 21 રાજ્યોમાં રોજગારી અને અન્ય લાભોની સ્થિતિ અંગે જસ્ટ જૉબ્સ ઇન્ડેક્સની યાદી જાહેર કરાઈ હતી, જેમાં ગુજરાતનો ક્રમ છઠ્ઠો હતો.
આ યાદીમાં ગુજરાત પહેલાં અનુક્રમે છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર અને કેરળ હતા.