Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

પાકિસ્તાનના એ પાંચ વૈજ્ઞાનિકો જેમણે ફક્ત નવ મહિનામાં દેશને અંતરીક્ષશક્તિ બનાવી દીધો

પાકિસ્તાનના એ પાંચ વૈજ્ઞાનિકો જેમણે ફક્ત નવ મહિનામાં દેશને અંતરીક્ષશક્તિ બનાવી દીધો
, ગુરુવાર, 10 જૂન 2021 (12:32 IST)
આ સાતમી, જૂન, 1962ની વાત છે. પાકિસ્તાનની પાંચ યુવા વિજ્ઞાનીઓ ડૉક્ટર અબ્દુલ સલામ સાથે બલુચિસ્તાનના સોનમિયાનીના તટીય વિસ્તારમાં એકત્ર થયા હતા.
 
માર્ચ-1998માં બલુચિસ્તાનમાં કરવામાં આવેલા અણુધડાકાનાં 36 વર્ષ પહેલાંના એ દિવસે બલુચિસ્તાનની ધરતી પર જ એક વધુ વૈજ્ઞાનિક પ્રયોગ થવાનો હતો.
 
એ બધા વિજ્ઞાનીઓ પાકિસ્તાનના પહેલા રૉકેટને અંતરીક્ષમાં મોકલવાની તૈયારી કરી રહ્યા હતા.
 
સૂર્યાસ્ત થઈ ગયો હતો અને રાતના આઠ વાગવામાં સાત મિનિટ બાકી હતી ત્યારે કાઉન્ટડાઉન શરૂ થયું હતું.
 
થ્રી..ટુ..વન...
 
એ સાથે જ પાકિસ્તાનનું 'રહબર-એ-અવ્વલ' નામનું પહેલું રૉકેટ સફળતાપૂર્વક હવામાં લૉન્ચ થઈને તેના પછીનાં બીજાં રોકેટોનું માર્ગદર્શક બન્યું હતું.
 
માત્ર એટલું જ નહીં, એ લૉન્ચ સાથે પાકિસ્તાન મુસ્લિમજગત સહિતના દક્ષિણ એશિયામાં સફળ અંતરીક્ષ પ્રયોગ કરનારો પહેલો દેશ બન્યો હતો.
 
એ ઘટનાને હવે 59 વર્ષ થઈ ચુક્યાં છે, પણ એ પ્રોજેક્ટની ટીમના લીડર ડૉક્ટર તારિક મુસ્તફાને તે દિવસ આજે પણ, જાણે કે એ ઘટના ગઈ કાલે જ બની હોય તેમ યાદ છે.
 
એ પ્રોજેક્ટ કઈ રીતે શરૂ થયો હતો? પાકિસ્તાને તેનું લક્ષ્ય કેવી રીતે હાંસલ કર્યું હતું? એ દરમિયાન ડૉ. તારિક મુસ્તફાના વડપણ હેઠળની ટીમે કેવા-કેવા પડકારનો સામનો કરવો પડ્યો હતો? એ સવાલ મારા મનમાં હતા.
 
તેના જવાબ મેળવવા માટે હું છ દાયકા પછી એ ટીમના સભ્યોની શોધમાં નીકળ્યો હતો.
 
ડૉ. તારિક સ્મિત સાથે તેમના મજાકિયા, પરંતુ ગરિમાપૂર્ણ અંદાજમાં વાત કરતાં એ દિવસો વિશે જણાવી રહ્યા હતા ત્યારે આ અંતરીક્ષપ્રેમી પત્રકાર પોતે પણ એ દૌરમાં પહોંચી ગયો હોય એવું અનુભવવા લાગ્યો હતો.
 
અંતરીક્ષમાં યુદ્ધનું મેદાન
દ્વિતિય વિશ્વયુદ્ધ સમાપ્ત થઈ ગયું હતું. પૃથ્વીને બદલે અંતરીક્ષમાં યુદ્ધનું મેદાન સ્થાનાંતરિત થઈ ગયું હતું. યુદ્ધનું સ્વરૂપ પણ હથિયારો વડે એકમેકને નુકસાન કરવાને બદલે આર્થિક તથા વિજ્ઞાનના ક્ષેત્રમાં એકમેકથી આગળ વધવામાં બદલાઈ ગયું હતું.
 
અમેરિકા તથા રશિયા અંતરીક્ષની દોડમાં એકમેકને નીચા દેખાડવાના પ્રયાસ કરી રહ્યાં હતાં. રશિયા અંતરીક્ષમાં સૌથી પહેલાં માણસને મોકલવામાં સફળ કઈ રીતે થઈ ગયું તેનું અમેરિકાને આશ્ચર્ય હતું.
 
અમેરિકાના તત્કાલીન પ્રમુખ જૉન એફ. કૅનેડીએ અચાનક જાહેરાત કરી હતી કે અમેરિકા સાઠના દાયકાના અંત પહેલાં ચંદ્ર પર સમાનવ અવકાશયાન મોકલશે એટલું જ નહીં, પણ તેને સલામત રીતે પૃથ્વી પર પાછું પણ લાવશે.
 
ઍપોલો અંતરીક્ષ કાર્યક્રમની વ્યવસ્થાપક અમેરિકન અંતરીક્ષ એજન્સી નેશનલ ઍરોનોટિક્સ ઍન્ડ સ્પેસ ઍડમિનિસ્ટ્રેશન (નાસા) માટે તે એક મોટો પડકાર હતો અને એ માટે તેને અનેક આંકડા તથા વૈજ્ઞાનિક ડેટાની જરૂરી હતી. એ આંકડા તથા ડેટા એ સમયે નાસા પાસે ન હતા.
 
હિંદ મહાસાગર ઉપરના વાયુમંડળની સ્થિતિ વિશે પણ જાણવું નાસા માટે જરૂરી હતું અને એ માટે પ્રયાસ હાથ ધરવાનો નિર્ણય નાસાએ કર્યો ત્યારે પાકિસ્તાનનો સિતારો ચમકી ઉઠ્યો હતો.
 
1961માં પાકિસ્તાનના તત્કાલીન સૈન્યશાસક જનરલ અયુબ ખાન અમેરિકાની સત્તાવાર મુલાકાતે ગયા ત્યારે તેમના વૈજ્ઞાનિક સલાહકાર, નોબલ પુરસ્કાર વિજેતા ડૉ. અબ્દુલ સલામ પણ તેમની સાથે હતા.
 
એ દિવસોને યાદ કરતાં ડૉ. તારિક મુસ્તફાએ જણાવ્યું હતું કે તેઓ એ વખતે 'પાકિસ્તાન અણુ ઊર્જાપંચ' સાથે જોડાયેલા હતા અને અમેરિકામાં ટ્રેનિંગ લઈ રહ્યા હતા.
 
એ દરમિયાન જનરલ અયુબ ખાન અને ડૉ. અબ્દુલ સલામની અમેરિકા મુલાકાતને તેઓ એક સંયોગ ગણાવે છે. એ મુલાકાતને કારણે પાકિસ્તાન અંતરીક્ષ સ્પર્ધામાં તરત જ સામેલ થઈ ગયું હતું.
 
બીબીસીને આપેલી એક મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે અમેરિકામાં વસવાટ દરમિયાન એક દિવસ તેમને ડૉ. અબ્દુલ સલામનો ફોન આવ્યો હતો.
 
તેમણે ડૉ. તારિક મુસ્તફાએ કહ્યું હતું, "તારિક, સવારે વૉશિંગ્ટનમાં મહત્વની એક બેઠક છે અને તમારે ત્યાં પહોંચવાનું છે. તમે લિફ્ટમાં આવો કે પ્લેનમાં આવો તેનાથી મને કોઈ ફરક પડતો નથી. તમારે ત્યાં પહોંચી જવાનું છે. બસ."
 
બીજા દિવસે તેઓ ડૉ. અબ્દુલ સલામ સાથે વૉશિંગ્ટનમાં નાસાની ઓફિસે પહોંચ્યા હતા.
 
નાસાના અધિકારીઓએ પાકિસ્તાનના પ્રતિનિધિમંડળ સામે હિંદ મહાસાગર ઉપરના વાયુમંડળના ડેટા ઉપલબ્ધ ન હોવાની સમસ્યા રજૂ કરી હતી.
 
નાસાએ એવી દરખાસ્ત મૂકી હતી કે તે હિંદ મહાસાગરની આસપાસના દેશોને રૉકેટ ટેકનૉલૉજી આપવા તૈયાર છે, પણ શરત એ છે કે તે રૉકેટ વડે જે ડેટા પ્રાપ્ત થશે તે ડેટા સંબંધિત દેશો નાસા સાથે શૅર કરવો પડશે.
 
આ દરખાસ્ત સાંભળીને ડૉ. અબ્દુલ સલામે ડૉ. તારિક મુસ્તફા તરફ ફરીને પંજાબી ભાષામાં સવાલ કર્યો હતો કે "તારિક, તેરા કી ખ્યાલ એ?" (તારિક, તું શું માને છે?)
 
ડૉ. તારિકે તેમને તરત જ પંજાબીમાં જવાબ આપ્યો હતો કે "એહ તો સાડ્ડા ખ્વાબ પૂરા હો જાવેગા." (આપણું તો સપનું સાકાર થઈ જશે)
 
પંજાબી ભાષામાં થતી વાતચીત નાસાના અધિકારીઓ સમજી શક્યા ન હતા, પણ તેમણે બન્નેના મૂડ પરથી અનુમાન કરતાં ડૉ. અબ્દુલ સલામને કહ્યું હતું કે "યંગ મૅન ઈઝ વૅરી કીન." (આ જુવાન બહુ ઉત્સાહિત જણાય છે)
 
નાસાના અધિકારીઓએ ડૉ. તારિક મુસ્તફાને એ જ દિવસે એક ખાસ વિમાન મારફત અમેરિકાના બીજા ખૂણે ઍટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલી વાલ્પ્સ આઈલૅન્ડ રૉકેટ રેન્જ પર મોકલી આપ્યા હતા.
 
વાલ્પ્સ આઈલૅન્ડ રૉકેટ રેન્જ પર ડૉ. તારિકને તમામ ઉપકરણ તથા માલસામાન વિશે માહિતી આપવામાં આવી હતી.
 
ડૉ. તારિક મુસ્તફાએ આખી રાત બેસીને પોતાના રિપોર્ટનું સંકલન કર્યું હતું અને બીજા દિવસે રિપોર્ટ લઈને ડૉ. અબ્દુલ સલામ સાથે નાસાની વૉશિંગ્ટન ખાતેની ઑફિસે પહોંચ્યા હતા.
 
નાસાના અધિકારીઓએ તેમને જણાવ્યું હતું કે તમે તૈયાર હો તો અમે આ પ્રોગ્રામ શરૂ કરવા તૈયાર છીએ.
 
નાસામાંની એ બેઠકના માત્ર નવ મહિના પછી જ પાકિસ્તાનના સોનમિયાનીમાં રૉકેટ રેન્જનું નિર્માણ કરવામાં આવ્યું હતું એટલું જ નહીં, પણ રહબર સિરીઝનાં પ્રારંભિક રૉકેટો પણ લૉન્ચ કરવામાં આવ્યાં હતાં.
 
 
પ્રોજેક્ટ માટે ટીમના રચના અને રૉકેટ રેન્જની સ્થાપના
ટીમ બનાવવાનું કામ ડૉ. તારિક મુસ્તફાને સોંપવામાં આવ્યું હતું.
 
ડૉ. સલીમ મહેમૂદ (જેઓ બાદમાં સ્પેસ ઍન્ડ અપર ઍટમોસ્ફીયર રિસર્ચ કમિશન (સ્પાર્કો)ના અધ્યક્ષ બન્યા હતા) પણ અમેરિકામાં ટ્રેનિંગ લઈ રહ્યા હતા.
 
વધુ ત્રણ વિજ્ઞાની અહમદ જમીર ફારુકી (પાકિસ્તાન ઍરફૉર્સ) મહમદ રહમતુલ્લાહ (હવામાનવિભાગના નાયબ નિયામક) અને સિકંદર જમાન (જેઓ બાદમાં સ્પાર્કોના અધ્યક્ષ બન્યા હતા)ને પણ અમેરિકા બોલાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ નાનકડી ટીમ પોતાના કામમાં ગૂંથાઈ ગઈ હતી.
 
પહેલા તબક્કામાં પાકિસ્તાનમાં એક રૉકેટ રેન્જની સ્થાપના કરવાની હતી. એ વખતે પાકિસ્તાનમાં કોઈ રૉકેટ રેન્જ ન હતી.
 
રાષ્ટ્રપતિ જનરલ અયૂબ ખાને સૂચન કર્યું હતું કે રૉકેટ રેન્જ માટે સોનમિયાની ખાતેની આર્મી આર્ટિલરી રેન્જનો ઉપયોગ જરૂર કરી શકાય, કારણ કે ત્યાં લોકોના રહેવાની તથા અન્ય વ્યવસ્થા અગાઉથી જ ઉપલબ્ધ હતી.
 
રાષ્ટ્રપતિના સૂચનને સ્વીકારી લેવામાં આવ્યું હતું અને તે આર્ટિલરી રેન્જને પાકિસ્તાનની પહેલી રૉકેટ રેન્જમાં પરિવર્તિત કરવાનું કામ તત્કાળ શરૂ કરવામાં આવ્યું હતું.
 
એ કામ માટે પાકિસ્તાની વિજ્ઞાનીઓને અમેરિકામાં ટ્રેનિંગ આપવામાં આવી હતી અને નાસા તરફથી જરૂરી માલસામાન ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો.
 
છ મહિનામાં નાસાના ડૅપોમાં અમેરિકન સૈન્યનાં ઉપકરણોમાંથી રૉકેટે લૉન્ચ કરવા માટે જરૂરી સામાન શોધી કાઢવામાં આવ્યો હતો અને એ બધો સામાન અમેરિકાની વાલપ્સ આઈલેન્ડ રૉકેટ રેન્જમાં એકઠો કરવામાં આવ્યો હતો.
 
એ પછી પાકિસ્તાની દૂતાવાસના નાણાકીય સલાહકાર વઝીર અલી શેખને તે સામાન પાકિસ્તાન પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
 
એ સામાનમાં જે સંવેદનશીલ ઉપકરણ હતાં તેને ડૉ. તારિક મુસ્તફાની કારની ડિક્કીમાં રાખવામાં આવ્યાં હતાં અને એ કારને પાકિસ્તાન મોકલી આપવામાં આવી હતી.
 
માર્ચ-1962 સુધીમાં બધો સામાન પાકિસ્તાન પહોંચી ગયો હતો.
 
સામાન પહોંચ્યો ત્યાં સુધીમાં રૉકેટ લૉન્ચની જવાબદારી જેમને સોંપવામાં આવી હતી એ ટીમે પાકિસ્તાની સૈન્યના ઇજનેરીવિભાગની મદદ વડે આર્ટિલરી રેન્જને રૉકેટ લૉન્ચ માટે તૈયાર કરી લીધી હતી.
 
શું પ્રયોગ કરવાનો હતો?
પ્રયોગ એ કરવાનો હતો કે રૉકેટ મારફત જમીનથી 50થી 100 માઈલની ઊંચાઈ પર સોડિયમની વરાળ છોડવાની હતી, જેને સૂર્યાસ્ત પછી ક્ષિતિજથી નીચે આવનારાં સૂર્યનાં કિરણો વડે પ્રતિબિંબિત થવાનું હતું.
 
પાકિસ્તાનના ભોલાડી, લાસબેલા હબ અને કરાચી ઍરપૉર્ટ પર કૅમેરા લગાવવામાં આવ્યા હતા. એ કૅમેરાઓ મારફત સોડિયમની વરાળના ફોટોગ્રાફ દરેક સેકન્ડે ઝડપવાના હતા.
 
એ પ્રયોગ માટે પાકિસ્તાન ઍરફૉર્સનાં વિમાનોમાં વાપરવામાં આવતા જાસૂસી કૅમેરા જમીન પર લગાવવામાં આવ્યા હતા.
 
એ કૅમેરાઓને એકમેકની સાથે સાંકળીને એક જ સમયે ફોટોગ્રાફ ઝડપવાનું શક્ય બન્યું હતું. ઍરફૉર્સના અહમદ ઝમીર ફારુકીને ટીમમાં આ કારણસર જ સામેલ કરવામાં આવ્યા હતા.
 
વરાળના તે ફોટોગ્રાફનું વિશ્લેષણ કમ્પ્યુટરની મદદ લીધા વિના લાંબી ગણતરી મારફત કરવાનું હતું.
 
એમ કરવાથી વાયુમંડળના તાપમાન અને ત્યાંની હવાની દિશાની જાણકારી મળવાની હતી. એ જાણકારીની નાસાના ઍપોલો કાર્યક્રમ માટે જરૂર હતી.
 
વિજ્ઞાનીઓની ટીમના સભ્ય અને બાદમાં પાકિસ્તાનના સ્પાર્કોના અધ્યક્ષ બનેલા ડૉ. સલીમ મહેમૂદે બીબીસીને જણાવ્યું હતું કે એ દિવસોમાં ટીમમાં બેચેની, ઉત્સાહ, ઝનૂન અને ખુશીની લાગણીનું એક મિશ્રણ જોવા મળતું હતું.
 
તેમણે જણાવ્યું હતું કે 'રહબર -એ- અવ્વલ' રૉકેટ ત્રણ તબક્કાવાળું રૉકેટ હતું.
 
પ્રત્યેક તબક્કાના સફળ પરીક્ષણ પછી ટીમને ખુશી પણ થતી હતી અને એ વાતની ચિંતા પણ થતી હતી કે આગામી તબક્કો કેવો રહેશે. એ પ્રયોગ સફળ થયો હતો.
 
એ રાતે બધા વિજ્ઞાનીઓ ઊંઘ્યા હતા કે નહીં, એવો સવાલ સાંભળીને ડૉ. સલીમ મહેમૂદ હસી પડ્યા હતા.
 
તેમણે કહ્યું હતું કે "એ રાતે અમે બધા વહેલા ઊંઘી ગયા હતા, કારણ કે રૉકેટ લૉન્ચ પછીના ચાર દિવસ પછી જ અમારે બીજું રૉકેટ લૉન્ચ કરવાનું હતું."
 
રેન્જની મુશ્કેલ પરિસ્થિતીની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે રૉકેટ રેન્જ મુશ્કેલ જગ્યા હતી. ત્યાં જોરદાર ગરમી સાથે સાપ અને વિંછીનો સામનો પણ કરવો પડતો હતો.
 
એક દિવસ તેઓ કંટ્રોલ રૂમમાં દાખલ થયા ત્યારે સામેના ટેબલ ઉપર એક સાપ અડ્ડો જમાવીને પહેલેથી બેઠો હતો. ચારેય ટીમો કંટ્રોલ રૂમમાંથી બહાર નીકળી ગઈ હતી અને સંબંધિત લોકોને બોલાવીને સાપને બહાર કાઢવામાં આવ્યો હતો.
 
જોકે, આવી અનેક મુશ્કેલી છતાં કામ ચાલુ રહ્યું હતું અને પ્રયોગ સફળ થયો હતો.
 
નાસાની જરૂરિયાત સંતોષાઈ હતી. પાકિસ્તાને નાસાની દરખાસ્તનો લાભ લીધો હતો અને અંતરીક્ષ તરફ આગેકદમની સ્પર્ધામાં પોતાને એશિયાનો અગ્રણી દેશ સાબિત કર્યો હતો.
 
પોતાના દેશમાં જ રૉકેટોનું નિર્માણ
અમેરિકાએ 'રહબર- એ- અવ્વલ' રૉકેટ લૉન્ચ કરવા માટે ટેકો અને ઉપકરણ આપ્યાં હતાં, પણ એ પછી પાકિસ્તાનના વિજ્ઞાનીઓએ રૉકેટોનું ઉત્પાદન ઘરઆંગણે જ કરવાનો વિચાર કર્યો હતો.
 
એ સ્મૃતિને સંભારતાં ડૉ. તારિક મુસ્તફાએ જણાવ્યું હતું કે અમેરિકા તો પાકિસ્તાનને મફતમાં રૉકેટ આપવા તૈયાર હતું, પણ પાકિસ્તાન પોતાનાં રોકેટો જાતે બનાવવા ઈચ્છતું હતું.
 
પરિણામે જાપાન તથા ફ્રાન્સમાં સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું અને આખરે ફ્રાન્સની ટેકનૉલૉજી પાકિસ્તાનને વધુ યોગ્ય લાગી હતી.
 
ફ્રાન્સ પાસેથી ટેકનૉલૉજી મેળવવા માટે પાકિસ્તાનના વિજ્ઞાનીઓએ ફ્રેન્ચ ભાષા શીખી હતી અને ખાસ કરીને કરાચી તથા ફ્રાન્સમાં કોર્સ કરાવવામાં આવ્યા હતા, જેથી તેઓ ફ્રાન્સના એન્જિનિયરો સાથે વાત કરીને ટેકનૉલૉજી બરાબર સમજી શકે.
 
એ પછી કરાચીના માડીપુરમાં રૉકેટનિર્માણનો પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો. એ પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવેલાં રૉકેટો વડે પાકિસ્તાને 1969માં પ્રયોગ શરૂ કર્યા હતા. તે શાહપુર સરીઝના નામે ઓળખાય છે.
 
પ્રયોગ શરૂ કરવામાં આવ્યા પછી શું થયું?
સવાલ એ છે કે એ પછીનાં વર્ષોમાં પાકિસ્તાન અંતરીક્ષમાં આગેકદમની સ્પર્ધામાં આટલું પાછળ કેમ રહી ગયું?
 
પાકિસ્તાને તાજેતરનાં વર્ષોમાં ચીનની મદદ વડે અનેક સેટેલાઈટ્સ લૉન્ચ કર્યા છે.
 
જે દેશ પોતાનાં રૉકેટ લૉન્ચ કરી રહ્યો હતો એ દેશ સેટેલાઈટ લૉન્ચ કરવા માટે ચીન પર નિર્ભર શા માટે છે, જ્યારે તેનો પાડોશી દેશ ભારત ચંદ્ર અને મંગળ પર તેનાં અંતરીક્ષ મિશન મોકલી રહ્યો છે?
 
આ સવાલના જવાબમાં ડૉ. તારિક મુસ્તફાએ એવું જણાવ્યું હતું કે સ્પાર્કોને પૂરતા પ્રમાણમાં સંસાધનો ફાળવવામાં આવ્યાં નથી અને પાકિસ્તાનનું ધ્યાન કેટલાક કારણોસર સંરક્ષણ તરફ વધારે રહ્યું છે.
 
ડૉ. તારિક મુસ્તફા પોતે સંરક્ષણ ઉત્પાદન વિભાગના સચિવ તરીકે ફરજ બજાવી ચુક્યા છે. તેઓ 1994માં પાકિસ્તાન સરકારની સેવામાંથી નિવૃત્ત થયા હતા.
 
1971ના યુદ્ધમાં રડાર ટેકનૉલૉજીની મદદ વડે ભારતીય વિમાનોને થાપ આપીને પાકિસ્તાની વિમાનોનું રક્ષણ કરવા બદલ તેમને અને ડૉ. સલીમ મહેમૂદને નૌકાદળના માનદ કમાન્ડર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.
 
ડૉ. તારિક મુસ્તફાના જણાવ્યા મુજબ, નાસાની જરૂરિયાતને કારણે સર્જાયેલી તકનો લાભ લઈને પાકિસ્તાન અંતરીક્ષમાં આગેકદમની સ્પર્ધામાં સામેલ તો થઈ ગયું હતું, પણ પાકિસ્તાન પાસે એવું કોઈ વિઝન ન હતું કે તેણે ઉપરી વાયુમંડળ પછી ઔપચારિક રીતે અંતરીક્ષમાં પણ પગલું માંડવાનું છે.
 
તેમણે કહ્યું હતું કે આ સંદર્ભે ભારત પાસે વધુ પ્રમાણમાં નાણાકીય સંસાધન, વૈજ્ઞાનિક દિમાગ અને સુવિધાઓ ઉપલબ્ધ હતી, જેને કારણે આજે ભારત મોખરાના તબક્કે પહોંચ્યું છે.
 
બીજી તરફ ડૉ. સલીમ મહેમૂદ માને છે કે આ સંદર્ભમાં ભારત અને પાકિસ્તાનની તુલના કરવી જોઈએ નહીં.
 
તેમના જણાવ્યા મુજબ, પાકિસ્તાનની પોતાની રાષ્ટ્રીય અગ્રતા છે. તેથી પાકિસ્તાન હવે રૉકેટ લૉન્ચિંગ ટેકનૉલૉજી વિકસાવવા માટે પૈસા ખર્ચવાનું જોખમ લઈ શકે તેમ નથી.
 
ડૉ. સલીમ મહેમૂદનું કહેવું છે કે ઉપલબ્ધ સંસાધનોની મદદ વડે સ્પાર્કોએ જળવાયુ પરિવર્તન, જંગલની કાપણી, પર્યાવરણ, પ્રદૂષણ, પ્રાકૃતિક સ્રોતો અને જળસ્રોત પર નજર રાખવા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વધારે ધ્યાન કેન્દ્રીત કર્યું છે. એ માટે સ્પાર્કોની ટેકનૉલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
 
ડિસેમ્બર-1979માં સ્પાર્કો એક કમિટી હતું ત્યારે ડૉ. સલીમ મહેમૂદ તેના ઍક્ઝિક્યૂટિવ ડિરેક્ટર હતા અને પૂરતા પ્રમાણમાં ધન ઉપલબ્ધ ન કરાવવામાં આવતું હોવાને કારણે તેમણે સ્પાર્કો છોડી દીધું હતું.
 
તેમના જણાવ્યા મુજબ, એ પછીના વર્ષે જનરલ ઝિયા-ઉલ-હકે તેમને ફરી સ્પાર્કોમાં જોડાવાનો આગ્રહ કર્યો હતો.
 
ડૉ. સલીમ મહેમૂદના કહેવા મુજબ, એ વખતે તેમણે જનરલ ઝિયા સમક્ષ ફંડ, રિસોર્સિસ અને સ્પાર્કોનો દરજ્જો વધારીને તેને એક પંચ બનાવવાની દરખાસ્ત મૂકી હતી. એ દરખાસ્તને જનરલ ઝિયાએ સંપૂર્ણપણે માન્ય રાખી હતી.
 
ડૉ. સલીમ મહેમૂદ 1980ની 15 ડિસેમ્બરથી સ્પાર્કોમાં ચીફ ઍક્ઝિક્યૂટિવ ઑફિસર તરીકે જોડાયા હતા અને એપ્રિલ-1981માં સ્પાર્કોને કમિશનનો દરજ્જો આપવામાં આવ્યો ત્યારે તેના સૌપ્રથમ અધ્યક્ષ તરીકેનો પદભાર પણ તેમણે સંભાળ્યો હતો.
 
સ્પાર્કોના ભૂતપૂર્વ અધ્યક્ષ તરીકે તેમનું કહેવું છે કે જનરલ ઝિયા-ઉલ-હકને પોતાને અંતરીક્ષ સંશોધનમાં વ્યક્તિગત રીતે રસ હતો. તેમના કાર્યકાળ દરમિયાન સ્પાર્કોએ ધન અને બીજાં સંસાધનોની ખોટ ક્યારેય અનુભવી નહોતી.
 
તેમના જણાવ્યા મુજબ, એ પછીનાં વર્ષોમાં પરિસ્થિતિ એવી રહી ન હતી.
 
તેમણે કહ્યું હતું કે "દેશનો સૌપ્રથમ અંતરીક્ષ પ્રોજેક્ટ દ્રઢતાભર્યો અને જોશભર્યો હતો. તેને આગળ વધારવા માટે સતત કામ કરવાની જરૂર હતી, પણ પછીનાં વર્ષોમાં એ કામ ઝડપભેર થયું નહીં. જોકે, કામનો પાયો સાબૂત રાખવામાં આવ્યો હતો."
 
બીબીસીએ સ્પાર્કોના વર્તમાન વહીવટકર્તાઓને પણ આ સવાલ ઈ-મેઈલના માધ્યમથી પૂછ્યા હતા, પરંતુ સ્પાર્કો તરફથી ક્યારેય કોઈ પ્રતિભાવ સાંપડ્યો નથી.
 
ઉસ્માની સલામ બ્રધર્સ'
ડૉ. અબ્દુલ સલામ વિશે વાત કરતાં ડૉ. તારિક મુસ્તફાએ કહ્યું હતું કે તેઓ પોતે એક થિયોરેટિકિલ વિજ્ઞાની હતા, એન્જિનિયર નહોતા. તેથી સમગ્ર કાર્યક્રમમાં તેમની ભૂમિકા ઉપરછલ્લી રહી હતી.
 
તેમાં આંતરરાષ્ટ્રીય સમન્વયનો પણ સમાવેશ થતો હતો, કારણ કે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે વિખ્યાત હસ્તી હતા.
 
ડૉ. અબ્દુલ સલામને પણ બાદમાં સ્પાર્કોના માનદ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. એ સમયે ડૉ. ઈશરત હુસેન ઉસ્માની પાકિસ્તાન ઍટમિક એનર્જી કમિશનના અધ્યક્ષ હતા.
 
ડૉ. તારિકના જણાવ્યા મુજબ, વૈજ્ઞાનિક વિકાસના સંદર્ભમાં ડૉ. અબ્દુલ સલામ અને ડૉ. ઈશરત ઉસ્માની વચ્ચે એટલો મજબૂત તાલમેલ હતો કે લોકો તેમને 'ઉસ્માની સલામ બ્રધર્સ' કહેતા હતા.
 
પાકિસ્તાનના રૉકેટ મિશનમાં ડૉ. ઈશરત હુસેન ઉસ્માનીની ભૂમિકાની ચર્ચા પાકિસ્તાનમાં બહુ ઓછી થાય છે.
 
ડૉ. તારિકે જણાવ્યું હતું કે ડૉ. ઈશરત હુસેન ઉસ્માનીએ વહીવટી સ્વરૂપમાં સમગ્ર કાર્યક્રમમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
 
તેઓ કહેતા કે "તમે આઈડિયા લઈને આવો. અમલદારોને બૉટલમાં ઉતારવાનું (ફંડ લાવવાનું) કામ મારું છે."
 
એક દિલચસ્પ ઘટનાની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે કરાચીમાં ડ્રગ રોડ પર ડૉ. ઉસ્માનીને નવી ઓફિસ આપવામાં આવી ત્યારે એવું સૂચન કરવામાં આવ્યું હતું કે ઓફિસનું પાર્કિંગ પાછળના ભાગમાં બનાવવું જોઈએ.
 
ડૉ. ઉસ્માનીનો આગ્રહ એવો હતો કે પાર્કિંગ રસ્તાના કિનારે જ હોવું જોઈએ, જેથી આવતા-જતા તમામ લોકોની નજર ચમકતી મોટરકારો પર પડે. લોકોના મનમાં અણુ ઊર્જા વિભાગની એક આધુનિક ઈમેજ બને અને કોઈ તેને મહત્વહીન વિભાગ ન સમજે.
 
તેમના કહેવા મુજબ, ડૉ. ઉસ્માનીની દલીલ એવી હતી કે પાકિસ્તાનમાં લોકો દેખાડાથી વધુ પ્રભાવિત થાય છે.
 
તેથી વૈજ્ઞાનિક કામગીરી સાથોસાથ ચમકદમક પણ હોવી જોઈએ, જેથી કામમાં કોઈ આર્થિક મુશ્કેલી ન સર્જાય.
 
તમે લોકો માણસ હતા કે જીન?"
આ કાર્યક્રમમાં અમેરિકાની સહાય પણ સામેલ હતી તેનો ઈનકાર કરી શકાય નહીં, પણ સમગ્ર કામગીરી પાકિસ્તાનના વિજ્ઞાનીઓએ વિક્રમસર્જક સમયમાં કરી દેખાડી હતી.
 
ટીમોની રચના કરવામાં આવી હતી. વૈજ્ઞાનિક દિમાગોને એકઠાં કરવામાં આવ્યાં હતાં અને એ બધા પાસેથી તેમના ક્ષેત્ર અને વિશેષતા મુજબ મદદ લેવામાં આવી હતી.
 
પાકિસ્તાનના વિજ્ઞાનીઓએ બલૂચિસ્તાનની ભીષણ ગરમીમાં દિવસ-રાત કામ કર્યું હતું, કારણ કે બધાના દિમાગમાં માત્ર એક જ ધૂન હતી કે પાકિસ્તાનના રૉકેટ પ્રયોગને સફળ બનાવવાનો છે.
 
ડૉ. તારિકે હસતાં-હસતાં કહ્યું હતું કે "પ્રયોગની સફળતા સફળતા પછી સોનમિયાનીની આર્ટિલરી રેન્જના પ્રભારી મેજર બાદશાહે મને કહેલું કે યાર, તમે લોકોએ અહીં જે કામ કર્યું છે તેનાથી અમે તો આશ્ચર્યચકિત થઈ ગયા છીએ."
 
"એક દિવસ અમને જણાવવામાં આવ્યું હતું કે પરમાણુ ઊર્જાવાળા કેટલાક છોકરાઓ અહીં આવીને કશુંક કરવા માગે છે અને થોડા મહિના પછી અમને ખબર પડી હતી કે અહીંથી રૉકેટ લૉન્ચ થવાનાં છે. મને એ કહો કે તમે માણસ હતા કે જીન (ભૂત)?"
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં સોમનાથ, દ્વારકા, પાવાગઢ, ચોટીલા, વડતાલ, સંતરામ મંદિર 11મીથી, અંબાજી મંદિર 12મીથી ખૂલશે