ઉત્તરપ્રદેશમાં આજે ઓલ ઇન્ડિયા યુનાઇટેડ મુસ્લીમ મોર્ચાએ કહ્યું હતું કે દેશની સુરક્ષામાં જોડાયેલા લોકોનું નામ પ્રજ્ઞા સાધ્વી સાથે નીકળવું એ આતંકવાદનો સૌથી ખતરનાક ચહેરો છે. અને એનાથી પણ વધુ દુખદ વાત એ છે કે, દેશ ઉપર છ વર્ષ સુધી રાજ કરનાર ભારતીય જનતા પાર્ટી તેમને સમર્થન કરી રહી છે.
મુસ્લીમ મોર્ચાના અધ્યક્ષ એમ.એ.સિદ્દિકી, શિયા ધર્મ ગુરૂ કલ્યે જવ્વાદ તથા સુન્ની ધર્મ ગુરૂ સૈયદ મોહમ્મદ હાશિમીએ અહીંયા કહ્યું હતું કે, આતંકવાદી હુમલામાં સામેલ પ્રજ્ઞાસિંહ ઠાકુરની સાથે દેશની સુરક્ષામાં જોડાયેલા લોકો પણ સંકળાયેલા છે.
આ દેશની એકતા અને આઝાદી ઉપર ખતરા સમાન છે. અને એનાથી પણ વધુ ખતરનાક વાત એ છે કે, ભાજપ તથા શિવસેના પ્રજ્ઞાસિંહને આતંકવાદી માનવા તૈયાર નથી અને ખુલીને તેને સમર્થન કરી રહ્યા છે.
મુસ્લીમ નેતાઓએ કહ્યું હતું કે, તપાસથી એ સાબિત થઇ ચુક્યું છે કે, મહારાષ્ટ્રના માલેગાંવમાં સપ્ટેમ્બર 2006માં થયેલા બોમ્બ વિસ્ફોટમાં પ્રજ્ઞાસિંહનો હાથ છે. તેમણે કહ્યું કે ઇસ્લામમાં આતંકવાદને કોઇ સ્થાન નથી.