ઓલિમ્પિક ચંદ્રક વિજેતા મનુ ભાકરને બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર (ISWOTY) ઍવૉર્ડનાં વિજેતા જાહેર કરાયાં છે. વિશ્વસ્તરે જાહેર મતદાન થયાં બાદ તેમની પસંદગી થઈ છે.
2024 પેરિસ ઑલિમ્પિકમાં બે ચંદ્રક જીતનારાં પ્રથમ ભારતીય તરીકે તેમની ઐતિહાસિક સિદ્ધિઓને બિરદાવવામાં આવી છે. નોંધપાત્ર છે કે મનુ ભાકરને અગાઉ 2021માં બીબીસીનાં 'ઇમર્જિંગ પ્લૅયર ઑફ ધ યર' જાહેર કરવામાં આવ્યાં હતાં.
ઍવૉર્ડ જીત્યા બાદ મનુ ભાકરે કહ્યું હતું કે, "બીબીસીનો આ ઍવૉર્ડ માટે આભાર. આ ખૂબ ઉતારચઢાવ વાળી સફર રહી છે. મેં ઘણી મૅચ જીતી છે. પરંતુ અહીં તમારી સામે આજે હોવું એ મારા માટે ગર્વની વાત છે. મને આશા છે કે આનાથી ન માત્ર દેશની મહિલાઓને પરંતુ એ ખેલાડીઓને પણ પ્રેરણા મળશે કે જેમનાં સ્વપ્નો મોટા છે અને તેમને જીવનમાં કંઈક ઊંચું હાંસલ કરવું છે."
"આપણા માટે હજુ ઘણો લાંબો રસ્તો છે. આપણે ઘણો લાંબો રસ્તો કાપી લીધો છે. 30 વર્ષ પહેલાં મહિલાઓ માટે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી, પરંતુ મહિલાઓએ જ તેને સરળ બનાવી છે."
"આપણા દેશમાં સ્ટાર રહી ચૂકેલાં મહિલાઓનાં બલિદાન અને મહેનતે આપણા માટે વસ્તુઓ સરળ બનાવી છે. મને આશા છે કે આવનારી પેઢીઓ માટે વસ્તુઓ હજુ સરળ બનશે, પછી ભલે તેઓ કોઈપણ ક્ષેત્રમાંથી આવેલાં હોય."
એ સિવાય અવની લેખરાને પૅરા-શૂટિંગમાં તેમની ઐતિહાસિક સિદ્ધિઓ બદલ બીબીસી 'પૅરા-સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર'નો ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. ટોકિયો 2020માં સુવર્ણ અને કાંસ્ય ચંદ્રક તથા પેરિસ 2024માં સુવર્ણ ચંદ્રક સાથે ત્રણ પૅરાલિમ્પિક ચંદ્રક જીતનારાં તેઓ પ્રથમ ભારતીય મહિલા છે.
કોને કયો ઍવૉર્ડ મળ્યો?
બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર: મનુ ભાકર
બીબીસી પૅરા-સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર: અવની લેખરા
બીબીસી ઇમર્જિંગ પ્લૅયર ઍવૉર્ડ: શીતલ દેવી
બીબીસી લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવૉર્ડ: મિતાલી રાજ
બીબીસી ચૅન્જમેકર 2024: તાનિયા સચદેવ
બીબીસી ચૅન્જમેકર 2024: નસરીન શેખ
બીબીસી સ્ટાર પર્ફોમર 2024: થુલાસિમથી મુરુગેસન
બીબીસી સ્ટાર પર્ફોમર 2024: પ્રીતિ પાલ