ભારતની કાશ્મીરમાં હલચલથી પાકિસ્તાનમાં શું થઈ રહ્યું છે?
હારુન રશીદ
વરિષ્ઠ સંવાદદાતા, ઇસ્લામાબાદ
ભારત પ્રશાસિત કાશ્મીરમાં ચાલી રહેલા તણાવને કારણે પાકિસ્તાન સરકાર ખૂબ પરેશાન દેખાઈ રહી છે.
આ વાતનો અંદાજ તમે એ રીતે લગાવી શકો છો કે વડા પ્રધાન ઇમરાન ખાને રવિવારે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક બોલાવી હતી.
રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં નેતાઓ સિવાય સેનાના અધિકારી પણ હોય છે.
આ બેઠક બાદ નિવેદન જારી કરવામાં આવ્યું, જેમાં વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું કે ભારતનું આક્રમક વલણ ક્ષેત્રમાં સંકટ પેદા કરી શકે છે.
તેમણે કહ્યું, "કાશ્મીરના શાંતિપૂર્ણ અને ન્યાયપૂર્ણ ઉકેલમાં જ દક્ષિણ એશિયામાં શાંતિ અને સુરક્ષાનો રસ્તો પસાર થાય છે."
ભારત પ્રશાસિત કાશ્મીરમાં શું થઈ રહ્યું છે તેનું પાકિસ્તાની મીડિયામાં કોઈ વિશેષ કવરેજ નથી.
માત્ર એટલી સૂચનાઓ આવી રહી છે કે ભારત પ્રશાસિત કાશ્મીરમાં સેનાને મોકલવામાં આવી રહી છે અને પર્યટકો, બહારના વિદ્યાર્થીઓને રાજ્ય છોડવાનું કહેવામાં આવી રહ્યું છે.
તેનાથી એ અંદાજ લગાવી શકાય છે કે કોઈ હુમલો અથવા આક્રમક પગલાંની તૈયારી કરવામાં આવી રહી છે. જેને લઈને પાકિસ્તાનની સરકારને ખૂબ જ ચિંતા છે.
સામાન્ય લોકો શું કહી રહ્યા છે
કાશ્મીરની હાલની સ્થિતને ધ્યાને રાખતાં પાકિસ્તાનના લોકો કહી રહ્યા છે કે હાલના સંજોગોમાં યુદ્ધ ના થવું જોઈએ.
એવી પણ ચર્ચા છે કે પાકિસ્તાનની સ્થિતિ ખૂબ જ મુશ્કેલ છે અને આર્થિક સંકટ પણ ચાલી રહ્યું છે.
એવામાં જો ભારત આ સમયે યુદ્ધ કે આક્રમક પગલાં ઉઠાવે તો પાકિસ્તાનની સ્થિતિ વધારે કફોડી થઈ શકે છે. ઉપરાંત સમગ્ર ક્ષેત્ર અશાંત થઈ શકે છે.
પાકિસ્તાન અસ્થિર થવાથી અફઘાનિસ્તાન પર પણ અસર થશે. કારણ કે ચીન સાથે તેના સંબંધો છે તે પ્રભાવીત થશે.
આ સાથે જ ઈરાન સાથેની સીમા પર પણ તણાવ ઊભો થઈ શકે છે. એવામાં આક્રમક વલણ કોઈ માટે સારું નહીં હોય.
લોકો કહે છે કે જે જંગનો માહોલ બની રહ્યો છે, તે ના બનવો જોઈએ.
પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં શું સ્થિતિ છે?
પાકિસ્તાની સેનાએ તેમના કોઈ પણ પગલાં અંગે જાણકારી આપી નથી.
જોકે, એવી જાણકારી મળી છે કે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર અને નિયંત્રણ રેખા નજીક કંઈક હલચલ થઈ છે.
ભારત પ્રશાસિત કાશ્મીરમાં વધારાનાં સુરક્ષાદળો આવ્યા બાદ અહીં પણ વધારે સુરક્ષાદળો મોકલવામાં આવ્યાં છે પરંતુ તેની સંખ્યા જાણવા મળી નથી.
તોપ અને ભારે મશીનરી મોકલવાની ખબરો આવી છે અને સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ થયા છે.
હાલમાં જ પાકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે અહીં ભારતીય સેનાએ આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કરતાં ક્લસ્ટર બૉમ્બનો ઉપયોગ કર્યો છે.
તંત્ર દ્વારા લોકોને સૂચના આપવામાં આવી છે કે આસપાસ પડેલી કોઈ પણ સંદિગ્ધ વસ્તુ ના ઉઠાવે. કારણ કે તે વિસ્ફોટક હોઈ શકે છે.
એ સિવાય અહીં ગ્રામીણ વિસ્તારોમાં લોકોને જે હથિયાર મળ્યાં છે, તેનાં લાઇસન્સ રિન્યૂ કરાવવાં પડે છે અને ફી જમા કરાવવી પડે છે.
જોકે, પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં રાષ્ટ્રપતિએ આ નિયમો પર છૂટ આપી દીધી છે. એવું લાગે છે કે હાલની હલચલ બાદ સ્થિતિને જોતાં આ પગલું લેવામાં આવ્યું છે.