Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઠાકોર સમાજની કુંવારી છોકરીઓને મોબાઇલ નહીં રાખવાનું ફરમાન વાઇરલ, પણ તંત્ર અંધારામાં

Webdunia
ગુરુવાર, 18 જુલાઈ 2019 (12:13 IST)
તેજસ વૈદ્ય
બનાસકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સમાજે નિયમ બનાવ્યો છે કે છોકરી સમાજને 'નીચું ભળાવશે' તો માતાપિતાએ દંડ ચૂકવવાનો રહેશે. જોકે, કલેક્ટર કાર્યાલય કહે છે કે અમારી પાસે આવી કોઈ વિગત નથી. બનાસકાંઠામાં 12 ગામના ક્ષત્રિય ઠાકોર સમાજે નિયમ ઠરાવ્યો છે કે "જે કોઈ છોકરી સમાજને નીચું ભળાવશે તો તેની જવાબદારી તે પરિવારની રહેશે અને માતાપિતાને દંડ ચૂકવવાનો રહેશે."
 
"દંડ લેખે રૂપિયા દોઢ લાખ પૂરા નક્કી કરેલા છે. છોકરાનાં માતાપિતાને દંડ લેખે બે લાખ રૂપિયા નક્કી કરેલા છે."
 
આ ઉપરાંત કુંવારી છોકરીઓને મોબાઇલ નહીં આપવાનો અને જો મોબાઈલ પકડાય તો તેની જવાબદારી માતાપિતાની ગણવાનો નિયમ પણ બનાવવામાં આવ્યો છે.
 
શું કહે છે તંત્ર?
 
કુંવારી છોકરીને મોબાઇલ આપવો કે નહીં એ નિયમ સમાજ નક્કી કરી શકે? પુખ્ત વયની વ્યક્તિ પોતાના નિર્ણય જાતે લઈ શકે છે એવી છૂટ દેશનું બંધારણ આપતું હોય, તો કોઈ છોકરી 'સમાજને નીચું ભળાવશે' એવું કઈ રીતે કહી શકાય?
 
પુખ્ત વયની છોકરી કે છોકરો કોઈ નિર્ણય લે તો એમાં સમાજ હસ્તક્ષેપ કરી શકે ખરો? 
 
છોકરી કદાચ ભાગી જાય કે પરનાતમાં ઠરીઠામ થાય તો એનો દંડ માતાપિતા શા માટે ભોગવે?
 
કોઈ સમુદાય પોતાના નિયમો ઠેરવે અને સમાજનું બંધારણ છે એમ જાહેર કરે તો શું તંત્ર હસ્તક્ષેપ ન કરી શકે?
 
ઉપરના તમામ સવાલો બનાસકાંઠાના રેસિડેન્ટ ઍડિશનલ કલેક્ટર એલ. બી. બાંભણિયાને પૂછવામાં આવ્યા, ત્યારે તેમણે કહ્યું હતું, "દેશમાં સંવિધાન માત્ર એક જ છે."
 
"ઠાકોર સમાજે પોતાનું કોઈ સંવિધાન નથી બનાવ્યું. સમાજની બેઠકમાં આ ચર્ચાવિચારણા થઈ છે. એને સંવિધાન ન કહી શકાય. "
 
કલેક્ટરે કહ્યું, "હજી સુધી અમારી પાસે આ વિશેની કોઈ વિગત ઑન પેપર આવી નથી, તેથી આ મુદ્દે કશું કહી શકીએ નહીં."
 
"કોઈ વિગત આવશે તો એ અમારા જે તે વિભાગની જવાબદારી બનતી હશે તેને જાણ કરીશું."
 
"જો આવા કોઈ નિયમો ઠરાવ્યા હશે તો અમારો સામાજિક વિભાગ છે તેને મોકલશું અને તપાસ કરાવીશું. અમારી પાસે હજુ વિગત નથી આવી."
 
એ બેઠકમાં જે નિયમો ઠરાવવામાં આવ્યા છે તે પૅમ્ફલેટ તો વૉટ્સઍપ પર ફરી રહ્યું છે. તે તમારા સુધી નથી પહોંચ્યું?
 
આ સવાલ પૂછતા એલ. વી. બાંબણિયાએ કહ્યું હતું, "ના. અમારા સુધી નથી પહોંચ્યું."
 
શું છે મામલો?
બનાસકાંઠાનાં 12 ગામના ક્ષત્રિય ઠાકોર સમાજે નવ મુદ્દાનો એક કાર્યક્રમ ઘડીને 14 જુલાઈથી તેની ઉપર અમલ શરૂ કર્યો હતો.
 
જે નવ નિયમો ઘડવામાં આવ્યા હતા તે સમાજનું બંધારણ છે એવું પતાકડાં એટલે કે પૅમ્ફલેટમાં જાહેર કરવામાં આવ્યું હતું.
 
આ નવ મુદ્દામાં કેટલાક મુદ્દા એવા હતા જેને લઈને ખૂબ ઊહાપોહ મચ્યો છે. આ મુદ્દા ઘડવા માટેની બેઠક દાંતીવાડા પાસે જેગોલ ગામે ગત રવિવારે મળી હતી.
 
ક્ષત્રિય ઠાકોર સમાજની આ બેઠકમાં 12 ગામના 500 જેટલા લોકો એકઠા થયા હતા.
 
જેગોલ, કોટડા, ગાગુંદરા, ઓઢવા, હરિયાવાડા, માલપુરિયા, શેરગઢ, તાલેપુરા, રાણોલ, રતનપુર, ધાનેરી, વેળાવાસ- આ 12 ગામોનો એક સમૂહ (ગોળ) બને છે.
 
જે નવ મુદ્દાની જે પત્રિકા વાઇરલ થઈ છે એમાં એમાં ઠાકોર સમાજના હવાલા સાથે એમ પણ લખવામાં આવ્યું છે કે અમારા ક્ષત્રિય ઠાકોર સમાજના 'બંધારણ' અમારા સમાજ સાથે રહીને કરેલ છે, જેમાં 12 ગામ સામેલ છે.
 
જે કોઈ અમારા બંધારણને તોડશે અથવા બીજો કોઈ સમાજ તોડવાની કોશિશ કરશે તો અમે કાનૂની કાર્યવાહી કરીશું.
 
'આ નિયમો સામે શું વાંધો?
 
આ વિશે કર્મશીલ કૌશિક પરમારે કહ્યું હતું, "18 વર્ષની યુવતી અને 21 વર્ષનો યુવક જાતે જ નક્કી કરી શકે છે કે કે તેમણે ક્યાં લગ્ન કરવાં."
 
"સમાજના આ પ્રકારના નિયમોને લીધે તેમના મૂળભૂત બંધારણીય અધિકારો પર તરાપ લાગે છે. તેથી આ પ્રકારના કિસ્સામાં રાજ્ય સરકારે પોતે ફરિયાદી બનવું જોઈએ."
 
"એટલે કે કલેક્ટરે સામે ચાલીને પહેલ કરવી જોઈએ. મોબાઇલ રાખવો કે નહીં એ પણ વ્યક્તિગત સ્વતંત્રતાની વાત છે."
 
"દેશમાં કોઈ એક બંધારણ અમલમાં હોય, ત્યારે આ પ્રકારના બંધારણ બનાવવા એ ખરેખર તો મૂળભૂત બંધારણનું અપમાન છે. તેથી આવું કોઈ બંધારણ ટકી શકે નહીં, ચાલે નહીં."
 
"સમુદાયો પોતાના નિયમો બનાવી શકે, પણ એને 'બંધારણ' તરીકે ખપાવી શકે નહીં."
 
પરમારે એમ પણ કહ્યું કે કલેક્ટર કાર્યાલય તેમને સમજાવી શકે છે કે આ પ્રકારની ગતિવિધિ ન કરી શકાય, પરંતુ એવું પણ થયું નથી.
 
શું કહેવું છે સમાજનું?
 
ક્ષત્રિય ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોરની જાહેરસભાની તસવીર જેમની અધ્યક્ષતામાં 12 ગામના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોની બેઠક મળી હતી તે જયંતીભાઈ ઠાકોરે બીબીસી સાથે વાત કરતાં કહ્યું :
 
"અમે લોકોએ બેસીને નિર્ણય લીધો હતો કે કુંવારી છોકરીઓ મોબાઇલ રાખે તો એના પર માતાપિતા દેખરેખ રાખે એ સંદર્ભમાં જ વાત કહી હતી."
 
"દંડની વાત તો માત્ર મૌખિક હતી, દબાણ નહોતું."
 
એમણે એવો પણ દાવો કર્યો, "જે છોકરાઓએ પૅમ્ફલેટ તૈયાર કર્યું એમાં ભૂલ કરી નાખી હતી."
 
"જે પૅમ્ફલેટ છે એમાં નિયમોને બંધારણ તરીકે ઠેરવવામાં આવ્યા છે એ પણ ભૂલ થઈ ગઈ છે. અમે આગળ ધ્યાન રાખશું."
 
જો કોઈ છોકરી સમાજને "નીચું ભળાવશે" એટલે કે પરનાતમાં ઠરીઠામ થશે તો તેનાં માતાપિતાએ દંડ ભોગવવાનો રહેશે. આવો પણ નિયમ તમે ઠેરવ્યો છે. દેશનું બંધારણ એવું કહે છે કે પુખ્ય વયની વ્યક્તિ પોતાના નિર્ણય લેવા સ્વતંત્ર છે.
 
એ વિશે જયંતીભાઈએ કહ્યું હતું કે "હું વ્યક્તિગત રીતે માનું છું કે નાતની બહાર લગ્ન ન થવાં જોઈએ."
 
એમણે વધુમાં કહ્યું, "અમારો એ વિશેનો જે નિયમ છે એમાં પણ દંડ વિશે માત્ર મૌખિક જ વાત થઈ હતી. કોઈ દબાણ નહોતું."
 
"છોકરાઓએ જે પૅમ્ફલેટ છાપ્યું એમાં થોડી ભૂલ કરી નાખી છે. અમે ફરી દસ જ દિવસમાં બેઠક બોલાવવાના છીએ અને નિયમો સાથે નવું પૅમ્ફલેટ બહાર પાડશું."
 
જયંતીભાઈએ એમ પણ કહ્યું કે ગામડાંઓમાં પરિસ્થિતિ અલગ હોય છે. ગામડાંઓમાં સમાજ પર થોડું વજન હોય તો નાનીમોટી જે તકલીફો સમાજને પડે છે તે ન પડે.
 
હું મારા પરિવાર માટે નિયમ બનાવી જ શકું
 
ગુજરાત ક્ષત્રિય ઠાકોરસેનાના પ્રદેશ સલાહકાર રાયકરણ ઠાકોરે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે "મોબાઇલ ન હોવો જોઈએ એ નિયમ છોકરા અને છોકરી બંને માટે છે."
 
"એને લીધે ટીનેજરોમાં જે પ્રેમ વગેરે કેટલાક સંવેદનશીલ ઇશ્યુ ઊભા થતા હોય તે ન થાય."
 
ઠાકોરે વધુમાં કહ્યું, "કુમળી વયે ભોળવાઈ ગયા હોય એવા ઘણા ઇશ્યુ ઊભા થયા છે અને આજ દિવસ સુધી કેટલીય છોકરીઓ મળી નથી."
 
"મોબાઈલ ન વાપરે તો ખર્ચ પણ આપોઆપ ઓછો થઈ જશે."
 
તો શું આ નિયમો લાગુ કરવાથી તમે જે ઇચ્છો છો તે થઈ જશે? રાયકરણ ઠાકોરે કહ્યું હતું કે "પ્રયત્ન તો કરવો જ જોઈએ ને?"
 
દેશનું બંધારણ આવી છૂટ આપે છે કે નહીં એ અંગે તેમનું કહેવું છે કે "હું મારા પરિવાર માટે તો કોઈ પણ નિયમ નક્કી કરી જ શકું ને."
 
"આ 12 ગામમાં 8000 જેટલી ઠાકોર સમાજની વસતી છે. 12 ગામનો જે સમૂહ છે તે 'ગોળ' કહેવાય છે એટલે કે તે એક પરિવાર જ છે."
 
"પરિવારે પોતે સ્વીકાર્યું છે કે અમે આ નિયમો પાળશું. તેથી આમાં બંધારણના ઉલ્લંઘનની કોઈ વાત જ નથી."
 
આ નિયમોમાં ગામના લોકો પોતાની રીતે એમાં સુધારાવધારા કરી શકે છે અને ઠાકોર સમાજના આગેવાન તરીકે તેને સમર્થન આપ્યું છે એવો તેમનો દાવો છે.
 
માતાપિતાને દંડ શા માટે?
 
છોકરી સમાજને 'નીચું ભળાવશે તો તેમનાં માતાપિતાને દંડ થશે' એ નિયમ વિશે ફોડ પાડતાં રાયકરણ ઠાકોરે કહ્યું હતું કે "છોકરીઓ જતી રહે છે, એના પર રેપ થાય છે."
 
"કેટલીક છોકરીઓ ભાગીને જતી રહે છે તો તેમનો કોઈ અતોપત્તો જ હોતો નથી. આ પ્રકારના ઇશ્યુ ન બને તે માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે."
 
"જેથી માતાપિતા વધુ સંભાળ લે. છોકરીએ ભાગીને લગ્ન કર્યાં હોય અને ખબર હોય કે આ ઘરે છે તો એનો કોઈ વિવાદ નથી."
 
રાયકરણ ઠાકોરે કહ્યું, "છોકરીની જવાબદારી તો માતાપિતાની જ છે. માતાપિતા સંતાનની થોડી વધુ જવાબદારી લે એટલા માટે નિયમ છે."
 
"માતાપિતા વધુ જાગૃત બને એટલી જ વાત છે."

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારને કરી લો આ 3 સરળ ઉપાય ભોળેનાથની કૃપાથી બની જશે બધા બગડેલા કામ મળશે સમ્માન

યોગી આદિત્યનાથે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પર નિવેદન આપ્યું

સ્પેનમાં આવેલા ભયાનક પૂર પછી રસ્તા પર ઉતર્યા લોકો

દિલ્હીમાં ‘અતિશય ખરાબ’ શ્રેણીમાં પહોંચ્યું પ્રદૂષણ, પાકિસ્તાનમાં પણ હવા ખરાબ

યુવકે પરિણીત યુવતીને હોટલમાં બોલાવી, કહ્યું- હું તારી સાથે છું..., પછી જે થયું તે માનવામાં નહીં આવે

આગળનો લેખ
Show comments