કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉત્તરાખંડથી દેશની નવી હેલી નીતિની જાહેરાત કરી છે. દેશમાં હેલી સેવા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સરકારે આ નીતિમાં 10 મુખ્ય મુદ્દાઓ પર ફોકસ કર્યું છે. ઇમરજન્સી હેલીકૉપ્ટર ચિકિત્સા સેવા માટે દેશમાં 3 એક્સપ્રેસ-વે વિકસિત કરવામાં આવશે. આ સિવાય 4 શહેરોમાં હેલી હબ બનાવવામાં આવશે. એર ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે વિમાન અને હેલી સેવાઓ માટે અલગ-અલગ રૂટ નક્કી કરાશે. દેશમાં ક્યારેય પણ હેલી સેવાઓ પર લેન્ડિંગ અને પાર્કિંગ ચાર્જ નહીં લગાવવામાં આવે.
જામનગરને આજે વધુ એક નવી ઉડાન મળી છે. જામનગરના વિકાસમાં વધુ એક મોરપંખનો ઉમેરો કરતાં ભારત સરકારની ઉડાન યોજના અંતર્ગત જામનગરથી આજે જામનગર-બેંગલુરુ અને જામનગર-હૈદરાબાદ વિમાની સેવાનો કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા વર્ચ્યુઅલી ફ્લેગ ઓફ કરાવી સેવાનો શુભારંભ કરાયો હતો.
આ તકે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુજરાત સાથેના પારિવારિક સંબંધોને યાદ કરી ગુજરાતને હવાઈ જોડાણનો વધુમાં વધુ લાભ મળે તે માટે ગુજરાત નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે ખાસ ચર્ચા પણ કરી હતી. જામનગરની પ્રમુખતા, જામનગરના ગર્વ સમાન હાલારી પાઘડી અને સંરક્ષણ દળ, ખાડી વિસ્તારમાં જામનગરની ભૌગોલિક પરિસ્થિતિ વગેરે બાબતે જામનગરની શાનને જણાવી જામનગર અને આસપાસના વિસ્તારને વધુ સારી એર કનેક્ટિવિટીનો લાભ મળશે તે માટે કટિબદ્ધતા દર્શાવી હતી. જામનગર એર એન્કલેવ માટે પણ ૧૩ કરોડની રાશિ આપવામાં આવી છે જેના થકી આધુનિક કામગીરી થઇ રહી છે.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉડાન યોજના દ્વારા ભારતના નાના શહેરોને એક નવી ઉડાન મળી છે તેમ કહી જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા ૨૦૨૪-૨૫ સુધીમાં નવા ૧૦૦૦ એર રૂટ અને નવા ૧૦૦ એરપોર્ટ બનાવવા નિશ્ચિત કરવામાં આવ્યું છે, જેમાંના ૩૬૩ રૂટ ચાલુ થઇ ચૂક્યા છે અને ૫૯ એરપોર્ટ બની ચૂક્યા છે ત્યારે આગામી લક્ષ્યમાં ગુજરાતને વધુ ૧૦ નવી ફ્લાઇટ મળી શકે છે જે અંગે ગુજરાત નાગરિક ઉડ્ડયન મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેને કેન્દ્રીય મંત્રીએ સકારાત્મક સંકેત આપ્યા છે.