International Nurses Day- ભારત દેશ એ એકતા અને સર્વ ધર્મ સમભાવ માટે જાણિતો છે. અહીં વિવિધ ધર્મના લોકો રહે છે. અને વિવિધ કામો સાથે સંકળેલા છે. ભારત દરેક તહેવારો ઉજવવામાં આવે છે. ત્યારે વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને પ્રોત્સાહિત કરવા અને તેમનો ઉત્સાહ વધારવા માટે વિવિધ ડેની ઉજવણી કરવામાં આવે છે.
હવે ધીમે ધીમે ભારતમાં મધર્સ ડે, ફાધર્સ ડે, વેલેન્ટાઇન ડે, હગ ડે, રોઝ ડે જેવા વિવિધ ડે ઉજવવાનું પણ ચલણ શરૂ થયું છે. ભારતમાં હવે ડોક્ટર્સ ડે, વર્લ્ડ પ્રેસ ડે જેવા વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને આત્મવિશ્વાસ વધારવા માટે વિવિધ ડેની ઉજવણી કરવામાં આવે છે.
આજે આપણે વાત કરીશું એવા વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિઓની જેઓ જ્યારે જ્યારે દેશ પર કુદરતી આફત કે મહામારીનું સંકટ આવે છે ત્યારે રાત દિવસ જોયા વિના લોકોની સેવા કરે છે. તેમને ભગવાનનું બીજું રૂપ કહીએ તો પણ કંઇ ખોટું નથી.
આજે ૧૨ મે એટલે ઈન્ટરનેશનલ નર્સિસ ડે. જેનો સબંધ ૨૦૦ વર્ષ પૂર્વે ૧૨ મે,૧૮૨૦માં જન્મ લેનારી ફ્લોરેન્સ નાઈટિંગેલ સાથે સંકળાયેલો છે. જેમણે માનવ સેવાને નર્સિંગ સાથે જોડીને નર્સિંગને નવી ઓળખ અપાવી. ફ્લોરેન્સને લેડી વિથ લેમ્પ કહેવામાં આવે છે. બ્રિટિશ નર્સ ફ્લોરેન્સ દિવસ-રાત પોતાના દર્દીઓની દેખભાળ કરતી હતી.
આંતરરાષ્ટ્રીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા ફ્લોરેન્સના સન્માનમાં દર વર્ષે ૧૨ મે એ તેમનાને જન્મદિનને નર્સ દિવસ તરીકે મનાવાય છે. આટલું જ નહીં, નર્સિંગ ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર નર્સોને નાઈટિંગેલ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૦માં ઈન્ટરનેશનલ યર ઓફ નર્સ એન્ડ મિડવાઈફ તરીકે મનાવવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે અત્યારે જ્યારે દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે નર્સિંગ સ્ટાફનું વિશેષ યોગદાન રહ્યું છે. તેમણે રાત દિવસ જોયા વિના લોકોની સેવા કરી છે. લોકોને મોતના મુખમાંથી ઉગાર્યા છે. તેમણે કોરોના ફ્રન્ટ વોરિયર્સનું બિરૂદ પણ આપવામાં આવ્યું છે. નર્સિંગ સ્ટાફની બહેનો નારીશક્તિનું ઉત્તમ ઉદારહણ પૂરું પાડે છે. ઘર-પરિવારના સભ્યોના સહકાર અને સંમતિથી આ મહામારીમાં ફરજથી વિશેષ જીવના જોખમે માનવીય સેવાને પ્રાધાન્ય આપીને કર્મનિષ્ઠાનું અનેરૂ ઉદાહરણ પૂરૂં પાડી રહ્યાં છે.