Publish Date: Fri, 06 Mar 2026 (16:45 IST)
Updated Date: Fri, 06 Mar 2026 (16:46 IST)
ટી20 વર્લ્ડકપ 2026ની ફાઈનલ મેચ પહેલા અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા શ્રુષ્ટિ લેવીઝ એપાર્ટમેન્ટમાં ચાલતા એક મોટા સટ્ટા રેકેટનો પર્દાફાશ થયો છે. આ દરોડા દરમિયાન પોલીસે બે મુખ્ય આરોપીઓ, વિજયકુમાર કારડાણી અને રમેશ ગોધાસરાની ધરપકડ કરી છે, જ્યારે સટ્ટો રમનારા અન્ય 46 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પોલીસની આ કાર્યવાહીમાં કુલ 3.43 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં 1.82 લાખ રૂપિયાની રોકડ રકમ સહિત 8 મોબાઈલ ફોન, 1 ટેબ્લેટ, 1 લેપટોપ અને એક ટીવીનો સમાવેશ થાય છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ માસ્ટર ID દ્વારા લાખો રૂપિયાનો સટ્ટો રમાડતા હતા અને આ આઈડીમાં કરોડો રૂપિયાનું બેલેન્સ હોવાનું પણ સામે આવ્યું છે.
આ સટ્ટા નેટવર્કની કામગીરી ઘણી ઊંડી છે, જેમાં વિદેશમાં બેઠેલા બુકીઓ દેશના વિવિધ શહેરોમાં પોતાના એજન્ટો દ્વારા માસ્ટર IDનો ઉપયોગ કરીને કરોડો-અબજોનો સટ્ટો રમાડે છે. પોલીસથી બચવા માટે સટ્ટાખોરો હવે નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે, જેમાં તેઓ કોઈ ફિક્સ જગ્યાને બદલે ચાલતી ગાડીઓમાં બેસીને સટ્ટાનું સંચાલન કરતા હોય છે.
અમદાવાદ સહિત સમગ્ર દેશમાં ફાઈનલ મેચને લઈને ભારે ઉત્સાહ છે, ત્યારે પોલીસે આવા ગેરકાયદેસર નેટવર્કને તોડવા માટે પોતાની સતર્કતા વધારી દીધી છે. નિકોલની આ ઘટના બાદ પોલીસ હવે વોન્ટેડ જાહેર કરાયેલા અન્ય આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી રહી છે.