અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો પ્રકોપ આજે પણ યથાવત્ રહ્યો હતો. શનિવારે અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન ૧૦.૯ ડિગ્રી નોધાયુ હતુ. સતત ચાર-પાંચ દિવસથી શીત લહેરની સ્થિતિ રહેતાં શહેરીજનો ધ્રુજી ઉઠયાં છે. સતત ઠંડો પવન ફૂંકાતા શહેરનું મહત્તમ તાપમાન પણ ગગડયું છે. કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન ૩.૫ ડિગ્રી નોધાતાં રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતુ. આ સિવાય અન્ય શહેરોમા ડીસામાં લઘુત્તમ તાપમાન ૯ ડિગ્રી, ગાંધીનગરમાં ૮.૫ ડિગ્રી, વડોદરામાં ૯.૮ ડિગ્રી, પોરબંદરમાં ૯.૬ ડિગ્રી, કેશોદમાં ૭.૩ ડિગ્રી અને કંડલા એરપોર્ટમાં ૮ ડિગ્રી તાપમાન નોધાયું હતુ. હજુ બે દિવસ સૌરાષ્ટ્રના જુનાગઢ અને પોરબંદરમાં તેમજ કચ્છના નલિયામાં કોલ્ડવેવની અસર રહેશે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.