અમેરિકન સ્પેસ એજન્સી નાસાના અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર સ્પેસથી પરત ફરતી વખતે માં ફસાયા છે. સ્પેસક્રાફ્ટમાં હીલિયમ લીક થવાના કારણે તેઓ પરત ફરી શકતા નથી. સુનિતા જે સ્પેશયાનમાં પરત ફરવાના હતા એ યાનમાં ખામી સર્જાતાં સ્પેસમાં ફસાયા છે. જેને પગલે નાસા સહિત વિશ્વભરના લોકો ચિંતિત છે. આ વાતની ખબર પડતાં જ સુનિતા વિલિયમ્સના ઝુલાસણ ગામના લોકો ચિંતિત બન્યા છે. ગામના લોકો સુનીતા સુરક્ષિત પરત ફરે એવું ઇચ્છી રહ્યા છે. તેમની રક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા છે. સ્કૂલના બાળકો અને ગ્રામજનોએ સુનિતા વિલિયમ્સની રક્ષા માટે શુક્રવારે સવારે અખંડ જ્યોત યાત્રા કાઢી હતી.
સારા નરસા પ્રસંગે દોલા માતાજી સમક્ષ અરજ કરવામાં આવે છે
ઝુલાસણ ગામના લોકો કે છે, સુનિતા વિલિયમ્સ ગામની દિકરી છે, તેમણે દેશ દુનિયામાં ગામનું ગૌરવ વધાર્યું છે. આ દિકરી મુસીબતમાં મુકાઇ છે એ જાણી ગામ લોકો ચિંતિંત બન્યા છે. ગામ લોકોએ આજે દોલા માતાજી સમક્ષ આજીજી કરી છે અને સુનિતા હેમખેમ પરત ફરે એ માટે માતાજી સમક્ષ અખંડ જ્યોત મુકી છે. સુનીતા સુરક્ષિત પરત ફરશે ત્યાં સુધી આ અખંડ જ્યોત મંદિરમાં પ્રજ્વલિત રાખવામાં આવશે. દોલા માતાજી પ્રત્યે ગામ લોકોની પૂર્ણ આસ્થા છે. ગામમાં સારા નરસા પ્રસંગે દોલા માતાજી સમક્ષ અરજ કરવામાં આવે છે.
સુનીતા વિલિયમ્સની રક્ષા માટે મંદિરમાં યજ્ઞ કરાશે
આજે અખંડ જ્યોત રાખી સુનિતા વિલિયમ્સની રક્ષા માટે અરજ કરવામાં આવી છે. શનિવારે મંદિરમાં 12 કલાક સુધી દોલા માતાજીની ધૂન કરવામાં આવશે અને રવિવારે સુનીતાની રક્ષા માટે મંદિરમાં યજ્ઞ કરવામાં આવશે.અગાઉ પણ જ્યારે સુનિતા સામે સંકટ ઉભું થયું હતું ત્યારે પણ અમે મંદિરમાં અખંડ જ્યોત રાખી પ્રાર્થના કરી હતી અને સુનીતા હેમખેમ પરત ફર્યા હતાં. આ વખતે પણ અમને પૂર્ણ વિશ્વાસ અને શ્રધ્ધા છે કે મા અમારી દિકરીને સુરક્ષિત પૃથ્વી પર પરત લાવશે.