ગુજરાતમાં વિધાનસભાની છ બેઠકો પર હાલ શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે. લોકસભાની ચૂંટણી બાદ રાજ્યમાં આ પ્રથમ પેટાચૂંટણી છે. જેમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે.
આ છ બેઠકો માંથી રાધનપુર અને બાયડની પેટાચૂંટણીની રાજ્યામાં ચર્ચા થઈ રહી છે. રાધનપુર પર અલ્પેશ ઠાકોર અને બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા ચૂંટણી લડી રહ્યા છે. આ બંને પહેલા કૉંગ્રેસમાં હતા.
વર્ષ 2019ની લોકસભા ચૂંટણી બાદ બંને ભાજપમાં જોડાયા હતા અને ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દીધું હતું.
હાલ રાજ્યમાં આ છ બેઠકો પર ચુસ્ત સુરક્ષા વચ્ચે મતદાન ચાલી રહ્યું છે. કેટલીક જગ્યાએ ઈવીએમ ખરાબ થવાની ફરિયાદો આવી હતી.
શરૂઆતના કલાકોમાં કેટલાક વિસ્તારોમાં મતદારોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો ન હતો. જોકે, કેટલાંક ગામોમાં સવારથી જ મતદાન માટે લાઇનો લાગી હતી.
આ તરફ મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ વિધાનસભાની ચૂંટણીઓ માટે મતદાન ચાલી રહ્યું છે.
રાધનપુરમાં ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર સામે કૉંગ્રેસના રઘુભાઈ દેસાઈ ચૂંટણી લડી રહ્યા છે.
રાધનપુરમાં કેવો છે માહોલ?
કૉંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ લોકોને તેમનાં ઘરોમાંથી બહાર કાઢીને પોલીગ બૂથ સુધી લઈ જઈ રહ્યા હતા. રાધનપુર શહેરમાં પણ પોલીંગ બૂથ પર લોકોની નબળી સંખ્યા જોવા મળી હતી.
સ્થાનિક અમૃતભાઈ સેંઘવ સાથે જ્યારે આ વિશે વાત કરી તો તેમણે કહ્યું કે આ ચૂંટણી પ્રચારમાં લોકોની મૂળ સમસ્યા પર કોઈ વાત થઈ ન હતી અને અલ્પેશ ઠાકોર સહિત ભાજપના નેતાઓએ માત્ર રાષ્ટ્રીય મુદ્દાઓ પર જાહેરસભાઓ સંબોધી હતી, જેને કારણે લોકોમાં કોઈ ઉત્સાહ રહ્યો ન હતો.
જો કે આર. પી. બારોટ નામના એક અગ્રણીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે લોકો નરેન્દ્ર મોદીના શાસન અને તેમની કામગીરીને ધ્યાનમાં લઈને વોટ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે કાશ્મીર જેવા મુદ્દાને કારણે લોકો ભાજપ તરફી મતદાન કરશે.
ઘણા સ્થાનિકોનું માનવું છે કે રાધનપુર વિધાનસભામાં જે કોઈ નેતા પક્ષ બદલીને ચૂંટણી લડે છે, તેમને જનતા જાકારો આપે છે.
"આજ સુધી તો એવું જ બન્યું છે કે પક્ષ બદલીને ચૂંટણી લડનાર વ્યક્તિ અહીંથી જીતી નથી, જો અલ્પેશ ઠાકોર જીતે તો તે એક નવો ઇતિહાસ બનશે." સ્થાનિક વિનોદ મકવાણાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું.