ગુજરાતમાં બહુ ચર્ચિત ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈ દ્વારા મહત્વની માહિતી છુપાવી રહી છે તેવો આરોપ મુકી તપાસના તમામ કાગળોનો ચાર્જશીટનો હિસ્સો બનાવવાની ડીવાયએસપી તરૂણ બારોટે કરેલી અરજી સીબીઆઈ કોર્ટે ગ્રાહ્ય રાખી તમામ દસ્તાવેજોને કેસનો હિસ્સો બનાવવા જણાવ્યુ છે. ઈશરત કેસના આરોપી અને હાલમાં જામીન ઉપર છુટેલા ડીવાયએસપી તરૂણ બારોટ દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ પિટિશન કરી સીબીઆઈ કેસમાં દુર કરેલા દસ્તાવેજોને કેસનો હિસ્સો બનાવવા રજુઆત કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલે સ્થાનિક સીબીઆઈ કોર્ટ સમક્ષ જવાનું કહેવામાં આવ્યુ હતું. જેના આધારે તરૂણ બારોટે સીબીઆઈ કોર્ટ અમદાવાદમાં કરેલી અરજીમાં રજુઆત કરી હતી કે સીબીઆઈએ ચાર્જશીટ કરી તેમાં ગુજરાત ફોરેન્સિક અને સેન્ટ્રલ ફોરેન્સિકના રિપોર્ટ મુકવામાં આવ્યા નથી. આ ઉપરાંત એનેક સાક્ષીઓના નિવેદન પણ ચાર્જશીટનો હિસ્સો નથી, જે દસ્તાવેજો ટ્રાયલ વખતે આરોપીની તરફેણમાં હોય તેવા દસ્તાવેજો હટાવી દેવામાં આવ્યા છે. સીબીઆઈ કોર્ટ દ્વારા તરૂણ બારોટની અરજી ગ્રાહ્યય રાખી સીઆરપીસીની કલમ 91 અનુસાર તમામ દસ્તાવેજોને કેસમાં સામેલ કરવા આદેશ આપ્યો છે.