Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

વડોદરા શહેર-જિલ્લામાં વરસાદી માહોલ, શાકભાજી સહિતના ખેતી પાકોને નુકસાન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા

વડોદરા શહેર-જિલ્લામાં વરસાદી માહોલ, શાકભાજી સહિતના ખેતી પાકોને નુકસાન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા
, બુધવાર, 1 ડિસેમ્બર 2021 (17:42 IST)
સમગ્ર ગુજરાત સાથે વડોદરા શહેર જિલ્લામાં વાતાવરણે કરવટ બદલી હતી. સવારથી ઝરમર વરસાદ સાથે શહેર અને જિલ્લામાં હિલ સ્ટેશન માહોલ થઇ ગયો છે. સુસવાટા મારતા ઠંડો પવન અને વરસાદના કારણે શહેરના માર્ગો ઉપર રેઇન કોટ અને સ્વેટર, જેકેટની જુગલબંધી જોવા મળી હતી. વરસાદી માહોલના પગલે સામાન્ય જનજીવન પર અસર પડી હતી. ઠંડીનો પારો વધીજતા દિવસે તાપણા જોવા મળ્યા હતા. 
 
 

હવામાન વિભાગ દ્વારા વરસાદની આપવામાં આવેલી આગાહી મુજબ શહેર અને જિલ્લામાં સવારથી કમોસમી ઝરમર વરસાદ શરૂ થયો હતો. કમોસમી વરસાદના પગલે શહેરમાં વેપાર ધંધા ઉપર અસર રહી હતી. જ્યારે જિલ્લામાં ધરતીપુત્રો શિયાળુ પાકને થયેલા નુકસાનથી ચિંતાતૂર થયા. ધાણા, બટાકા, લસણ, મેથી, ફ્લાવર, કેળ સહિતના પાકને નુકસાન થતાં ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે.
 
વડોદરા શહેરમાં સવારથી વરસાદી માહોલના કારણે ઝૂંપડાવાસીઓ અને ફૂટપાથવાસીઓની હાલત દયનીય બની ગઇ હતી. તો બીજી બાજુ ચ્હાની કીટલી તેમજ ભજીયા અને સેવ ઉસળની લારીઓ ઉપર તડકો રહ્યો હતો. 
 
ઠંડીનો પારો એકાએક નીચે ગગડી જતા લોકોએ બિનજરૂરી ઘરની બહાર જવાનું ટાળ્યું હતું અને ઘરના બારી, દરવાજા બંધ કરી ઘરમાં રહેવાનું પસંદ કર્યું હતું અને ઘરમાં હિટર અને તાપણું સળગાવી દિવસ પસાર કર્યો હતો. 
 
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે શહેરમાં આવતીકાલે પણ વરસાદી માહોલ રહેશે. કેટલાક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે, ત્યારે ખેડૂતો ચિંતાતૂર બની ગયા છે. કમોસમી વરસાદના કારણે શિયાળુ પાક, બાગાયતી પાક તેમજ શાકભાજી પાકને મોટું નુકસાન થવાની દહેશત સેવાઇ રહી છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

4 ડિસેમ્બરે નીરજ ચોપડા ગુજરાતની મુલાકાત લેશે, વિદ્યાર્થીઓને આપશે પ્રેરણાત્મક પ્રોત્સાહન