આજથી દસેક વર્ષ પહેલા જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી રહી ચુકેલા નરેન્દ્ર મોદીજીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવ્યા ત્યારે તેમણે પોતાની વાતોથી સમગ્ર દેશ અને દુનિયામાં ગુજરાતની જે છબિ બનાવી તે સમયે લોકોના મોઢે ગુજરાતની ચર્ચા સાંભળીને દરેક ગુજરાતીને ગર્વનો અહેસાસ થતો હતો.. મોદીએ ગુજરાતને મોડેલ તરીકે રજુ કરીને દરેક રાજ્યના લોકો પ્રત્યે એવી આશા જન્માવી હતી કે દરેક રાજ્ય ગુજરાત જેવુ બનશે. તેમા સૌથી મોટી વાત અપરાધ અને મહિલા સુરક્ષાની હતી. એવુ કહેવાતુ હતુ કે ગુજરાતમાં મહિલાઓ નવરાત્રિમાં પણ મોડી રાત સુધી એકલી પણ આમતેમ જઈ શકે છે. તેથી મહિલાઓ સૌથી વધુ સુરક્ષિત છે અને કદાચ તેથી જ કદાચ લોકસભામાં મોદીજીને મહિલાઓના વધુ વોટ મળ્યા હતા.
સમય ચક્ર ફરતુ ગયુ દિવસો વીતતા ગયા અને કોરોનાકાળથી અત્યાર સુધીમાં ગુજરાતમાં મહિલાઓ પ્રત્યેના અપરાધનો ગ્રાફ એકાએક જ વધતો ગયો. વિશ્વાસ નથી આવતો કે આ એ જ ગુજરાત છે રાજ્ય છે જે મહિલાઓ સૌથી વધુ સુરક્ષિત હોવાનો દાવો કરવામાં આવે છે. મહિલાઓ સાથેના અપરાધ પણ કેવા જઘન્ય અપરાધ. મામલો પછી એ ગ્રીષ્મા મર્ડર કેસનો હોય કે પછી વડોદરામાં 19 વર્ષની તૃષા સોલંકી હોય દરેક દિકરીએ એક તરફી પ્રેમમાં પાગલ થયેલા પોતાના જ મિત્ર કહેવાતા યુવકના હાથે પોતાનો જીવ ગુમાવ્યો છે. સ્ત્રીઓ સાથેના ક્રાઈમ અને મર્ડર પણ એવા લોકો દ્વારા કરવામાં આવ્યા છે જેમના પર યુવતીઓને એક મિત્ર જેવો વિશ્વાસ હોય કે ક્યારેય તેમને સ્વપ્નમાં પણ ખ્યાલ નહી આવ્યો હોય કે આ જ મિત્ર તેનો જીવ પણ લઈ શકે છે.
એક તરફી પ્રેમમાં હત્યા કેમ ?
ગુજરાતમાં આપણે જોયુ છે કે હાલ તાજા આંકડાઓમાં અત્યાર સુધી મહિલાઓ સાથે જે પણ અપરાધ થયા તે એકતરફ્રી પ્રેમમાં જ થયા છે. વ્યક્તિ જેને પ્રેમ કરતી હોય તેનો જીવ કેવી રીતે લઈ શકે ? પ્રેમમા તો બલિદાન, ત્યાગ અને તારી ખુશીમાં મારી ખુશી જેવી ભાવના હોવી જોઈએ. પરંતુ આજની પેઢી જે અને આજનુ જનરેશન જે નેટ યુઝ કરીને સ્માર્ટ થયા છે તે કદાચ આ બધી ફીલિંગ્સ સમજી શકે નહી. પ્રેમમાં ફક્ત પ્રેમ અને ભાવના હોવી જોઈએ, કામ અને કામના નહી. કારણ કે પ્રેમ અને ભાવના માણસને કોમળ અને પ્રેમાળ બનાવે છે અને જ્યા પ્રેમમાં કામ કે એટલે કે શારીરિક આકર્ષણ અને કામના એટલે કે હુ પ્રેમ કરુ છુ તો તુ પણ મને પ્રેમ કર એવો સ્વાર્થ આવી જાય છે. આજકાલના યુવાનો આકર્ષણને જ પ્રેમ સમજી લે છે. આવા આકર્ષણને પ્રેમ સમજનારા યુવાનોને જ્યારે યુવતીઓ રિલેશનની ના પાડે તો તેમની અંદર મારી નહી તો કોઈની નહી નો અહંકાર જન્મ લે છે જે તેમને અપરાધી બનાવે છે. કારણ કે મનોવૈજ્ઞાનિકોનુ પણ માનવુ છે કે આકર્ષણ દ્વારા જન્મેલો પ્રેમ કામુકતાને જન્મ આપે છે અને સાચો પ્રેમ આ કામુકતાના ભાવનુ દમન કરે છે. તેથી જ જેઓ કોઈની પ્રત્યે આકર્ષિત થાય છે તેઓ એ વ્યક્તિ પ્રત્યે ખૂબ વધુ કામુક ભાવના રાખે છે. તેથી જ તો સમાજમાં આપણે એવા પણ કેસ જોઈએ છીએ કે યુવતીઓને પ્રેમમાં પટાવીને તેમની સાથે દુષ્કર્મ કરવામાં આવે છે.
સ્ત્રીઓ પાછળ જવાબદાર સામાજીક પરિબળ
એક હકીકત એ પણ છે કે આપણો સમાજ જ પુરુષવાદી છે અને એમાં મહિલાઓ પ્રત્યે સંવેદનાનો સદંતર અભાવ છે. કોલેજ હોય કે કાર્યસ્થળો દરેક જગ્યાએ મહિલાઓ પર ટિપ્પણી તેમનુ માનસિક ઉત્પીડન થાય છે જે હકીકતમાં તો પુરુષવાદી માનસિકતાની દેન છે જે મહિલાને એક વસ્તુ માને છે. આ માનસિકતા મહિલાને પોતાના સમકક્ષ સહકર્મીના રૂપમાં જોઇ જ નથી શકતી. જ્યા મહિલા આગળ વધી રહી છે ત્યા સમાજ તેને તેની પર્સનલ લાઈફ વિશે કે તેના પાસ્ટ વિશે ટિપ્પણીઓ કરીને તેમને કમજોર કરવાની કોશિશ કરે છે. મહિલા વિરુદ્ધ અપરાધ ડામવા માટે માત્ર કાયદાની જ જરૂર નથી કાયદાના અમલીકરણ સાથે જ સમાજને પણ જાગૃત બનાવવાની જરૂર છે. ઉપરાંત પુરુષવાદી માનસિકતાને બદલવા માટેના પ્રયાસો કરવા પણ જરૂરી છે. એક એક કેસનો ઉકેલ આવતા જ્યા દસ દસ વર્ષ થઈ જતા હોય છે. તેથી મોટાભાગના કેસમાં યુવતીઓ અને પરિવાર આવનારા ભવિષ્ય વિશે વિચારીને કેટલીક ફરિયાદો નોંધાવતા નથી. પરંતુ આવી જ નાની મોટી વાતો છુપાવીને એક દિવસ તે મોટા અપરાધમાં બદલાય જાય છે ત્યારે આપણને એ નાની ભૂલનો અહેસાસ થાય છે. તેથી છોકરીઓને બાળપણથી જ બોલ્ડ બનાવવી જોઈએ કે તે દરેક વાતનો ગભરાયા વગર જવાબ આપી શકે. જે વાત તેને નથી ગમતી તેના વિરુદ્ધ ચીસ પાડીને બોલી શકે. આપણો સમાજ છોકરીઓને બાળપણથી જ દબાવી રાખે છે એ પછી તેની ભાવના હોય કે તેનો હક... તેથી અનેક સ્ત્રીઓને સહન કરવાની ટેવ પડી જાય છે.. ઘરમાં ભાઈની દાદાગીરી.. સાસરે જઈને પતિની અને વૃદ્ધાવસ્થામાં પુત્રોની.. જે સ્ત્રી આ દરેક મામલે અવાજ ઉઠાવે છે તો સમાજમાં તેના વિશે કહેવાય છે કે આ ચાલુ પ્રકારની છે.
શુ છે આપણુ કર્તવ્ય
મારી દરેક દીકરીઓના માતા પિતાને વિનંતી છે કે તમને છોકરીઓ છે એટલે તમે કમજોર છો એવુ ક્યારેય ન સમજશો. છોકરીને તુ છોકરી છે એટલે ચૂપ રહેજે એવુ ક્યારેય ન શીખવશો. હકીકતમાં તો યૌન શોષણના કે જાતીય સતામણીના મામલાઓમાં સ્ત્રીઓએ ચૂપ રહેવું પડે છે એના માટે આપણો સમાજ જવાબદાર છે. આજે પણ આવી પીડિત મહિલાને સાથ આપવાના બદલે ઉલટું તેના ઉપર જ આક્ષેપબાજી થાય છે. દુર્વ્યવહારના મામલે સ્ત્રીઓએ ચૂપ રહેવું પડે છે કારણ કે સમાજ તેમને ચૂપ રહેવાની ફરજ પાડે છે. સમાજ જ સ્ત્રીઓને ડરીને રહેવા માટે મજબૂર કરે છે કે ચૂપ રહો નહીંતર તમારે જ ભોગવવું પડશે. સમાજ સાથ આપે ન આપે ઘર પરિવારે હંમેશા દિકરીઓનો સાથ આપવો જોઈએ તો જ દિકરી મજબૂત બનશે. દિકરી મજબૂત હશે તો જ સમાજ મજબૂત બનશે એ હકીકત વહેલી તકે સમજી લેવી જરૂરી છે.