જ્યોતિરાદિત્યનો નિર્ણય યોગ્ય, કૉંગ્રેસ અંદરોઅંદરની લડાઈમાં હોમાઈ ગઈ છે : વિજય રૂપાણી
, બુધવાર, 11 માર્ચ 2020 (12:05 IST)
મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસના યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજીનામાં બાદ કમલનાથ સરકાર સંકટમાં મૂકાઈ છે. મીડિયા અહેવાલો પ્રમાણે સિંધિયા ભાજપમાં જોડાઈ શકે છે અને તેમને રાજ્યસભાની ટિકિટ ઑફર થઈ શકે છે. મધ્ય પ્રદેશની સ્થિતિ મામલે પ્રતિક્રિયા આપતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપણીએ જણાવ્યું હતું કે, કૉંગ્રેસ પાર્ટી અંદરોઅંદરના અસંતોષને કારણે હોમાઈ ગઈ છે. સિંધિયાએ જે પણ નિર્ણય કર્યો છે તે યોગ્ય છે. બુધવારે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક પહેલા પત્રકારો સાથે વાતચીત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, "મધ્ય પ્રદેશમાં જે થયું છે તે એક દિવસ થવાનું જ હતું. દેશમાં કૉંગ્રેસ પાર્ટી નેતાગીરી વિહોણી છે. કોંગ્રેસમાં વંશ પરંપરાગત જે વ્યવસ્થા છે તેને કારણે દરેક રાજ્યમાં કાર્યકરોમાં વ્યાપક અસંતોષ છે. હું માનું છું કે જ્યોતિરાદિત્ય સિંધિયાએ ખૂબ જ યોગ્ય નિર્ણય કર્યો છે. કૉંગ્રેસ ચારેતરફ અંદરોઅંદરના વ્યાપક અંસતોષમાં હોમાઇ ગઈ છે. જેના ફળસ્વરૂપે મધ્ય પ્રદેશમાં આજે કૉંગ્રેસની સરકાર આંતરિક ઝઘડાઓને કારણે તૂટી ગઈ છે." ગુજરાતમાં આગામી દિવસોમાં યોજાનાર રાજ્યસભાની ચૂંટણી મામલે જણાવતા વિજય રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી હાઇકમાન્ડ તરફથી કરવામાં આવશે. મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ વિશે જણાવતા સીએમ રૂપાણીએ જણાવ્યું કે, "મહારાષ્ટ્ર રાજ્યમાં જે ગઠબંધન છે તે ખૂબ જ અપ્રાકૃતિક છે. આવું જોડાણ લાંબુ ન ટકે. શિવસેના, એનસીપી અને કૉંગ્રેસની વિચારધારા જ અલગ છે. તમામ પક્ષો એકબીજાના વિરોધી છે. આથી સ્વાભાવિક પણે આવી સરકાર વધારે સમય ન ચાલે." આ ઉપરાંત મુખ્યમંત્રીએ ગુજરાતમાં કૉંગ્રેસની સ્થિતિ અંગે જણાવ્યું હતું કે, તમામ લોકો બહુ સારી રીતે જાણે છે કે ગુજરાત કૉંગ્રેસમાં શું ચાલી રહ્યું છે. નેતાગીરી બદલવા માટે ગતિવિધિ ચાલી રહી છે, પરંતુ આ તેમનો આંતરિક મામલો હોવાથી તેના વિશે વધારે કહેવું યોગ્ય નહીં ગણાય.
આગળનો લેખ