World Cup 2023 Points Table: વર્લ્ડ કપ 2023ની 31મી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો વચ્ચે રમાઈ. પાકિસ્તાને આ મેચ એકતરફી જીતીને સેમીફાઈનલની રેસમાં પોતાની આશા જીવંત રાખી હતી. આ સાથે જ બાંગ્લાદેશની ટીમ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. બાંગ્લાદેશ 2023ના વર્લ્ડ કપમાંથી બહાર થનારી પ્રથમ ટીમ પણ બની ગઈ છે. સાથે જ , પોઈન્ટ ટેબલમાં પણ ઘણા ફેરફારો જોવા મળ્યા છે.
પાકિસ્તાનની જીત પછી Points Table ની હાલત
બાંગ્લાદેશને હરાવીને પાકિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં 7માથી 5મા સ્થાને પહોંચી ગઈ છે. તેમની પાસે હવે ત્રણ જીત સાથે 7 મેચમાંથી 6 પોઈન્ટ છે અને તેમનો નેટ રન રેટ પણ -0.024 છે. સાથે જ બાંગ્લાદેશને 7 મેચમાંથી છઠ્ઠી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે અને તે સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ ગયું છે. તેના 2 પોઈન્ટ છે અને નેટ રન રેટ પણ -1.446 છે. સાથે જ ઈંગ્લેન્ડની ટીમ હાલમાં બે પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે જ્યારે નેધરલેન્ડ અને બાંગ્લાદેશની ટીમ સાતમા અને આઠમા સ્થાને છે.
ટીમ ઈન્ડિયા ટોપ પર કાયમ
ટીમ ઈન્ડિયા 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર છે. ટીમ ઈન્ડિયાનો નેટ રન રેટ 1.405 છે. દક્ષિણ આફ્રિકાની ટીમ 10 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા 8-8 પોઈન્ટ સાથે ત્રીજા અને ચોથા સ્થાને છે. આ સાથે જ અફઘાનિસ્તાનની ટીમ 6 મેચમાં 6 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાન પર છે. નેટ રન રેટના કારણે તેઓ પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાન કરતા એક સ્થાન નીચે છે.
કેવી રહી પાકિસ્તાન-બાંગ્લાદેશની મેચ
આ મેચમાં બાંગ્લાદેશની ટીમ પ્રથમ બેટિંગ કરવા આવી હતી. પરંતુ શાહીન શાહ આફ્રિદીની આગેવાની હેઠળના ફાસ્ટ બોલિંગ આક્રમણને કારણે પાકિસ્તાને બાંગ્લાદેશને 45.1 ઓવરમાં 204 રનમાં ઓલઆઉટ કરી દીધું. આ મેચમાં પાકિસ્તાન તરફથી મોહમ્મદ વસીમ જુનિયર અને શાહીન આફ્રિદીએ 3-3 વિકેટ લીધી હતી જ્યારે હરિસ રઉફે 2 વિકેટ પોતાના નામે કરી હતી. ઈફ્તિખાર અહેમદ-ઉસામા મીરે પણ 1-1 વિકેટ લીધી હતી. 205 રનના ટાર્ગેટનો પીછો કરતા પાકિસ્તાને ફખર જમાન (81 રન) અને અબ્દુલ્લા શફીક (68 રન)ની શાનદાર બેટિંગના કારણે 3 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી.