ભાજપામાં મૂકેલા વિશ્વાસને ભાજપા એળે નહી જવા દે - આવનારા દિવસોમાં ૬ મહાનગરપાલિકાઓના વિકાસ માટે કોઇ કચાશ નહિ રાખીએ: વિજય રૂપાણી
મતદારોએ આ ભવ્ય વિજય અપાવીને ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે એ ફરી વખત સાબિત કર્યું: વિજય રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની ૬ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયને ગુજરાતની જનતા જનાર્દનનો વિજય વર્ણવતાં આ વિજય માટે ચૂનાવમાં પરિશ્રમ કરનારા સૌ કાર્યકર્તાઓને હ્દયપૂર્વકના અભિનંદન પાઠવ્યા છે.
મુખ્યમંત્રીએ આ વિજય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી વિકાસની રાજનીતિનો વિજય છે તેમ જણાવતાં કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીમાં મહાનગરોના મતદારોએ મૂકેલા વિશ્વાસને ભાજપા એળે નહિ જવા દે. એટલું જ નહિ, આ મહાનગરોના વિકાસમાં પણ કોઇ કચાશ રહેવા દેશે નહિ.
તેમણે વધુમાં જણાવ્યું કે, ૬ મહાનગરપાલિકાઓના મતદાતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાતને ભવ્ય વિજય અપાવીને ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે એ ફરી વખત પૂરવાર કર્યુ છે અને ગુજરાત મક્કમ ભાજપ સાથે અડીખમ સુત્રને પણ સાર્થક કરી બતાવ્યું છે.
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, વર્ષોથી કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીને શહેરોના વિકાસની જવાબદારી સોંપીને ગુજરાતની જનતાએ રાજકીય વિશ્લેષણ કરનારા લોકોને એન્ટી ઇન્કમ્બન્સી શબ્દ ગુજરાતને લાગું જ ના પડતો હોય એવો અભ્યાસ કરવા માટેનો વિષય આ વિજય અપાવીને પૂરો પાડયો છે.