પ્રેમની અભિવ્યકિતના દિવસ એટલે વેલેન્ટાઈન ડે. ૧૪મી ફેબ્રુઆરીના આડે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે યુવાધન વેલેન્ટાઈન ડેની ઉજવણીની તૈયારીઓમાં વ્યસ્ત બન્યું છે. ફેબ્રુઆરી મહિનામાં વિવિધ ડેની ઉજવણી હાલ ચાલી રહી છે. જેમ કે ૭ ફેબ્રુઆરી રોઝ ડે, ૮ ફેબ્રુઆરી પ્રપોઝ ડે, ૯ ફેબુ્રઆરી ચોકલેટ ડે, ૧૦ ફેબ્રુઆરી ટેડી ડે, ૧૧ ફેબ્રુઆરી પ્રોમીસ ડે, ૧૨ ફેબ્રુઆરી હગ ડે, ૧૩ ફેબ્રુઆરી કીસ ડે અને ૧૪મી ફ્રેબુઆરી એટલે વેલેન્ટડાઈન ડે. શહેર સહિત જિલ્લાભરની ગિફ્ટની દુકાનોમાં વેલેન્ટાઈન ડે તેમજ વિવિધ ડે નિમિત્તે અવનવા કાર્ડસ્ અને ગિફ્ટોનું વેચાણ થઈ રહ્યું છે. તો બીજી તરફ ફુલવાળા વેપારીઓએ પણ વિવિધ કલરનાં ગુલાબ તૈયાર કરવા માટે તૈયારીઓ આરંભી દીધી છે. જિલ્લાના યુવાધનમાં વેલેન્ટાઈન દિવસને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ભારત દેશમાં યુવાધન દ્વારા પશ્ચિમી સંસ્કૃતિનું આંધળુ અનુકરણ કરવામાં આવી રહ્યું છે. વિવિધ તહેવારો પહેરવેશ, રહેણી-કરણીની સાથે સાથે વિવિધ ડેની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. તેમાંય ખાસ કરીને વેલેન્ટાઈન ડે યુવાધનમાં ઘણો જ લોકપ્રિય બન્યો છે. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે ઉજવવામાં આવતા વેલેન્ટાઈન ડે પૂર્વેના સપ્તાહમાં વિવિધ ડેની ઉજવણી કરવામાં આવે છે. હાલ વિવિધ દિવસો જેમ કે રોઝ ડે, પ્રપોઝ ડે, ચોકલેટ ડેની ઉજવણી પાછળ યુુવાધને લાખ્ખો રૃપિયા ખર્ચી નાખ્યા હોવાનું જાણવા મળેલ છે. તેમજ આજે ટેડી ડે નિમિત્તે પણ બજારમાં ટેડીબીયરની ખરીદીમાં ઉછાળો જોવા મળ્યો હતો. ૧૪ ફેબ્રુઆરીના દિવસને પ્રેમીઓના દિવસ તરીકે પશ્ચિમના દેશોમાં ઉજવવામાં આવે છે. આ દિવસને વેલેન્ટાઈન ડે તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લા ઘણાં વર્ષોથી આપણા દેશમાં પણ આ દિવસને યુવાધન દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવે છે. જો કે કેટલોક વર્ગ એવો પણ છે કે જે આ પ્રકારના દિવસનો વિરોધ કરે છે.
શહેર સહિત જિલ્લાભરનું મોટાભાગનું યુવાધન વેલેન્ટાઈન ડે નજીક આવતા જ વિવિધ પ્રકારની ખરીદી અને આયોજનમાં વ્યસ્ત બન્યું છે. શહેરમાં આવેલી મોટાભાગની ગિફ્ટોની દુકાનમાં વિવિધ વેરાઈટીની ગિફ્ટો તેમજ કાર્ડસ્નો સ્ટોક આવી ગયો છે. આ દિવસે યુવક-યુવતીઓ એકબીજાને કાર્ડસ, ગિફ્ટ, ગુલાબ આપી વેલેન્ટાઈન ડેની ઉજવણી કરતા હોય છે. કેટલાક હોટલોમાં સ્પેશ્યલ પાર્ટીનું આયોજન કરતા હોય છે. તો કેટલાક આ દિવસે હરવા-ફરવા કે ફિલ્મ જોવાનું આયોજન કરતાં હોઈ શહેરના વિવિધ થીએટરમાં બુકીંગ શરૃ થઈ ગયા છે. તો કેટલાકે પાર્ટી માટે હોટલોમાં પણ બુકીંગ કરાવ્યું છે. વેલેન્ટાઈન ડે પર ગુલાબનું ખાસ મહત્વ છે. આ દિવસે એકબીજાને ગુલાબ આપવામાં આવે છે. જેમાં વિવિધ રંગના ગુલાબ નિશાની તરીકે આપવામાં આવે છે. જેથી ફુલોના વેપારીઓએ પણ ગુલાબની તંગી ન સર્જાય તે હેતુથી તૈયારીઓ આરંભી દીધી છે અને ઓર્ડર આપી દીધા છે. સામાન્ય દિવસોમાં નજીવી કિંમતે મળતા ગુલાબ વેલેન્ટાઈન ડેના દિવસે રૃા.૫૦ થી ૨૦૦ના ભાવે વેચાતા હોય છે. જો કે યુવાધન દ્વારા આ દિવસ પાછળ લાખ્ખો રૃપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે. જો કે ચાલુ વર્ષે ટેડીબીયર તેમજ ફોટોફ્રેમ જેવી ગીફ્ટ યુવાધનમાં પ્રિય રહી છે.
પશ્ચિમી સંસ્કૃતિમાં ફેબુ્રઆરી માસ દરમ્યાન ઉજવાતા દિવસોની ભારતમાં પણ યુવાધન દ્વારા ધામધુમપૂર્વક ઉજવણી થઈ રહી છે. છેલ્લા બે દિવસ એટલે કે ચોકલેટ ડે અને ટેડી ડેની ઉજવણી પાછળ યુવાધને લાખ્ખો રૃપિયા ખર્ચી નાખ્યા છે. ચોકલેટ ડે નિમિત્તે બજારમાં વિવિધ વેરાઈટીની ચોકલેટોની માંગ વધુ જોવા મળી હતી. જ્યારે આજે ટેડી ડે નિમિત્તે બજારમાં રૃા.૩૦૦ થી લઈને રૃા.૨૦૦૦ સુધીના ટેડીબીયરની ખરીદી યુવાધન દ્વારા કરાઈ હતી.