સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓમાં કોરોના સંક્રમણને લઈને ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. અન્ય રાજ્યના લોકોમાં પણ હવે ધીરે ધીરે લોકડાઉનને લઈને ભયનો માહોલ દેખાઈ રહ્યો છે. સુરતથી જતી ટ્રાવેલ્સમાં ધસારો જોવા મળી રહ્યો છે. સુરતમાં રોજના વધતા કેસોને કારણે આગામી દિવસોમાં સ્થિતિ વધુ વણસી શકે છે. આ પ્રકારનો ભય લોકોમાં દેખાઈ રહ્યો છે. જેના કારણે હવે લોકો પોતાના માદરે વતન જવા તરફ ધીરે-ધીરે શરૂઆત કરી દીધી છે.
કોરોના સંક્રમણના કારણે સુરતમાં કોરોના પોઝિટિવની સંખ્યા એટલી હદે વધી રહી છે કે, હવે સુરત શહેરની તમામ ખાનગી હોસ્પિટલોમાં બેડ ફુલ થઇ ગયા છે. સિવિલ હોસ્પિટલોમાં પણ વેન્ટિલેટર ઉપલબ્ધ થશે કે કેમ તે એક હવે મોટો પ્રશ્ન છે. માત્ર સુરતમાં જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં વિશેષ કરીને અમદાવાદની સ્થિતિ પણ હાલ નિયંત્રણ બહાર જતી હોય તેવું લાગે છે. પરિણામે લોકોને હવે લોકડાઉન સરકાર લાગુ કરશે જ એ પ્રકારની વિચારસણી દેખાઈ રહી છે. ભલે સરકાર લોકડાઉન નહીં કરે એ પ્રકારની વાત કરી રહી છે, પણ લોકોને સરકારના નિવેદનોમાં હવે ઓછો વિશ્વાસ દેખાઈ રહ્યો છે.સુરતના કતારગામ, વરાછા, યોગીચોક, સરસાણા જેવા વિસ્તારમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો લાખોની સંખ્યામાં રહે છે. આ લોકોને હવે એ પ્રકારનો ભય સતાવી રહ્યો છે કે, મહારાષ્ટ્રની જેમ શરૂઆતના તબક્કામાં શનિ અને રવિવારે લોકડાઉન લાદવામાં આવશે અને ત્યારબાદ તે લોકડાઉનને વધારે લંબાવી દેવામાં આવશે. હાઇકોર્ટ દ્વારા પણ સરકારને જે નિર્દેશ થયા છે, ત્યારબાદ જો કેસની સંખ્યા સતત વધતી જશે તો ફરી એકવાર લોકડાઉન કરવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.