રાષ્ટ્રનિર્માણમાં યુવાનો દેશની દોલત છે. સમાજ, રાજ્ય-રાષ્ટ્રની વિકાસ યાત્રાના પાયામાં યુવાશક્તિ એક મોરપિંછ સમાન છે. યુવાશક્તિને ખેલકૂદ સાથે સાંકળીને શક્તિદૂત યોજનાઓ થકી ગુજરાતે એક નવી દિશા દેખાડી છે. આગામી ૨૫ વર્ષમાં ભારત સહિત ગુજરાત રાજ્યના વિકાસ માટે મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી શકે છે. દેશના હોનહાર તરવરૈયા સમાન યુવાશક્તિ ખેલકૂદ ક્ષેત્રે વધુ રૂચી કેળવીને ખેલમહાકુંભ, ફિટ ઇન્ડિયા, ખેલો ઇન્ડિયા થકી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં જીત હાંસલ કરી ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ મેળવીને નવી ઉંચાઈઓ સર કરી રહી છે. નવા જોમ-જુસ્સાના ધ્યેયમંત્ર સાથે ગત વર્ષ-૨૦૧૦ માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ખેલમહાકુંભનું બીજ રોપ્યું હતું. જે આજે વટવૃક્ષ બની દેશ માટે મેડલોની વણજાર સર્જી છે. જેમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારના ખેલાડીઓની હિસ્સેદારીથી આગળ ભાત ઉપસાવી રહી છે. મેદાની જંગમાં જીતીને દેશનું નામ રોશન કરી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાહબરી હેઠળ રાજ્યના રમતવીરો માટે ખેલમહાકુંભ એક આશાનું કિરણ સમાન છે. આ રોપવામાં આવેલું બીજ આજે વટવૃક્ષ બનીને દુનિયાની સામે ઉભર્યુ છે. વડાપ્રધાનશ્રીનું યુવાનો માટે વિઝન સ્પષ્ટ છે, ભારતનું ભાવિ આ રમત-ગમતનું યુવાધન સુપેરે સુનિશ્ચિત કરશે. અને વિશ્વપટલ પર, વિશ્વફલક પર ભારતને એક મજબુત રાષ્ટ્ર, વિશ્વગુરૂ તરીકે પ્રસ્થાપિત કરવા માટે યુવાધનને ખેલકૂદ ક્ષેત્રે દિન પ્રતિદિન પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે. જેમાં સુંદર પરિણામો આપણને મળી રહ્યાં છે. ટેબલ ટેનિસમાં હરમીત દેસાઈ, એથ્લેટિક્સમાં ડાંગ એક્સપ્રેસ સરિતા ગાયકવાડ, ટેનિસ ખેલાડી અંકિતા રૈના સહિત ઇલાવેનિલ વાલારિવનએ રાઈફલ શુટિંગમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલો જીતીને નામ રોશન કર્યુ છે.
જેમાં તાજેતરમાં જ મહારાષ્ટ્રના ડોમ્બિવલી ખાતે યોજાયેલી ટ્રોમ્પોલિન જિમ્નાસ્ટિક સ્પર્ધા (સિનિયર કેટેગરી)માં માનસી વસાવાએ બ્રોન્સ મેડલ હાંસલ કર્યો હતો. જ્યારે અંડર-૧૪ ની સમાન સ્પર્ધામાં ફલક વસાવા, યશ્વી પટેલ અને રિધ્ધી વસાવાએ સિલ્વર મેડલ હાંસલ કરી નર્મદા જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. ગુજરાત રાજ્ય દ્વારા વ્યાપક ફલક ઉપર સ્પોર્ટ સંકુલો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરીને રમતવીરોની પ્રતિભાને ખિલવવા સારું પ્રદર્શન કરવા ખાસ કોચની નિમણૂક કરીને એક શ્રેષ્ઠ મંચ પ્રદાન કરી રહ્યું છે. રાજ્ય-રાષ્ટ્રના મુખ્ય પ્રધાનના માર્ગદર્શન હેઠળ રમત-ગમત મંત્રીશ્રી અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી રાજ્યમાં સ્પોર્ટ કલ્ચર અને ફિટનેસ પર વિશેષ ભાર આપી રહ્યાં છે.
આ સંદર્ભમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે બજેટમાં કુલ રૂ. ૫૬૮ કરોડ પૈકી રાજ્યના રમતવીરોને પ્રોત્સાહિત કરવા ખેલકૂદ માટે અદ્યતન આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રૂ. ૩૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તાજેતરમાં રમત-ગમત મંત્રીશ્રી અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ નર્મદા જિલ્લાના રાજપીપલા રમત સંકુલ ખાતે રૂ. ૨.૫૦ કરોડના ખર્ચે ડોરમેટરી ભવન અને રૂ. ૭.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત સિન્થેટિક એથ્લેટીક ટ્રેકનું લોકાર્પણ કરીને આસપાસના જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના તમામ રમતવીરો માટે કુલ રૂ. ૧૦ કરોડની અમુલ્ય ભેટ આપી હતી. જેના થકી યુવાનોમાં પડેલી શક્તિઓ બહાર આવવાનો એક અનેરો અવસર મળશે.
નર્મદા જિલ્લાના પ્રત્યેક રમતવીરોનો જુસ્સો નર્મદાના રમતવીરોનો જુસ્સો :
આમુ કીહું, આમુ લડહું, આમુ જીતહું” અત્યારે ભારત દેશ માટે આ ખેલકૂદનો સમય સૂવર્ણકાળ ચાલી રહ્યો છે. જેમાં રાજ્ય સહિત નર્મદા જિલ્લાની ભાગીદારીની પણ નોંધ લેવાઈ રહી છે. રાજ્યમાં એસ્પિરેશનલ નર્મદા જિલ્લાએ વિકાસની આગવી ઓળખ ઉભી કરીને વિકાસની વાટે પ્રવાસનની પાખે આગળ વધી રહ્યો છે. જેમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, પોષણ, સુરક્ષા, સલામતી, રોજગાર, પર્યટન, ખેલકૂદનો પણ એક નવો અધ્યાય જોડાઈ રહ્યો છે. વધુમાં રમતગમત ક્ષેત્રે જિલ્લાનું ઉજળુ પાસુ એટલે રાજપીપલાની અંબુભાઈ પુરાણી વ્યાયામ શાળા. જે નર્મદા જિલ્લાને એક તંદુરસ્ત પેઢીની સાથોસાથે શ્રેષ્ઠ રમતવીરો તૈયાર કરીને નર્મદા જિલ્લાના ગૌરવને વધારવાના સરાહનીય પ્રયાસો કરી રહ્યું છે. જિલ્લો આંતરરાષ્ટ્રીય પ્રર્યટન સ્થળ તરીકે પ્રસ્થાપિત થયેલો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી થકી સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ ફૂટ ઉંચી વિરાટ પ્રતિમા નવી ઉંચાઈને આંબી રહી છે. એકતાનગરના સાનિધ્યમાં આર્ચરીની રાષ્ટ્રીય સ્પર્ધામાં દેશના ખુણેખુણાથી કુલ ૩૨૦ જેટલા તિરંદાજોએ પોતાના તિરંદાજીની કૌવત દાખવી આદિજાતિ બાહુલ્ય ધરાવતા પ્રદેશનો પરિચય આપ્યો છે. એકતાનગરના પટાંગણમાં યોજાયેલી રાષ્ટ્રીય આર્ચરી સ્પર્ધા (સિનિયર્સ)માં કુલ ૪૫ ટીમોના ૩૨૦ તિરંદાજોએ ઈન્ડિયન રાઉન્ડ, રિકર્વ-બો( આધુનિક ધનુષ) અને કમ્પાઉન્ડ ધનુષ જેવી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. નર્મદા જિલ્લાને અડીને આવેલો પાડોશી છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતેની આર્ચરી એસોશિયેશન અને એકલવ્ય તિરંદાજી એકેડમી નર્મદા જિલ્લાના રમતવીરોને પણ પ્રોત્સાહિત કરી રહી છે.
નર્મદા જિલ્લો પણ તૈયાર છે રમતક્ષેત્રે પોતાની પ્રતિભાને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેખાડીને સમાજ, રાજ્ય-રાષ્ટ્રનું નામ રોશન કરવા માટે. અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ આર્ચરી ખેલાડી જયવંતીબેન વસાવાએ નર્મદા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા રાજ્યકક્ષાએ નામના મેળવી હતી. જે હાલ અન્ય રમતવીરોને પણ આર્ચરી સ્પર્ધા માટે પ્રોત્સાહિત કરી રહ્યાં છે. જિલ્લા રમત વિકાસ અધિકારી વિષ્ણુભાઈ વસાવાએ પણ પોતાના પ્રતિભાવો આપતા જણાવ્યું કે, જિલ્લાના ખેલાડીઓમાં તિરંદાજીની સારી પ્રતિભા છુપાયેલી છે. તાજેતરમાં યોજાયેલી તિરંદાજી સ્પર્ધા રમતવીરોના કારકિર્દી માટે ઉત્તમ તક સમાન ગણાવી હતી.
માનવવિકાસમાં સૌથી વધુ ફાળો રમત-ગમતનો છે. ભારત પ્રાચીન સમયથી રમત સાથે સંકળાયેલ છે. રમતો તો રાષ્ટ્રના હ્રદયના ધબકારા સમાન છે. ભારતે મોટી રમત સ્પર્ધાઓ અને મલ્ટિ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સનું આયોજન કરીને થોડાક વર્ષોમાં યુવા તારલાઓને ખુબ પ્રોત્સાહન પુરુ પાડ્યું છે. ડાંગ એક્સપ્રેસ સરીતા ગાયકવાડ અને હરમિત દેસાઈ જેવા તારલાઓ તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. જેમાં મહારાષ્ટ્ર ખાતે યોજાયેલી જિમ્નાસ્ટિક ટ્રેમ્પોલિન સ્પર્ધામાં (સિનિયર કેટેગરી) માં માનસી વસાવાએ પણ બ્રોન્ઝ મેડલ જીતીને નર્મદા જિલ્લાનું નામ રોશન કર્યું છે.
એકતાનગર ખાતે આયોજિત આર્ચરી ઇવેન્ટ્સમાં વિશ્વની નંબર-૦૧ તીરંદાજ દીપિકા કુમારી, ઓલંપિયર્સ અતાનુ દાસ, અર્જુન એવોર્ડથી સન્માનિત અભિષેક વર્મા, રજત ચૌહાણ સહીત ૨૦ જેટલા ઇન્ટરનેશનલ ખેલાડીઓની સહભાગીતા નોંધાઈ હતી. જેમાં ગુજરાતના ૨૪ જેટલા રમતવીરોએ ભાગ લીધો હતો. આર્ચરીના ઈન્ડિયન રાઉન્ડમાં અમિતા રાઠવાએ ગોલ્ડ મેડલ જીતીને બાજી મારી ગુજરાતને અપાવેલુ ગૌરવ નર્મદા જિલ્લાના રમતવીરોને પણ માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવા સહિત આવી જ ખેલપ્રતિભાઓની શોધ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં આવનાર તમામ વર્લ્ડ અને એશિયન ચેમ્પિયનશીપમાં વધુમાં વધુ રમતવીરો વિવિધ રમતોમાં ભાગ લે જેમાં નર્મદા જિલ્લાના તારલાઓ પણ ચમકે તેવા ઉમદા આશય સાથે જિલ્લા રમત ગમત અધિકારી વિષ્ણુભાઈ વસાવા પણ રમતવીરોને પ્રોત્સાહિત કરી રહ્યાં છે. આદિવાસી પટ્ટામાંથી રમતવીરોની આગેકૂચ આર્ચરીની રમતમાં પણ પ્રેરણારૂપ નિવડી શકે છે