Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ભારત-ચીન સીમાવિવાદ : સાત દેશો સાથે જોડાયેલી ભારતની સરહદોની આ છે ખાસિયતો

ભારત-ચીન સીમાવિવાદ : સાત દેશો સાથે જોડાયેલી ભારતની સરહદોની આ છે ખાસિયતો
, સોમવાર, 22 જૂન 2020 (06:00 IST)
ગલવાન ખીણ, અક્સાઈ ચીન, કાલાપાની, લિપુલેખ, નિયંત્રણરેખા અને વાસ્તવિક નિયંત્રણરેખા. આ એ શબ્દો છે જેનો ઉલ્લેખ મોટા ભાગે ભારત-ચીન, ભારત-નેપાળ કે પછી ભારત-પાકિસ્તાન સીમાવિવાદ વખતે થાય છે. લિપુલેખ અને કાલાપાનીનો નેપાળ સાથેનો વિવાદ શમ્યો નહોતો ને ચીનસીમા પર બંને દેશના સૈનિકો વચ્ચે હિંસક ઘર્ષણ થયું. જે જગ્યાએ આ ઘર્ષણ થયું તેને ભારત અને ચીન વચ્ચેની વાસ્તવિક નિયંત્રણરેખાના નામથી પણ ઓળખવામાં આવે છે.
 
તો ભારતની આંતરરાષ્ટ્રીય સીમા, નિયંત્રણરેખા અને વાસ્તવિક નિયંત્રણરેખા- આ ત્રણેય આખરે શું છે?
 
ભારતની સીમા
 
ભારતની ભૂમિ સીમા કુલ સાત દેશો સાથે જોડાયેલી છે ભારતની ભૂમિસીમા (જમીનસરહદ)ની કુલ લંબાઈ 15,106.7 કિલોમીટર છે જે કુલ સાત દેશો સાથે જોડાયેલી છે. આ સિવાય 7516.6 કિલોમીટર લાંબી સમૃદ્રી સીમા છે. 
 
ભારત સરકાર અનુસાર આ દેશ છે- બાંગ્લાદેશ (4,096.7 કિમી), ચીન (3,488 કિમી), પાકિસ્તાન (3,323 કિમી), નેપાળ (1,751 કિમી), મ્યાનમાર (1,643 કિમી), ભૂતાન (699 કિમી) અને અફઘાનિસ્તાન (106 કિમી).
 
ભારત-ચીન વાસ્તવિક નિયંત્રણરેખા
 
સૌથી પહેલાં તો એ જાણી લો કે ભારતની ચીન સાથે 3,488 કિલોમીટર લાંબી સીમા જોડાયેલી છે. આ સીમા જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાંથી પસાર થાય છે.
 
આ ત્રણ સૅક્ટરોમાં વિભાજિત છે- પશ્ચિમ સૅક્ટર એટલે કે જમ્મુ-કાશ્મીર, મિડલ સૅક્ટર એટલે કે હિમાચલ પ્રદેશ તથા ઉત્તરાખંડ અને પૂર્વ સૅક્ટર એટલે કે સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ.
 
જોકે બંને દેશો વચ્ચે હજુ સુધી યોગ્ય રીતે સીમાંકન થયું નથી, કેમ કે ઘણા વિસ્તારોને લઈને બંને વચ્ચે વિવાદ છે. ભારત પશ્ચિમ સૅક્ટરમાં અક્સાઈ ચીન પર પોતાનો દાવો કરે છે, જે હાલમાં ચીનના નિયંત્રણ છે. ભારત સાથેના 1962ના યુદ્ધમાં ચીન આ આખા વિસ્તાર પર કબજો કરી લીધો હતો.
 
તો પૂર્વ સૅક્ટરમાં ચીન અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો કરે છે. ચીન કહે છે કે આ દક્ષિણ તિબેટનો હિસ્સો છે. ચીન તિબેટ અને અરુણાચલ પ્રદેશ વચ્ચેની મેકમોહન રેખાને પણ માનતું નથી. તે અક્સાઈ ચીન પરના ભારતના દાવાને પણ ફગાવે છે.
 
આ વિવાદોને કારણે બંને દેશો વચ્ચે ક્યારેય સીમાંકન ન થઈ શક્યું. જોકે યથાસ્થિતિ રાખવા માટે લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ એટલે કે એલએસી ટર્મનો ઉપયોગ થવા લાગ્યો. જોકે એ પણ સ્પષ્ટ નથી, બંને દેશો પોતાની અલગઅલગ લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ દર્શાવે છે.
 
આ લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ઘણાં ગ્લૅશિયર, બરફનાં રણ, પહાડો અને નદીઓ આવેલાં છે. એલએસી સાથે ઘણા એવા વિસ્તારો છે જ્યાં મોટા ભાગે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે તણાવના સમાચાર આવતા હોય છે.
 
ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા
 
સાત દશક પછી પણ જમ્મુ-કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનો મુદ્દો બનેલું છે. આ ક્ષેત્ર હાલમાં એક નિયંત્રણ રેખાથી વહેંચાયેલું છે, જેનો એક તરફનો ભાગ ભારત પાસે અને બીજા ભાગ પાકિસ્તાન પાસે છે.
 
1947-48માં ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ-કાશ્મીર મુદ્દા પર પહેલું યુદ્ધ થયું હતું. બાદમાં સંયુક્ત રાષ્ટ્રના નિરીક્ષણ હેઠળ યુદ્ધવિરામ કરાર થયો. તેના આધારે એક યુદ્ધવિરામ રેખા નક્કી કરાઈ, જે પ્રમાણે જમ્મુ અને કાશ્મીરનો લગભગ એક તૃતીયાંશ ભાગ પાકિસ્તાન પાસે રહ્યો, જેને પાકિસ્તાન 'આઝાદ કાશ્મીર' કહે છે. ભારતમાં સામાન્ય બોલચાલમાં અને મીડિયામાં તેનો ઉલ્લેખ પાકિસ્તાન ઑક્યુપાઇડ કાશ્મીર યાને કે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર તરીકે કરવામાં આવે છે.
 
લગભગ બે તૃતીયાંશ ભાગ ભારત પાસે છે, જેમાં જમ્મુ, કાશ્મીર ઘાટી અને લદ્દાખ સામેલ છે. 1972ના યુદ્ધ બાદ શિમલા કરાર થયો, જે હેઠળ યુદ્ધવિરામ રેખાને 'નિયંત્રણ રેખા' નામ અપાયું. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ નિયંત્રણ રેખા 740 કિલોમીટર લાંબી છે. આ પર્વતો અને વસાહત માટે પ્રતિકૂળ વિસ્તારમાંથી પસાર થાય છે. કેટલીક જગ્યાએ આ ગામો અને પર્વતોને બે ભાગમાં વહેંચે છે.
 
અહીં તહેનાત ભારત અને પાકિસ્તાનના સૈનિકો વચ્ચે કેટલીક જગ્યાએ માત્ર 100 મીટરનું અંતર, તો કેટલીક જગ્યાએ પાંચ કિલોમીટરનું અંતર છે.
બંને દેશો વચ્ચે નિયંત્રણ રેખા છેલ્લાં 50 વર્ષથી વિવાદનું કારણ બનેલી છે. વર્તમાન નિયંત્રણ રેખા ભારત અને પાકિસ્તાન વચ્ચે 1947માં થયેલા યુદ્ધ સમયે જેવી માનવામાં આવી હતી, મોટા ભાગે એવી જ છે. એ સમયે કાશ્મીરના ઘણા વિસ્તારોમાં લડાઈ થઈ હતી.
 
ઉત્તરના ભાગમાં ભારતીય સેનાએ પાકિસ્તાની સૈનિકોને કારગિલ શહેરથી પાછળ અને શ્રીનગરથી લેહ માર્ગ સુધી ધકેલી દીધા હતા. 1965માં ફરી યુદ્ધ થયું. જોકે ત્યારે લડાઈમાં કાર્યવિક્ષેપને કારણે યથાસ્થિતિ 1971 સુધી રહી. 1971માં ફરી એક વાર યુદ્ધ થયું. 1971ના યુદ્ધમાં પૂર્વ પાકિસ્તાન તૂટીને બાંગ્લાદેશ બની ગયું. એ સમયે કાશ્મીરમાં અનેક જગ્યાએ લડાઈ થઈ અને નિયંત્રણ રેખા પર બંને દેશોએ એકબીજાની ચોકીઓ પર નિયંત્રણ રાખ્યું.
 
ભારતને અંદાજે ત્રણસો વર્ગ માઈલ જમીન મળી. આ નિયંત્રણ રેખા ઉત્તરના ભાગે લદ્દાખ વિસ્તારમાં હતી.
 
1972માં શિમલા કરાર અને શાંતિવાર્તા બાદ નિયંત્રણ રેખા ફરીથી સ્થાપિત કરાઈ. બંને પક્ષોએ માન્યું કે જ્યાં સુધી આંતરિક વાતચીતથી ઉકેલ ન આવે ત્યાં યથાસ્થિત રાખવામાં આવે. આ પ્રક્રિયા લાંબી ચાલી. ફિલ્ડ કમાન્ડરોએ પાંચ મહિનામાં અંદાજે વીસ નકશા એકબીજાને આપ્યા. અંતે કરાર થયો.
 
આ સિવાય ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા રાજસ્થાન, ગુજરાત અને જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલી છે.
 
સિયાચીન ગ્લૅશિયર : એક્ચ્યુઅલ ગ્રાઉન્ડ પૉઝિશન લાઇન
 
સિયાચીન ગ્લૅશિયરના વિસ્તારમાં ભારત-પાકિસ્તાનની સ્થિતિ 'એક્ચ્યુઅલ ગ્રાઉન્ડ પૉઝિશન લાઇન'થી નક્કી થાય છે. 126.2 કિલોમીટર લાંબી 'એક્ચ્યુઅલ ગ્રાઉન્ડ પૉઝિશન લાઇન'ની દેખરેખ ભારતીય સેના કરે છે. 80ના દાયકાથી સૌથી ભીષણ સંઘર્ષ સિયાચીન ગ્લૅશિયરમાં ચાલી રહ્યો છે. શિમલા કરાર સમયે ભારત કે પાકિસ્તાને, કોઈએ પણ ગ્લૅશિયરની સીમા નક્કી કરવાનો આગ્રહ નહોતો કર્યો.
 
કેટલાક વિશ્લેષકોનું કહેવું છે કે કદાચ તેનું કારણ એ હતું કે બંને દેશોએ આ ભયાનક વિસ્તારને પોતાના નિયંત્રણમાં લેવાની જરૂર ન સમજી. કેટલાક એવું પણ કહે છે કે તેનો મતલબ એ થાય છે કે કાશ્મીરના એક ભાગ પર રેખાઓ ખેંચવી, જે ચીન પ્રશાસિત છે, પણ ભારત તેના પર દાવો કરતું આવ્યું છે.
 
ભારત-ભૂતાન સીમા
 
ભૂતાન સાથે જોડાયેલી ભારતની આંતરરાષ્ટ્રીય સીમા 699 કિલોમીટર લાંબી છે. સશસ્ત્ર સીમાબળ તેની સુરક્ષા કરે છે. ભારતનાં સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ અને પશ્ચિમ બંગાળની સીમા ભૂતાન સાથે જોડાયેલી છે.  ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમની સીમાઓ નેપાળ સાથે જોડાયેલી છે.
 
ભારત-નેપાળની આંતરરાષ્ટ્રીય સીમાની લંબાઈ 1751 કિલોમીટર છે અને તેની સુરક્ષા સશસ્ત્ર સીમાબળ પાસે છે. બંને દેશોની સરહદો મોટા ભાગે ખૂલી અને આડી-ત્રાંસી પણ છે.
 
જોકે હવે સીમા પર સુરક્ષા માટે વધુ સુરક્ષાબળોની તહેનાતી કરાઈ છે. મુશ્કેલી એ વાતે વધુ છે કે બંને દેશોનું સીમાંકન યોગ્ય રીતે થઈ શક્યું નથી. મહાકાલી (શારદા) અને ગંડક (નારાયણી) જેવી નદીઓ જે વિસ્તારમાં સીમાંકન કરે છે, ત્યાં ચોમાસાના દિવસોમાં આવનારા પૂરથી તસવીર બદલાઈ જાય છે.
 
નદીઓનું વહેણ પણ દર વર્ષે બદલાતું રહે છે. ઘણી જગ્યાએ તો સીમા નક્કી કરતાં જૂના થાંભલાઓ પણ છે. જોકે સ્થાનિક લોકો તેને નજરઅંદાજ કરે છે.
 
ભારત-મ્યાનમાર સીમા
 
મ્યાનમાર સાથે ભારતની 1643 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સીમા લાગે છે. તેમાં 171 કિલોમીટર લાંબી સીમા પર હદબંધીનું કામ થયું નથી.
મ્યાનમારની સીમાસુરક્ષાની જવાબદારી આસામ રાઇફલ્સ પાસે છે.
 
ભારત-બાંગ્લાદેશ સીમા
 
4096.7 કિલોમીટર લાંબી ભારત-બાંગ્લાદેશ સીમા પહાડો, મેદાનો, જંગલો અને નદીઓ પરથી પસાર થાય છે.આ સરહદી વિસ્તાર ગીચ વસતીવાળો છે અને તેની સુરક્ષાની જવાબદારી સીમાસુરક્ષાબળ (બીએસએફ) પાસે છે.ભારત-બાંગ્લાદેશ સીમા પર આંતરરાષ્ટ્રીય સીમાની અંદર માત્ર એક કિલોમીટર સુધીના વિસ્તારમાં બીએસએફ કાર્યવાહી કરી શકે છે. ત્યારબાદ સ્થાનિક પોલીસનું અધિકારક્ષેત્ર શરૂ થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

India Coronavirus Cases- કોરોના છેલ્લા 24 કલાકમાં 15,413 નવા કેસ નોંધાયા, કુલ સંખ્યા ચાર લાખ પાર થઈ