Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાતના ક્રિકેટરો અને કુસ્તીબાજ સંગ્રામસિંહ ફ્રન્ટલાઇન વોરિયર્સનો જુસ્સો વધારવા અભિયાન ચલાવશે

ગુજરાતના ક્રિકેટરો અને કુસ્તીબાજ સંગ્રામસિંહ ફ્રન્ટલાઇન વોરિયર્સનો જુસ્સો વધારવા અભિયાન ચલાવશે
, મંગળવાર, 20 એપ્રિલ 2021 (06:16 IST)
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરણાથી દિવસ રાત અવિરત ફરજ બજાવતા ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સના પરિવારજનોને સહાયભૂત થવાના ઉદ્દેશથી ગુજરાત રાજભવન “કોરોના સેવાયજ્ઞ” અભિયાનનું મુખ્યમથક બન્યું છે. ગુજરાતની યુવા અનસ્ટોપેબલ સંસ્થાના સહયોગથી ગુજરાત રાજભવન ખાતે “કોરોના સેવાયજ્ઞ” અભિયાનનો પ્રારંભ કરાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે, કોરોના સંક્રમિતોની દિવસ – રાત સેવા કરતા ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સની કામગીરી ખરા અર્થમાં અભિનંદનને પાત્ર છે. 
 
તેમના પરિવારજનોને  સહાયભૂત થવાના ઉદ્દેશથી રાજભવન ખાતેથીઆ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ સેવાયજ્ઞમાં વધુને વધુ નાગરિકો જોડાય તે માટે તેમને પ્રોત્સાહિત કરાશે. એક લાખ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સના પરિવારજનો સુધી પહોંચવાના લક્ષ્યાંક સાથે આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનું મુખ્ય મથક રાજભવન, ગુજરાત રહેશે. 
 
ગુજરાતની અમદાવાદ સ્થિત યુવા અનસ્ટોપેબલ સંસ્થાના સહયોગથી ફ્ન્ટલાઇન કોરોના વોરિયર્સના પરિવારજનો માટે તૈયાર કરવામાં આવેલી રાશન અને જીવનજરૂરી ચીજવસ્તુઓની બે મહિના ચાલે તેવી કીટનું ગુજરાત રાજભવન ખાતેથી વિતરણ કરવામાં આવશે. આ અભિયાન અંગે વધુ માહિતી આપતા સંસ્થાના અમિતાભ શાહના જણાવ્યા પ્રમાણે કોરોના સંક્રમણના આ કપરા કાળમાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ પોતાના પરિવારથી દૂર,કામના ભારણ અને તણાવ વચ્ચે સંક્રમિતોની સેવા કરવામાં સતત વ્યસ્ત રહેતા હોય છે. 
 
આવા સમયે તેમના પરિવારજનોની ચિંતા કરવાના, તેમને  સહાયભૂત થવાના ઉદેશ સાથે માત્ર ગુજરાતમાં જ નહીં, રાજભવન દ્વારા શરૂ કરાયેલા આ સેવાયજ્ઞ દ્વારા દેશભરના ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સના પરિવારજનોને સહાય કરવા તેમની ટીમ તૈયાર છે. આ અભિયાનમાં સમાજના પ્રતિષ્ઠિત નાગરિકો અને સેલિબ્રીટીઝને પણ જોડવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. 
 
અમિતાભ શાહના જણાવ્યા પ્રમાણે આઇપીએલના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પણ ગુજરાતના ક્રિકેટરો પાર્થિવ પટેલ, ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણ તેમજ વિખ્યાત કુસ્તીબાજ સંગ્રામસિંહતેમના મિત્રોના સહયોગથી કોરોના વોરિયર્સને પ્રોત્સાહિત કરવા અને તેમનો આભાર વ્યક્ત કરવા માટે ખાસ અભિયાન ચલાવશે. આ અંગે પાર્થિવ પટેલે જણાવ્યુ હતુ કે, કોરોના વોરિયર્સ સ્વસ્થ રહેશે તો જ સંક્રમિતોની સેવા કરી શકશે, તેમની સંભાળ લેવી એ આપણી પણ ફરજ છે. 
 
કોરોના  સંક્રમિતોની દિવસ કે રાત જોયા વિના અને પરિવારજનોથી દૂર રહીને પણ સતત પોતાની ફરજ બજાવનારા મેડિકલ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ, સફાઇ કર્મી, એમ્બ્યુલન્સ સ્ટાફ, પોલીસ અને સિક્યોરીટી સ્ટાફ જેવા અનેક ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સના પરિવારજનોની સહાય માટે ગુજરાતના રાજ્યપાલશ્રીની પ્રેરણાથી દેશભરમાં સૌ પ્રથમ વખત ગુજરાત રાજભવન દ્વારા સ્તુત્ય પ્રયાસ થઇ રહ્યો છે ત્યારે આ સેવાયજ્ઞમાં સમાજના પ્રતિષ્ઠિત વ્યકિત અને જુદા જુદા સમાજના અગ્રણીઓ પણ જોડાઇ રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સ્મીમેર હોસ્પિટલના તબીબોના પ્રયાસોથી અલથાણની સગર્ભા પરિણીતા બની કોરોનામુક્ત